અમેરિકાના જેઓ એક સમયે એક નંબરના પ્રેસિડન્ટ હતા એમણે એમના નામથી એટલે કે જ્યોર્જ ડબલ્યુ બુશ આ નામથી એક ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. આ જ્યોર્જ ડબલ્યુ બુશ ઈન્સ્ટિટ્યૂટે અમેરિકાની સરકારને વર્ષ 2025 માટે જે પોલિસી ઘડવી જોઈએ એમાં ઈમિગ્રેશનની પોલિસી વિશે શું દાખલ કરવું જોઈએ, શેનો ખ્યાલ કરવો જોઈએ એની ભલામણ કરી છે. હાલમાં અમેરિકાની જે ઈમિગ્રેશનની સિસ્ટમ છે એમાં મહત્ત્વના સુધારાઓ આ ઈન્સ્ટિટ્યૂટે સૂચવ્યા છે. અમેરિકાને વધુમાં વધુ ફાયદારૂપ થાય એવા ચાર સુઝાવ આ ઈન્સ્ટિટ્યૂટે આપ્યા છે.

જ્યોર્જ ડબલ્યુ બુશ ઈન્સ્ટિટ્યૂટે એવા સુઝાવ કર્યા છે કે અમેરિકાની કોંગ્રેસે લીગલી ઈમિગ્રેશનમાં અમેરિકાની વધતી જતી ઈકોનોમીને ધ્યાનમાં રાખીને, એને જેટલા કાર્યકરોની જરૂર છે એ જાણી લઈને, લીગલ ઈમિગ્રેશનમાં સુધારાઓ

કરવા જોઈએ.

હાલમાં ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરીઓ હેઠળ એક વર્ષમાં 1,40,000 ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે. આ વાર્ષિક કોટાની સંખ્યા વિશ્વના બધા જ દેશો વચ્ચે સરખા ભાગે વહેંચી દેવામાં આવે છે. એટલે ભારતના ભાગે આમાંના 7 ટકા જ આવે છે. જે સંખ્યા જરૂરિયાત કરતાં ખૂબ જ ઓછી છે. વિશ્વના અનેક દેશો એવા છે જ્યાંથી બહુ જ થોડા અને નહીંવત્ જેટલા રહેવાસીઓ આ એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ અમેરિકામાં કામ કરવા જાય છે. જ્યોર્જ ડબલ્યુ બુશ ઈન્સ્ટિટ્યૂટે એવો સુઝાવ કર્યો છે કે અમેરિકાએ દરેક દેશ માટે જેટલા ઈમિગ્રન્ટ વિઝા ફાળવ્યા છે એની સંખ્યામાં વધારો કરવો અથવા તો જે કુલ 1,40,000 જેટલા ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવે છે એમાંથી દરેક દેશને 7 ટકા જ આપવામાં આવે છે એ પ્રત્યેક દેશના કોટાની સંખ્યા રદ કરવી અને જેમ જેમ ઈમિગ્રન્ટ વિઝા માટે પિટિશનો દાખલ થાય તેમ તેમ એ પિટિશન કોઈ પણ દેશની વ્યક્તિનું હોય એની હેઠળ ઈમિગ્રન્ટ વિઝા આપવા.

આ ઈન્સ્ટિટ્યૂટે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે અમેરિકાની સરકારે રેફ્યુજી રી સેટલમેન્ટ પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. એ રદ કરવું ન જોઈએ યા એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો આણવા ન જોઈએ. આટલું જ નહીં પણ એવું પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકાની સરકારે રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ જે ગ્રીનકાર્ડ આપવામાં આવે છે એ પ્રોગ્રામનો ફલક વિસ્તારવો જોઈએ. અમેરિકાની સરકારે એ પ્રોગ્રામ માટે વધુ ફંડ ફાળવવું જોઈએ અને જે લોકો ખરેખર રેફ્યુજી સ્ટેટસ મેળવવાને લાયક હોય એમને અમેરિકાએ મદદ કરવી જોઈએ.

આ ઈન્સ્ટિટ્યૂટ વધુમાં જણાવે છે કે ઈમિગ્રેશન અમેરિકા માટે લાભદાયક છે. આથી કાયદેસરના ઈમિગ્રન્ટોની સંખ્યા વધારવી એ અમેરિકાની ઈકોનોમી માટે અને ભવિષ્યના નાગરિકો માટે જરૂરી છે. અમેરિકામાં જન્મનું પ્રમાણ દિવસે દિવસે ઘટતું જાય છે. અમેરિકાની ઈકોનોમીને જો સમતોલ રાખવી હોય, આગળ ધપાવવી હોય, તો ઈમિગ્રન્ટોને આવકારવા જ જોઈએ.

