- કેદારનાથ મંદિરના કપાટ છ મહિના માટે ખોલવામાં આવે છે અને છ મહિના સુધી બંધ રહે છે
કેદારનાથનો સમાવેશ 12 જ્યોતિર્લિંગમાં અને ચાર ધામમાં થાય છે. કેદારનાથ ભારતમાં ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. કેદારનાથ મંદિરનું નિર્માણ દ્વાપર યુગમાં થયું હોવાનું મનાય છે. કેદારનાથની જો સૌથી મોટી કોઈ વિશેષતા હોય તો એ રહસ્ય શિવલિંગ છે. આ શિવલિંગ ત્રિકોણ આકારનો એક મોટો પથ્થર છે અને એવું કહેવાય છે કે, આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું.
આ શિવલિંગના નિર્માણની પાછળ પાંડવો અને ભગવાન શિવ સાથે જોડાયેલી કથા પ્રચલિત છે. મહાભારતના યુદ્ધમાં વિજયી થયા બાદ પાંડવો ભાઈઓની હત્યાના પાપમાંથી મુક્તિ મેળવવા અને ભગવાન શંકરના આશીર્વાદ લેવા ઇચ્છતા હતા. ભગવાન શંકર પાંડવોથી નારાજ હતા એટલે અંતર્ધ્યાન થઈને કેદારમાં જતાં રહ્યાં હતા. પાંડવો તેમને શોધતાં શોધતાં કેદાર પહોંચ્યા. ભગવાન શંકર ભેંસનું રૂપ ધારણ કરીને અન્ય પશુઓ સાથે ભળી ગયા હતા. ભીમે વિશાળ રૂપ ધારણ કરીને બે પહાડો પર પગ ફેલાવી દીધા. બીજાં પશુઓ પગ નીચેથી નીકળી ગયાં, પણ શંકર રૂપી ભેંસ ભીમના પગ નીચેથી જવાને બદલે અંતર્ધ્યાન થવા લાગ્યા. એ જ સમયે ભીમે બળદની ત્રિકોણાત્મક પીઠનો ભાગ પકડી લીધો. ભગવાન શંકર પાંડવોની ભક્તિને જોઈને પ્રસન્ન થઈ ગયા. ત્યારથી શંકર ભગવાનની ભેંસની પીઠની આકૃતિ પિંડના રૂપમાં કેદારનાથમાં પૂજાય છે.
એવું પણ કહેવાય છે કે નર અને નારાયણ (ભગવાન વિષ્ણુ) આ જગ્યા પર ભગવાન શિવની તપસ્યા કરી રહ્યાં હતા. એમની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવે દર્શન આપ્યાં. એ પછી શિવે પોતાના એક રૂપને હંમેશાં આ જગ્યા પર જ્યોતિર્લિંગના રૂપમાં નિવાસ કરવાના આશીર્વાદ આપ્યા તેથી કેદારનાથનું સ્થાન જ્યોતિર્લિંગમાં સંમિલિત થઈ ગયું.
કેદારનાથ મંદિરનું નિર્માણ મોટા મોટા પથ્થરો, શિલાલેખો દ્વારા કરવામાં આવ્યું છે. આ શિલાલેખોને પરસ્પર જોડવા માટે સિમેન્ટને બદલે ઇન્ટરલૉકિંગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બરફોના પર્વતોની વચ્ચે આવેલું કેદારનાથ મંદિર મુખ્ય પાંચ નદીઓનો સંગમ છે. આ નદી મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સુવર્ણગૌરી છે. એવી માન્યતા છે કે બ્રાહ્મણ ગુરુ શંકરાચાર્યના સમયથી જ સ્વતઃ ઉત્પન્ન થયેલા આ શિવલિંગની આરાધના કરે છે. એવું કહેવાય છે કે કેદારનાથ મંદિરની પાછળ શંકરાચાર્યની સમાધિ છે. તેમણે કેદારનાથ ધામમાં જ મહાસમાધિ લીધી હતી.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીના રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવે છે કે કેદારનાથ મંદિર 400 વર્ષ સુધી બરફથી ઢંકાયેલું રહ્યું હતું. રિપોર્ટ અનુસાર 13મી શતાબ્દીથી લઇને 17મી શતાબ્દી વચ્ચે હિમયુગની શરૂઆત થઇ હતી, એ સમયે આખું કેદારનાથ ધામ બરફયુક્ત હતું. 2013માં આવેલા ભયાનક ભૂસ્ખલનથી પણ કેદારનાથને કોઇ નુકસાન થયું નહોતું. એ દરમિયાન મંદિરની બરાબર પાછળની બાજુ મોટી શિલા આવીને પડી હતી, એ શિલાના કારણે પૂરનું પાણી ડિવાઇડ થઇ ગયું હતું અને મંદિર હેમખેમ રહ્યું હતું. એ શિલા આજે પણ ત્યાં યથાવત્ છે અને તેને ભીમશિલા કહેવામાં આવે છે.
કેદારનાથ મંદિરના કપાટ છ મહિના માટે ખોલવામાં આવે છે અને છ મહિના સુધી બંધ રહે છે. કેદારનાથ મંદિરમાં પ્રગટાવવામાં આવતી અખંડ જ્યોત રહસ્યમય છે. જ્યારે મંદિરના પૂજારીઓ દ્વારા દિવાળીમાં મંદિરનાં દ્વાર બંધ કરી દેવામાં આવે છે. એ પહેલાં મંદિરની અંદર એક દીપક પ્રગટાવવામાં આવે છે. છ મહિના પછી જ્યારે મંદિરનાં દ્વાર ફરીથી ખોલવામાં આવે છે ત્યારે દીપક એ જ રીતે પ્રગટતો જોવા મળે છે. 2013માં ભયાનક પૂર આવ્યાં બાદ જ્યારે મંદિરનાં દ્વાર ખોલવામાં આવ્યાં ત્યારે પણ જ્યોત પ્રગટી રહી હતી.