- બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી શ્રી હરિ વામનના પગ ધોયા. ભગવાન શ્રી હરિનાં ચરણને સ્પર્શ કરી તે જળ પવિત્ર બન્યું તેજ મા ગંગાજી
ગંગા દશેરા મનુષ્યના જીવનમાંથી પાપોનો નાશ કરવા માટેનું શ્રેષ્ઠ પર્વ છે. ભારત માતાના હૃદયમાંથી નીકળી સર્વ પાપોનો નાશ કરનાર માતા ગંગાજીની ઉત્પત્તિ એટલે ગંગા દશેરા. હિંદુ પંચાંગ અનુસાર જેઠ માસની સુદ પક્ષની દશમી તિથિએ આ પર્વ ગંગા દશેરા મનાવવામાં આવે છે. દશેરાનો અર્થ થાય છે કે જે માતાના પૂજનથી, ધ્યાનથી, અર્ચનથી દશ પ્રકારનાં પાપોનો નાશ થાય છે. આમ, ગંગા દશેરાએ ગંગાજીમાં સ્નાન કરવાથી આ દશ પ્રકારનાં પાપમાં રાહત મળે છે. માતા ગંગાજીનું પ્રાગટ્ય જ્યેષ્ઠ શુક્લ દશમ (ઘણાં પુરાણોમાં સપ્તમી) એટલે કે ગંગા સપ્તમી પણ કહે છે. તે દિવસે હસ્ત નક્ષત્રના બુધવારે થયેલું છે ગંગા દશેરાના દિવસે ગંગાજીનું સ્નાન, દાન તેમજ તર્પણનું મહત્ત્વ ધરાવે છે.
આ ગંગા અવતરણની પાછળ પૌરાણિક કથા શ્રીમદ્ ભાગવતમાં વર્ણવેલી છે. બલિ રાજાના યજ્ઞમાં ભગવાન વામન વાચક બનીને આવ્યા હતા. વામને ત્રણ પગલાં પૃથ્વી દાનમાં માંગી. બલિ રાજાએ સંકલ્પથી આપી. પહેલા પગલામાં બલિનું પૃથ્વીનું રાજ્ય, બીજા પગલામાં સ્વર્ગનું રાજ્ય અને ત્રીજા પગલામાં બલિના મસ્તક પર પધરાવી તેને પાતાળલોક સુધી લઇ ગયા. ત્યાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી શ્રી હરિ વામનના પગ ધોયા. ભગવાન શ્રી હરિનાં ચરણને સ્પર્શ કરી તે જળ પવિત્ર બન્યું તે જ મા ગંગાજી. તે ગંગા વિષ્ણુ પદી કહેવાયા.
અને પછી બીજી કથા અનુસાર સૂર્યવંશી રાજા બાહુનો પુત્ર અગર થયો. અગરને સાઠ હજાર પુત્રો હતા. સૂર્યવંશી રાજા અગરે ચક્રવર્તી રાજા થવાના સંકલ્પથી અશ્વમેધ યજ્ઞો કર્યાં. અશ્વ પૃથ્વીનું પરિભ્રમણ કરે તે માટે છોડવામાં આવ્યો. ઇન્દ્રએ તે અશ્વને કપિલ મુનિના આશ્રમમાં મૂકી દીધો. યજ્ઞનો ઘોડો અગરપુત્રોને કપિલના આશ્રમમાં મળ્યો. તેથી અગરપુત્રોએ કપિલના આશ્રમનો વિધ્વંશ કર્યો. કપિલ મુનિ સમાધિમાં હતા. જાગ્રત થયા અને કપિલ મુનિના ક્રોધથી અગરના સાઠ હજાર પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. ત્યારબાદ અગરનો પુત્ર અસમંજસ મહર્ષિ કપિલના શરણમાં આવ્યો. પોતાના પિતૃઓના મોક્ષ માટે સ્વર્ગમાંથી ગંગાજી અહીં આવે તો મોક્ષ મળે એવો ઉપાય મહર્ષિ કપિલ પાસેથી અગરપુત્રએ જાણ્યો. ત્યારબાદ અસમંજસ, અંશુમાન, દિલીપ આવા રઘુવંશી રાજાઓએ ઘોર તપ કર્યું, પરંતુ ગંગાજી પ્રસન્ન થયાં નહીં.
