ચીઝી પોટેટો કટલેસ

સામગ્રી : 4 નંગ બાફેલા બટાકા, 3 નંગ લીલાં મરચાં, કોથમીર, 1 ચમચી આમચૂર પાઉડર, 2 ક્યૂબ ચીઝ, 3 ચમચી મેંદો, 1 કપ બ્રેડનો ભૂકો, તેલ, મીઠું, રોજિંદા મસાલા

રીત : બાફેલા બટાકાની છાલ ઉતારી તેને છીણી લો. તેમાં લીલાં મરચાં ઝીણાં સમારીને નાખો. કોથમીર, આમચૂર પાઉડર, મરચું, હળદર, મીઠું નાખી તેમાં બ્રેડનો ભુક્કો નાખી નાના ગોળા બનાવો. પછી એક વાટકીમાં ચીઝ, મીઠું અને કોથમીરને મિક્સ કરો. ત્યારબાદ બટાકાના મિશ્રણમાંથી ગોળો બનાવી થેપી પૂરી જેવું કરી બનાવેલું મિશ્રણ ભરી ફરીથી બંધ કરો. હવે આ બોલને મેંદાના ખીરામાં પછી બ્રેડના ભુક્કામાં રગદોળી લો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરો. બધા બોલને તળો. આ ચીઝી પોટેટો કટલેસને સોસ સાથે સર્વ કરો.

સ્વીટ કોર્ન ટીકી

સામગ્રી : 1 વાટકી બાફેલા સ્વીટ કોર્ન, 2 નંગ બાફેલા બટાકા, 2 નંગ લીલાં મરચાં, 2 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 નંગ ગાજર, કોથમીર, તેલ, મીઠું

રીત : સૌ પ્રથમ સ્વીટ કોર્નને મીઠું નાખી બાફી લો. ગાજરને છીણી લો. બાફેલા સ્વીટ કોર્નને ચોપરમાં અધકચરા વાટી લો. પછી એક બાઉલમાં સ્વીટ કોર્ન, બાફેલા બટાકા, છીણેલું ગાજર, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, ઝીણી સમારેલી કોથમીર, ચિલી ફ્લેક્સ, કોર્નફ્લોર, મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેની નાની નાની ટીકી વાળી લો. એક પેનમાં તેલ મૂકી બધી ટીકીને બંને બાજુ સોનેરી શેકી લો. આ ટીકી ટોમેટો સોસ સાથે સર્વ કરો.

બ્રેડ ચિલ્લા

સામગ્રી : 6 નંગ બ્રેડ, 1 વાટકી ચણાનો લોટ, 3 ચમચી ચોખાનો લોટ, 2 નંગ લીલાં મરચાં, 1 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, મીઠું, હળદર, મરચું, ધાણાજીરું, કોથમીર, તેલ

રીત : સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ અને ચોખાનો લોટ લો. ડુંગળી, લીલાં મરચાં, ટામેટાને ચોપરમાં ચોપ કરો. તેને બાઉલમાં નાંખો. તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, કોથમીર નાખી, પાણી નાખી થિક બેટર તૈયાર કરો. પછી બ્રેડને આ બેટરમા નાખી બંને બાજુ કવર કરી, તવીમાં તેલ મૂકી બંને બાજુથી શેકી લો. આ બ્રેડ ચિલ્લાને ટોમેટો સોસ સાથે સર્વ કરો.

ફરાળી નાનખટાઈ

સામગ્રી : 1 કપ રાજગરાનો લોટ, અડધો કપ ઘી, અડધો કપ દળેલી ખાંડ, 1 ચમચી એલચી પાઉડર, 1 ચમચી બેકિંગ પાઉડર, ચપટી બેકિંગ સોડા, 3 ચમચી કોપરાનું છીણ, કાજુ 10 નંગ, બદામ, પિસ્તાંની કતરણ, જરૂર પૂરતું દૂધ

રીત : સૌ પ્રથમ એક કડાઈમાં ઘી મૂકી કાજુને ગુલાબી સાંતળી લો. હવે એક બાઉલમાં ઘી લો. તેમાં દળેલી ખાંડ નાખી દસ મિનિટ હલાવો. પછી તેમાં રાજગરાનો લોટ, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર બદામ પિસ્તાંની કતરણ અને જરૂર પૂરતું દૂધ નાખી નરમ કણક બાંધો. તેમાંથી નાના ગોળા વાળી ઉપરથી સહેજ દબાવી નાનખટાઈનો શેપ આપો. ત્યારબાદ સાંતળેલા કાજુને ઉપર દબાવી સહેજ પ્રેસ કરો. હવે ઓવનમાં 180 ડિગ્રી તાપમાન પર નાનખટાઈને બેક કરો.