આજે અમેરિકામાં લગભગ એક કરોડ જેટલા ઈલીગલ ઈમિગ્રન્ટો વસવાટ કરી રહ્યા છે. જે મુજબ અમેરિકાના બીજી વાર પ્રેસિડન્ટ બનનાર ડોનાલ્ડ ટ્રમ્પ જાહેર કરી રહ્યા છે એ મુજબ જો તેઓ બધા જ ઈલીગલ ઈમિગ્રન્ટોને અમેરિકાની બહાર કાઢી મૂકશે અને કાયદેસર અમેરિકામાં પ્રવેશતા લીગલી ઈમિગ્રન્ટોનો પ્રવેશ મુશ્કેલ બનાવશે તો અમેરિકાના ઉદ્યોગો ઉપર એની ખૂબ જ અવળી અસર પડશે. આવું કરવા કરતાં અમેરિકાએ ઈમિગ્રન્ટો માટેના જે વાર્ષિક કોટાની સંખ્યા છે એ વધારવી જોઈએ અને ભણેલાગણેલા ઈમિગ્રન્ટોને ઉત્તેજન આપવું જોઈએ.

અમેરિકા ઈમિગ્રન્ટોનો દેશ છે. ક્રિસ્ટોફર કોલંબસે ઈ. સ. 1492માં જ્યારથી અમેરિકા ખંડની શોધ કરી છે ત્યારથી પહેલાં ઈંગ્લેન્ડ અને યુરોપ અને ત્યારબાદ વિશ્વના બધા જ દેશોમાંથી ઈમિગ્રન્ટો આવીને અમેરિકામાં વસ્યા છે. આ સર્વે ઈમિગ્રન્ટોએ જ અમેરિકાને વિશ્વનો આગળ પડતો દેશ બનાવ્યો છે. આથી ઈમિગ્રન્ટોને રોકવા તો જોઈએ જ નહીં. આજે જે વ્યક્તિ વિશ્વની સૌથી વધુ પૈસાપાત્ર છે એ એલન મસ્ક મૂળ સાઉથ આફ્રિકાના વતની છે. ત્યાંથી તેઓ કેનેડા ગયા અને કેનેડામાંથી અમેરિકામાં આવ્યા. આ મુજબ જ ભારતના પણ સેંકડો પટેલોએ અમેરિકામાં સ્થળાંતર કર્યું છે. દોરી લોટો લઈને ગયેલા એ સર્વે આજે અમેરિકામાં કરોડોપતિ તેમજ અબજોપતિ બની ચૂક્યા છે. એમના કારણે જ અમેરિકાના વેપાર ઉદ્યોગો વિકસ્યા છે.

સિલિકોનવેલી જે આજે કમ્પ્યૂટર ઉદ્યોગ માટે વિશ્વનું સૌથી આગળ પડતું સ્થળ છે ત્યાં જો ઈમિગ્રન્ટોને આવવા દેવામાં નહીં આવે તો બધા જ ઉદ્યોગો, બધી જ ફેક્ટરીઓ બંધ પડી જશે. અમેરિકાનાં ખેતરોમાં કામ કરવા માટે મજૂરોની ભયંકર અછત વ્યાપી જશે. અમેરિકાના નાના-મોટા બિઝનેસો ચાલી નહીં શકે અને પ્રગતિ તો કરી જ નહીં શકે. આ સર્વે કારણોને લીધે જ અમેરિકાના એક વખતના પ્રેસિડન્ટ જ્યોર્જ ડબલ્યુ બુશે એમના નામની જે ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે, એ ઈન્સ્ટિટ્યૂટે અમેરિકાની સરકારને ઈમિગ્રેશનને લગતા કાયદા ઉપર ચાર સુધારોઓ જણાવ્યા છે.

હવે એ જોવાનું રહે છે કે ઈમિગ્રન્ટોને ધિક્કારતા, ઈમિગ્રન્ટોએ અમેરિકાને કચરાનો ડબ્બો બનાવી નાખ્યો છે એવું કહેતા, અમેરિકાના 47મા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ ઈન્સ્ટિટ્યૂટની ભલામણોને ધ્યાનમાં લે છે? ઈમિગ્રેશનના કાયદાઓમાં ફેરફારો કરે છે? લીગલ ઈમિગ્રન્ટો માટે અડચણો ઊભી કરે છે? ઈલીગલ ઈમિગ્રન્ટોને અમેરિકા બહાર કેટલી ઝડપથી અને કેટલી સંખ્યામાં કાઢી મૂકે છે? એમની ઈમિગ્રન્ટો પ્રત્યેની નીતિની જાણ થોડા સમયમાં જ સૌને થશે. આશા રાખીએ કે તેઓ આ ઈન્સ્ટિટ્યૂટની ભલામણો ધ્યાનમાં રાખીને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓમાં ફેરફારો લાવે.