સોજી પોટેટો બોલ્સ
સામગ્રી : 4 નંગ બાફેલા બટાકા, 2 નંગ લીલાં મરચાં, અડધી વાટકી કોથમીર, 2 ચમચી ચિલી ફ્લેક્સ, 1 ચમચી ચાટમસાલો, 1 ચમચી આમચૂર પાઉડર, પૌંઆનો ભૂકો, જરૂર મુજબ સોજી, તળવા માટે તેલ
રીત : સૌ પ્રથમ બટેટાને સહેજ કડક રહે તે રીતે બાફી લેવા. હવે એક બાઉલમાં બટેટાને મેશ કરી લો. તેમાં લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, ચિલી ફ્લેક્સ, ચાટમસાલો, મીઠું અને આમચૂર પાઉડર નાખી હલાવો. હવે તેમાં જરૂર પ્રમાણે સોજી નાખી મિશ્રણ તૈયાર કરો. હવે હાથમાં તેલ લગાવી નાના બોલ્સ વાળી લો. હવે પૌંઆને અધકચરા પીસી તેનો ભૂકો કરી લો. બધા બોલ્સને પૌંઆમાં રગદોળી લો. કડાઈમાં તેલ ગરમ કરો. આ બોલ્સને ગુલાબી તળી લો. ટોમેટો સોસ સાથે તેને સર્વ કરો.
સત્તુ પરોઠાં
સામગ્રી : 2 કપ સત્તુ, ઘઉંનો લોટ, ઘી, 1 ચમચી લસણની પેસ્ટ, 2 નંગ ઝીણી સમારેલી ડુંગળી, 3 નંગ મરચાં,
1 ચમચી લીંબુનો રસ, અજમો, 1 ચમચી આમચૂર પાઉડર, કોથમીર, મીઠું, તેલ
રીત : સૌ પ્રથમ સત્તુમાં લસણ, ડુંગળી, લીલાં મરચાં, લીંબુનો રસ, અજમો, કોથમીર, મીઠું નાખી પૂરણ તૈયાર કરી લો. હવે તાસમાં ઘઉંનો લોટ લો. તેમાં ઘી, મીઠું નાખી કણક તૈયાર કરી લો. હવે લોટમાંથી લૂઆ બનાવો. તેમાં સત્તુનું પૂરણ ભરી લો. ચારેબાજુથી વાળી પરોઠાં બનાવો. તવી ગરમ કરી તેલ મૂકી પરોઠાંને બંને બાજુથી શેકી લો. આ પરોઠાંને દહીં સાથે સર્વ કરો.
ટેસ્ટી કચોરી
સામગ્રી :
200 ગ્રામ મેંદો, 100 ગ્રામ મગની મોગર દાળ, 3 ચમચી ચણાનો લોટ, 1 ચમચી વરિયાળી, મીઠું, રોજિંદા મસાલા, તળવા માટે તેલ, લીંબુનો રસ
રીત : સૌ પ્રથમ એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી, તેમાં હિંગ, વરિયાળી નાખો. હવે તેમાં ચણાનો લોટ નાખીને ધીમા તાપે શેકો. થોડીવાર પછી મગની મોગર દાળ પણ નાંખો. હવે લીંબુનો રસ નાખો. થોડું પાણી છાંટી દસ મિનિટ શેકો. દાળ ચડી જાય પછી તેમાં મીઠું અને બધા મસાલા મિક્સ કરો. હવે મેંદો લો. તેમાં મીઠું, તેલ નાખી નરમ કણક તૈયાર કરો. કણકને રેસ્ટ આપો. હવે કણકમાંથી નાના લૂઆ બનાવો. તેને હળવા હાથે થેપો. તેમાં બનાવેલું પૂરણ ભરી ચારેબાજુથી વાળી કચોરી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. આ કચોરીને તેલમાં ગુલાબી તળો. આ મગદાળની કચોરી આમલીની ચટણી સાથે સર્વ કરો.
નૂડલ્સ મોમોઝ
સામગ્રી : 1 કપ મેંદો, 2 ચમચી તેલ, 3 ચમચી સમારેલાં ગાજર, 3 ચમચી સમારેલી ડુંગળી, 5 ચમચી સમારેલી કોબીજ, 2 ચમચી મેગી મસાલો, 1 પેકેટ નૂડલ્સ, 1 ચમચી વિનેગર, 1 ચમચી ચિલી સોસ, 2 કળી લસણ
રીત : એક તાસમાં મેંદો લો. તેમાં મોણ અને પાણી નાખીને નરમ કણક તૈયાર કરો. હવે એક તપેલીમાં પાણી ગરમ કરો. તેમાં તેલ અને મીઠું નાખી નૂડલ્સને બાફી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણને સાંતળો. હવે તેમાં ડુંગળી નાખી સાંતળો. હવે ગાજર અને કોબી નાખો. તેમાં મેગી મસાલો, વિનેગર અને ચિલી સોસ નાખી, તેમાં બાફેલા નૂડલ્સ નાખી સરખી રીતે મિક્સ કરો. હવે કણકમાંથી લૂઆ બનાવો. તેમાં નૂડલ્સનું પૂરણ ભરી બધાને મોમોઝનો આકાર આપો. એક તપેલીમાં પાણી ગરમ કરો. તેના પર કાણાંવાળા વાસણમાં બધા મોમોઝને વરાળે બાફો. આ મોમોઝને લસણ-ટામેટાંની તીખી ચટણી સાથે સર્વ કરો.
