મેંગો કોકોનટ લાડુ
સામગ્રી : 1 કપ કેરીનો રસ, અડધી વાટકી કોપરાનું ખમણ, ખાંડ જરૂર પૂરતી, અડધી વાટકી મિલ્ક પાઉડર, મિક્સ ડ્રાયફ્રૂટ કાપેલાં, 1 ચમચી ઘી
રીત : સૌ પ્રથમ એક કડાઈમાં કેરીનો રસ લો. તેમાં મિલ્ક પાઉડર નાખી હલાવો, સતત હલાવતા રહો. મિશ્રણ ઘટ્ટ થાય પછી તેમાં કોપરાનું ખમણ અને ખાંડ ઉમેરો. કાપેલાં ડ્રાયફ્રૂટ નાખી હલાવો. છેલ્લે એક ચમચી ઘી નાખીને એકરસ કરો. હવે આ મિશ્રણને ઠંડું થવા દો. હવે તેમાંથી નાના નાના લાડુ વાળી, તેને કોપરાના છીણમાં રગદોળી લો. તો તૈયાર છે સૌને ભાવતા મેંગો કોકોનટ લાડુ.
વેજિટેબલ હાંડવો
સામગ્રી : 1 વાટકી ચોખા, 1 વાટકી ચણાની, અડદની, મગની મિક્સ દાળ, આદું-મરચાંની પેસ્ટ, કોથમીર, મીઠું, રૂટિન મસાલા, ખમણેલી દૂધી અડધી વાટકી, ખમણેલો બટાકો એક નંગ, વટાણા, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી, અડધી ચમચી સોડા, વઘાર માટે તલ, લીમડો, લાલ મરચાં
રીત : સૌ પ્રથમ ચોખા અને બધી દાળને સાત કલાક પલાળી રાખો. હવે તેનું પાણી નિતારી મિક્સીમાં અધકચરું પીસી લો. હવે તેને પાંચ કલાક આથો આવવા દો. હવે આ મિશ્રણમાં ખમણેલી દૂધી, બટાકો અને ઝીણી સમારેલી ડુંગળી, વટાણા, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, કોથમીર અને બધા મસાલા મિક્સ કરી એકરસ કરો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, લીમડો, તલ, લાલ મરચાં નાખી ખીરું રેડો. હવે ઢાંકીને ધીમાં ગેસ પર સાતથી આઠ મિનિટ રાખો. હવે હાંડવાને પલટાવો. બીજી બાજુ પણ પાંચ મિનિટ રાખો. તો તૈયાર છે વેજિટેબલ હાંડવો. આ હાંડવાને લસણની ચટણી સાથે સર્વ કરો.
દાબેલી બોલ્સ
સામગ્રી : 6 નંગ બ્રેડ, 4 નંગ મોટા બાફેલા બટાકા, 2 ચમચા દાબેલી મસાલો, બ્રેડનો ભુક્કો, ઝીણી સમારેલી કોથમીર, તળવા માટે તેલ
રીત : સૌ પ્રથમ બાફેલા બટાકાને મેશ કરી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેમાં દાબેલી મસાલો નાખી હલાવો. હવે બાફેલા બટાકા નાખી સરખી રીતે મિક્સ કરો. જરૂર મુજબ મીઠું નાખી હલાવો. ઉપર ઝીણી સમારેલી કોથમીર નાખી દો. હવે બ્રેડની આજુબાજુની કિનારી કાપી નાખી, બ્રેડને પાણીમાં પલાળી નિતારી લો. હવે બનાવેલા બટાકાના મિશ્રણમાંથી બોલ્સ વાળી બ્રેડમાં મૂકી આજુબાજુથી વાળી બોલ્સ બનાવો. હવે તેને બ્રેડના ભુક્કામાં રગદોળી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો. બધા દાબેલી બોલ્સને સોનેરી તળી લો. તેને સોસ સાથે સર્વ કરો.
દહીં ફૂલકી
સામગ્રી : 1 વાટકી અડદની દાળ, 2 વાટકી દહીં, 2 ચમચી જીરું પાઉડર, લાલ મરચું પાઉડર, કોથમીર-મરચાંની ચટણી, આમલીની ચટણી, કોથમીર, દાડમના દાણા, તળવા માટે તેલ
રીત : સૌ પ્રથમ અડદની દાળને પાંચથી છ કલાક પલાળી રાખો. પછી મિક્સરમાં ક્રશ કરી લો. હવે તેમાં એક ચમચી તેલ, મીઠું અને ચપટી સોડા નાખી દસ મિનિટ ફીણી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં ખીરામાંથી નાની ફૂલકી કરી તળી લો. હવે દહીંમાં થોડી ખાંડ નાખી એકરસ કરી લો. એક પ્લેટમાં ફૂલકી ગોઠવો પછી તેના પર દહીં, કોથમીર-મરચાંની ચટણી, આમલીની ચટણી, જીરું પાઉડર, લાલ મરચું અને કોથમીર તેમજ દાડમના દાણા નાખી સર્વ કરો.










