જ્યોતિષશાસ્ત્રમાં યોગ શબ્દ ત્રણ રીતે જુદા-જુદા અર્થમાં વપરાય છે. યોગ એટલે મળવું અથવા મેળવવું. જન્મકુંડળીમાં એકથી બાર સ્થાન(ભાવ) નક્કી થયેલા હોય છે. તેમાં વિવિધ રાશિઓમાં જે તે ગ્રહો ભ્રમણ કરતા હોય છે. જન્મકુંડળીમાં જો ચંદ્રથી 1-4-7-10મા સ્થાને ગુરુ હોય તો ગજકેસરી યોગ બને છે. ચંદ્ર એટલે માનવીનાં મન, લાગણી, ભાવ સ્વભાવ (ગમા-અણગમા) જેવી બાબતોનું સૂચન કરે છે. જ્યારે ગુરુ મહારાજ વિદ્યા, સમજણ, જ્ઞાન, કોઠાસૂઝ, સંતાન વગેરે બાબતો ઉપર પ્રભાવ ધરાવે છે.


(1) જન્મકુંડળીમાં ચંદ્ર ગુરુ સાથે હોય (એક જ સ્થાનમાં હોય) તો ચંદ્રગુરુની યુતિ ગણાય છે. તેમાં પણ ગુરુ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં હોય ત્યારે ચંદ્ર પણ કર્ક રાશિનો હોઈ સ્વગૃહી બને છે. આવા લોકો નામાંકિત, જ્ઞાની, સાચા સલાહકાર, સમાજના હિતેચ્છુ અને વિશાળ દિલના હોય છે. સાધારણ રીતે ચંદ્ર ગુરુની યુતિ દર મહિને થાય છે. ગુરુ એક રાશિમાં બારથી તેર માસ રહે છે. ચંદ્ર એક રાશિમાં સવા બે દિવસ રહે છે. દર બાર વર્ષે એક વર્ષ સુધી ગુરુ મહારાજ કર્ક રાશિમાં રહે છે. આવા સમયે ચંદ્ર ગુરુની યુતિથી બનતો ગજકેસરી યોગ વ્યક્તિના જીવનમાં ચાર ચાંદ લગાવી દે છે અર્થાત્ વિશેષ સફળતા અપાવે છે.

(2) જો ચંદ્રથી ગુરુ ચોથા સ્થાનમાં હોય તો ગજકેસરી યોગ બને છે. ખગોળશાસ્ત્રની દૃષ્ટિએ આવા સમયે ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ (સ્ક્વેર) હોય છે. આવા લોકો સિદ્ધાંતપ્રિય, કુટુંબવત્સલ અને સંતોષવૃત્તિવાળા હોય છે. પરિવારની એકતા ટકાવી રાખવા માટે પોતાને મળતો મોટો લાભ કે પ્રમોશન જેવી તક જતી કરતા હોય છે. મોટી કંપનીઓમાં વર્ષોથી સ્થિતપ્રજ્ઞ જેવા કર્મચારી, અધિકારીઓ, ગંજબજારની પેઢીઓમાં વિશ્વાસુ ગુમાસ્તા, મુનીમ, મહેતાજી વગેરેની કુંડળીમાં આ પ્રકારનો ગજકેસરી યોગ જોવા મળે છે.

(3) જન્મકુંડળીમાં ચંદ્રથી સાતમા સ્થાને ગુરુ હોય ત્યારે પણ ગજકેસરી યોગ બને છે. ખગોળની ભાષામાં ચંદ્ર ગુરુની પ્રતિયુતિ (ઓપોઝિશન) ગણાય છે. આવા લોકો નોકરી કે વ્યવસાયમાં સાથી કર્મચારી તથા ઉપરી અધિકારીને વધુ વફાદાર રહે છે. કામ પ્રત્યે સારો રસ દાખવે છે. રચનાત્મક અભિગમ ધરાવે છે. આજીવિકા ક્ષેત્રને માનથી જુએ છે. શોર્ટકટ અપનાવીને વધુ પામવાની વૃત્તિ ધરાવતા નથી. પોતાના પરિવારની પ્રગતિ માટે સાચા રસ્તે જાગૃતિ દાખવે છે.

