પોટેટો સ્પ્રિંગ સૂપ
સામગ્રી : 3 નંગ બટાકા, 2 નંગ લીલી ડુંગળી, 1 ચમચી બટર, 10 લસણની કળી, 2 કપ શાકભાજીનો સૂપ, 2 ચમચી ક્રીમ, 1 ચમચી મરીનો પાઉડર
રીત : સૌ પ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં બટર મૂકી તેમાં બટાકા, લીલી ડુંગળી અને લસણની કળીને સાંતળી લો. પછી તેમાં શાકભાજીનો સૂપ નાખો. મીઠું, મરી, પાઉડર નાખી હલાવો. ત્યારબાદ બટાકા ચડી જાય પછી તેને ઠંડું થવા દો. હવે આ મિશ્રણને ક્રશ કરી કાણાંવાળાં વાસણથી ગાળી લો. પછી ફરીથી તેને એક કડાઈમાં લો. તેમાં ક્રીમ નાખી થોડી વાર ઉકાળો. આ પોટેટો સ્પ્રિંગ સૂપને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.
દાલ પાલક
સામગ્રી : 1 ઝૂડી પાલક, અડધી વાટકી ચણાદાળ, 2 ટામેટાં, 5 નંગ લસણ, તેલ, મીઠું, રૂટિન મસાલા
રીત : સૌ પ્રથમ ચણાદાળને ધોઈ કૂકરમાં પાણી અને મીઠું નાખી દાણો આખો રહે તે રીતે બાફી લો. પછી પાલકને પણ બે-ત્રણ વખત પાણીથી ધોઈ ઝીણી ઝીણી સમારી લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરાનો વઘાર કરો. હવે ટામેટાંના ટુકડા નાખો. થોડું મીઠું નાખી ધીમા ગેસ પર ચડવા દો. ટામેટાં ચડી જાય પછી મેશરથી મેશ કરો. પછી પાલક નાખો. સાથે લસણને કૂટીને નાખો.પાલક પણ ચડી જાય પછી બાફેલી ચણાદાળ નાખો. ત્યારબાદ મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખો. સરખી રીતે મિક્સ કરો. આ સબ્જીને પરોઠાં સાથે સર્વ કરો.
મટર ઈડલી
સામગ્રી :
1 કપ રવો, 1 કપ વટાણા, 3 લીલાં મરચાં, કોથમીર, 1 કપ દહીં, મીઠું, તેલ, સોડા, લીમડો, તલ, અડદની દાળ એક ચમચી
રીત : સૌ પ્રથમ એક બાઉલમાં રવો અને દહીં નાખી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ મિક્સરમાં વટાણા, લીલાં મરચાં, કોથમીરને ક્રશ કરી લો. આ પેસ્ટને પણ રવાના મિશ્રણમાં નાખો, હલાવો અને બે કલાક સુધી રાખો. પછી એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડો, તલ, અડદની દાળ નાખી વઘારને ખીરામાં નાખી હલાવો. છેલ્લે સોડા નાખી હલાવો. હવે ઈડલી સ્ટેન્ડમાં તેલ લગાવી ખીરું મૂકી ઈડલીને વરાળે રાખો. તો તૈયાર છે મટર ઈડલી. આને સોસ સાથે સર્વ કરો.
એપ્રીકોટ એનર્જી બાઈટ્સ
સામગ્રી : 1 કપ જરદાલુ, અડધો કપ કાજુ, અડધો કપ બદામ, અડધો કપ અખરોટ, 2 ચમચી કોપરાનું છીણ, મીઠું, તજ પાઉડર
રીત : સૌ પ્રથમ ચોપરમા જરદાલુ, કાજુ, બદામ, અખરોટ, ચપટી મીઠું અને તજ પાઉડર નાખી ક્રશ કરી લો. હવે તેનાં નાના નાના બોલ્સ વાળી તેને કોપરાના છીણમાં રગદોળી લો.
તૈયાર છે એકદમ પૌષ્ટિક એનર્જી બાઈટ્સ.