રાજા દિલીપના પુત્ર ભગીરથે ગોકર્ણ તીર્થમાં જઈને તપ કર્યું. મા ગંગા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાને પૃથ્વી પર ધારણ કોણ કરી શકે તે પ્રશ્ન થયો. ભગીરથ શિવજીની શરણમાં ગયા. ભગવાન શિવે પોતાની જટામાં ગંગાજીને ધારણ કર્યાં અને ફક્ત શિવ જટામાંથી એક જ વાળ પ્રભુએ તોડ્યો એમાંથી આ ગંગા અવતરણ થઇ. ભગીરથ મા ગંગાને લઇને કપિલાશ્રમ જાય ત્યાં મધ્યમાં જાહનુ ઋષિનું તપ ભંગ થયું તે મુનિ ગંગાને પી ગયા. ભગીરથની પ્રાર્થનાથી જાહનુ ઋષિએ ગંગાને મુક્ત કરી તેથી તેનું નામ જાહ્નવી પડ્યું. આમ, ગંગા કપિલાશ્રમ પહોંચી રાજા અગરના પુત્રોને મુક્તિ પ્રદાન કરી તેથી તે ક્ષેત્ર `ગંગા સાગર'ના નામે પ્રસિદ્ધ થયું. આ ગંગા દશેરાના દિવસે ગંગાસ્નાન કરવું મહાપુણ્યદાયક ગણાય છે. ગંગાજીમાં ડૂબકી લગાવ્યા પછી રૂમાલ કે ટુવાલથી લૂછવું ન જોઇએ એવી માન્યતા છે. માતા ગંગાજીની સાત ધારાઓ છે - નલની, હદની, પાવની, સીતા, ચક્ષુસ, સીંધુ અને ભાગીરથી. માતા ગંગા મોક્ષદાયિની ગંગા છે. જે વ્યક્તિ ગંગા દશેરાના પાવન પર્વ પર આ વાર્તા સાંભળે છે તેના પર મા ગંગાની અખૂટ કૃપા વરસે છે.
પૂજનવિધિ
સર્વપ્રથમ એક બાજોઠ પર લાલ કપડું પાથરવું. તેના મુખ્ય સ્થાને ભગવાન શિવજીનો ફોટો અથવા મૂર્તિ મૂકવાં. ઘરના દેવાલયમાં ગંગા દશેરાએ બધી જ મૂર્તિ તેમજ છબી પર ગંગાજળ છાંટવું. ત્યારબાદ એક ત્રાંબાનું શુદ્ધ પાત્ર લેવું. જે પાત્ર મોટું તેમજ પહોળું હોય. તે પાત્રની અંદર ગંગાજળ રેડવું. જો પૂરતું ગંગાજળ ન હોય તો પહેલાં ગંગાજળ થોડું રેડી ત્યારબાદ શુદ્ધ જળ પણ રેડી શકાય છે. ત્યારબાદ દશ દીપદાન કરવું. દશ દીવા કરવા. પાત્રની આજુબાજુ નવ દીપ મૂકવા તેમજ તે મુખ્ય પાત્રની મધ્યમાં એક દીવો મૂકવો. તે પાત્રમાં થોડું ચંદન, કંકુ, ચોખા, જવ, સફેદ તલ, કાળા તલ પ્રસ્થાપિત કરવા. આ વિધિ સમયે `હર હર ગંગે'નું ઉચ્ચારણ કરવું. ત્યારબાદ ગંગામૈયાને યથાશક્તિ શૃંગાર અર્પણ કરવો. પછી ધૂપ, અગરબત્તી કરવાં. નિવેધમાં દશ ફળ, મિઠાઈ તથા પતાસાંનો ભોગ ધરાવવો. જે મનુષ્યએ ગંગા દશેરાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તેણે વ્રતની વાર્તા વાંચવી તેમજ શિવચાલીસા અને ગંગાલહેરીનો પાઠ કરવો. ત્યારબાદ નીચેના મંત્રની ઓછામાં ઓછી 7 માળા કરવી.
॥ ૐ નમો ગંગાયૈ વિશ્વરુવિણ્યૈ નારાયણૈય નમો નમ: ॥
ત્યારબાદ શ્રદ્ધાભક્તિ સહિત સગાંસંબંધી તેમજ મિત્રો સહિત માતા ગંગાજીની આરતી કરવી. આમ, માતા ગંગાનું વિધિવત્ પૂજન કરવાથી મનુષ્યના કાયિક, વાચિક તેમજ માનસિક ત્રિતાયોનું શમન થાય છે તેમજ માતા ગંગાજી કૃપાથી મુક્તિનું વરદાન મળે છે.