(4) જો ચંદ્રથી ગુરુ ગ્રહ દસમા સ્થાને રહ્યો હોય તો પણ ગજકેસરી યોગ બને છે. ખગોળની પરિભાષામાં ચંદ્ર ગુરુનો કેન્દ્રયોગ (સ્ક્વેર) કહેવાય છે. આ યોગમાં જન્મેલા લોકો શુભચિંતક, હકારાત્મક વિચારસરણી (પોઝિટિવ), ધઅને પોતાની સમૃદ્ધિમાં બીજા લોકોને સહભાગી બનાવે છે. સંચિતો અને વંચિતોની વચ્ચે સેતુ બનીને સમાજસેવાની પ્રવૃત્તિઓમાં વિશેષ સક્રિય રહેવાનું વધુ પસંદ કરે છે.

ચંદ્રની ઝડપી ગતિને કારણે એક ચાંદ્રમાસ દરમિયાન જન્મકુંડળીનાં બાર સ્થાનમાંથી ચાર સ્થાનમાં એટલે કે અઠ્ઠાવીસ દિવસોમાંથી એકંદરે જુદા જુદા નવ દિવસો દરમિયાન ગજકેસરી યોગનું નિર્માણ થાય છે. આમ છતાં દર વખતે તેનું બળ એકસરખું હોતું નથી.

હાલમાં તા. 22-04-2023 સુધી ગુરુ મીન રાશિમાં ભ્રમણ કરે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્ર જ્યારે જ્યારે મિથુન, કન્યા, ધનુ અને મીન રાશિમાં આવે ત્યારે ગજકેસરી યોગ રચાય છે. તે સમયે જન્મનાર વ્યક્તિની કુંડળીમાં ગજકેસરી યોગ બને છે. ગોચર ફળાદેશમાં પણ આ રાશિનું ચંદ્રભ્રમણ ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવામાં આવે તો અનુકૂળતામાં વધારો થાય છે. નવીન આયોજન માટે આ દિવસોની પસંદગી કરવાથી સારી સફળતા મળી શકે છે.

ગજકેસરી યોગ વધુ બળવાન ક્યારે બને?

(1) ગજકેસરી યોગ જો પૂનમના દિવસે થતો હોય તો તેનું બળ જરૂર વધી જાય છે.

(2) સુદ આઠમથી વદ પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ વધુ સમર્થ બને છે.

(3) ગુરુ કર્ક, ધનુ કે મીન રાશિમાં હોય તો પણ બળવાન ગણાય છે.

(4) ચંદ્ર વૃષભ કે કર્ક રાશિમાં હોય ત્યારે ગજકેસરી યોગ વધુ બળ પામે છે.

ગજકેસરી યોગ ઓછો બળવાન ક્યારે બને?

(1) આ યોગ જો વદ ચૌદસ કે અમાસે દિવસે થતો હોય તો તેનું બળ ઘટે છે. (2) વદ આઠમથી સુદ પાંચમ તિથિ દરમિયાન પણ આ યોગ ઓછો સમર્થ બને છે. (3) ગુરુ મકર (નીચ) રાશિમાં અથવા અસ્ત (લોપ) હોય તો પણ બળ ઘટે છે. (4) ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (વિંછુડો) હોય ત્યારે આ બળની માત્રા ઘટે છે. આજે પણ અમુક વેપારી લોકો પોતાને ત્યાં પેઢીમાં માણસોની ભરતી વખતે ગજકેસરી યોગ ધરાવતા જાતકની પસંદગી ઉપર વધુ ભાર મૂકે છે.


  • Follow us on: