માનવશરીર એક અજાયબ છે. એવી બારીક રચના છે, જેમાં અનેક રહસ્યો અને આશ્ચર્ય છુપાયેલાં છે. નાનાં નાનાં અનેક અંગ, અવયવો રહેલાં છે. ઉત્ક્રાંતિ દરમિયાન માનવીનો વિકાસ થયો છે. એ વિકાસ સાથે કેટલાંય અંગ એવાં છે, જેનો ઉપયોગ માનવી કરતો બંધ થયો છે, છતાં હજુ એ અંગ શરીરમાં એક અવશેષરૂપે સચવાયેલાં જોવા મળે છે. એવી જ એક માંસપેશી હજુ માનવીમાં જોવા મળે છે, પણ તેનો ઉપયોગ 25 લાખ વર્ષથી માનવી કરતો નથી!
આજે ધરતી પર જે જૈવ વૈવિધ્ય જોવા મળે છે, એમાં કેટલાય જીવો ઉત્ક્રાંતિથી વિકાસ પામ્યા છે. માનવીની જ વાત કરીએ તો માનવી વાનરમાંથી વિકાસ પામ્યો છે. એ વિકાસ દરમિયાન માનવીએ વાનરમાં જોવા મળતાં કેટલાંય અંગ, અવયવોનો ઉપયોગ બંધ કર્યો એમ કહી શકાય. આપણા પૂર્વજો ચાર પગે ચાલતા હતા, પરંતુ માનવી ધીરે ધીરે ટટ્ટાર થયો અને તેથી આગલા બે પગ હાથ તરીકે વિકાસ પામ્યા અને માનવી ફક્ત બે જ પગે ચાલતો થયો. એ જ રીતે અનેક અંગો અલગ રીતે ઉપયોગમાં લેવાયાં કે કેટલાંય અંગોનો ઉપયોગ કરવાનું માનવીએ બંધ કરી દીધું છે. મતલબ કે એક પ્રાણી તરીકે જે અંગો ઉપયોગમાં લેવાતાં હતાં, એ અંગો સમયાંતરે ઉપયોગમાં નહીં લેવાતાં અદૃશ્ય થઈ ગયાં કે તેના અવશેષ માત્ર જ રહ્યા છે. આજે પણ વાનર જ નહીં બીજાં કેટલાંય પ્રાણીઓ પોતાના કાન હલાવી શકે છે. એમ તો પ્રકૃતિથી આપણે દૂર પહોંચી ગયા છીએ, તેથી બીજાં પ્રાણીઓ તો આપણે ભાગ્યે જ જોઈએ છીએ, પણ શ્વાન તો આજે પણ આપણો મિત્ર છે. શ્વાન પોતાના કાન કેવી સજાગતાથી અવાજ આવે એ દિશામાં ફેરવતા જોવા મળે છે. એ રીતે જોઈએ તો માનવી પણ એક સમયે તો પ્રાણી જ હતો, ત્યારે આપણે કેમ આજે કાન હલાવી શકતા નથી?
જર્મનીની ઝારલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે માનવીના પૂર્વજો પોતાના કાન હલાવી શકતા હતા, પરંતુ 25 લાખ વર્ષ પહેલાં માનવી કાન હલાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. એમ કેમ થયું, એ કારણ શોધવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. વિજ્ઞાનીઓ માને છે કે માનવી ભલે લાખો વર્ષ પહેલાં કાન હલાવવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હોય, છતાં આજે પણ વાતને ધ્યાનથી સાંભળવા માટે આપણે કાન સતેજ કરવાનો પ્રયાસ કરતા રહીએ છીએ. મોટા ભાગનાં પ્રાણીઓ આજે પણ અવાજ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કાનને સરવા કરી લે છે. ખાસ કરીને અવાજ કઈ દિશામાંથી આવ્યો એ પ્રાણીઓ કાનને એ દિશા ભણી ફેરવીને સમજી લેતાં હોય છે, પરંતુ માનવી એમ કરી શકતો નથી!
જોકે, આશ્ચર્યજનક વાત એ છે કે આજે પણ લગભગ 10 થી 20 ટકા લોકોમાં કાનને હલાવવાની ક્ષમતા સચવાયેલી છે! કાનને હલાવવા માટે ત્રણ માંસપેશીઓની જરૂર પડે છે. આ માંસપેશીઓ કાનને ખોપરી અને ચામડી સાથે જોડે છે. જ્યારે માણસ કોઈ અવાજ ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ ત્રણે માંસપેશીઓ સક્રિય થઈ જાય છે. સંશોધકોએ માનવીની અવાજ ધ્યાનથી સાંભળવાની ક્ષમતા જાણવા માટે ઈલેક્ટ્રોમાયોગ્રાફી નામની ટેક્નિકનો પ્રયોગ કર્યો હતો. એ ટેક્નિક માંસપેશીઓમાં થતી ગતિવિધિ નોંધે છે. સંશોધકોની ટીમે માંસપેશીઓની સક્રિયતા સમજવા માટે 20 લોકોના ઓડિયોબુક અને ધ્યાન વિક્રેન્દ્રિત કરવા માટે કેટલાક પોડકાસ્ટ સંભળાવ્યા હતા. આ તમામ લોકો ઉપર પાંચ મિનિટમાં બાર વખત પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. આ અભ્યાસમાં મળેલા ડેટાની સરખામણી કરતાં સંશોધકોને જણાયું કે જ્યારે ખલેલ પહોંચાડતો અવાજ સંભાળાવવામાં આવ્યો હતો, ત્યારે અવાજ સાંભળવા માટે માંસપેશીઓ વધુ સક્રિય થતી જોવા મળી હતી. જોકે, ફક્ત 20 લોકો ઉપરના પરીક્ષણથી એક વાત તો નિશ્ચિત છે કે માનવીમાં કાનને હલાવવા માટે જરૂરી માંસપેશીઓ તો છે, પણ તેનો ઉપયોગ કરી શકતો નથી! હજુ વધુ લોકો ઉપર પરીક્ષણ કરીને સંશોધકો આ માંસપેશી અને તેનાથી કાન હલાવવાની આદત અંગે વધુ પ્રકાશ પાડશે. જોકે, એમા કેટલો સમય જશે અને આ સંશોધન ક્યારે બહાર પડશે એ હજી નક્કી નથી.