ખજૂર ગુંદપાક
સામગ્રી : 250 ગ્રામ ખજૂર, 150 ગ્રામ ગુંદર, 3 ચમચી કોપરાનું ખમણ, 3 ચમચી મગજતરીનાં બી, 50 ગ્રામ કાજુ-બદામ, 2 ચમચી ખસખસ, 1 ચમચી એલચી પાઉડર, અડધી વાટકી ઘી
રીત :સૌ પ્રથમ ખજૂરના નાના કટકા કરો. હવે એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકી તેમાં ગુંદરને તળી લો. ફરી એક કડાઈમાં ઘી મૂકી તેમાં કાજુ, બદામ, મગજતરીનાં બી, ખસખસ નાખી સાંતળો. છેલ્લે કોપરાનું ખમણ, એલચી પાઉડર નાખી હલાવો. પછી ગુંદરને વાટકીથી ભાંગી નાખો. ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી તેમાં ખજૂરના કટકા નાખી ધીમા તાપે હલાવો. તેને મેશ કરી બનાવેલ મિશ્રણ પણ ઉમેરો. એક સરખું હલાવી એક થાળીમાં ઘી લગાવી તેમાં ઠારી દો. થોડીવાર પછી તેના પીસ કરો. તૈયાર છે ખાંડ વગરની એક મીઠાઈ.
બીટના લાડુ
સામગ્રી : 3 નંગ બીટ, 2 ચમચી ઘી, પા કપ મિલ્ક પાઉડર, 4 ચમચી કાજુ-બદામ, 50 ગ્રામ કોપરાનું ખમણ, 1 ચમચી એલચી પાઉડર
રીત : બીટની છાલ કાઢી ધોઈ અને ખમણીથી ખમણ કરો. ત્યારબાદ એક નોનસ્ટિક કડાઈમાં ઘી મૂકી, તેમાં બીટના ખમણને સાંતળી લો. પછી તેમાં દૂધ નાખી હલાવો. બધું દૂધ બળી જાય પછી તેમાં ખાંડ નાખી હલાવો. ખાંડનું પાણી બળી જાય પછી તેમાં મિલ્ક પાઉડર, કાજુ, બદામ અને એલચી પાઉડર, કોપરાનું ખમણ નાખી હલાવો. હવે મિશ્રણ કડાઈ છોડે ત્યાં સુધી હલાવો. આ મિશ્રણ ઠંડું પડે પછી તેમાથી નાના લાડુ વાળી લો. બાળકો, વડીલો સૌ માટે પૌષ્ટિક લાડુ તૈયાર છે.
મેથી લાડુ
સામગ્રી : 100 ગ્રામ મેથી પાઉડર, 100 ગ્રામ સૂંઠ, 300 ગ્રામ ઘઉંનો લોટ, 200 ગ્રામ ગોળ, 1 ચમચી એલચી પાઉડર, 1 ચમચી જાયફળ પાઉડર, 100 ગ્રામ કોપરાનું ખમણ, 50 ગ્રામ ખસખસ, 50 ગ્રામ પીપરીમૂળના ગંઠોડા, 4 ચમચી કાજુ-બદામ કતરણ, 500 ગ્રામ ઘી
રીત : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી તેમાં ઘઉંના લોટને ધીમા તાપે શેકો. હવે લોટ ગુલાબી શેકાય એટલે તેમાં મેથી પાઉડર, સૂંઠ, એલચી પાઉડર, જાયફળ પાઉડર, ખસખસ, પીપરીમૂળના ગંઠોડા, કાજુ-બદામની કતરણ, કોપરાનું ખમણ નાખી હલાવો. પછી બીજી કડાઈમાં ઘી અને ગોળ ને ગરમ કરી તેને લોટના મિશ્રણમાં ભેળવી દો. હવે થોડું ઠરે એટલે તેના નાના લાડુ વાળી લો. શિયાળામાં આ લાડુ પૌષ્ટિક છે.
બાજરીના રોટલાનું ચૂરમું
સામગ્રી : 1 રોટલો ઠંડો, 2 ચમચી ઘી, 2 ચમચી ગોળ, કાજુ-બદામની કતરણ
રીત : સૌ પ્રથમ સાત-આઠ કલાક પહેલાં કરેલા ઠંડા રોટલાના કટકા કરી મિક્સરમાં ક્રશ કરી લો. પછી એક નોનસ્ટિક કડાઈમાં ઘી-ગોળ નાખી ધીમા તાપે થોડીવાર હલાવો. પછી તેમાં તૈયાર કરેલું બાજરાના રોટલાનું ચૂરમું નાખી સરખી રીતે મિક્સ કરો. પ્લેટમાં કાઢી તેના પર કાજુ-બદામની કતરણ નાખી સર્વ કરો. શિયાળાની કડકડતી ઠંડીમાં આ ચૂરમું બાળકોને ખાસ આપો.










