- જે જાતકોના નામના અંકનો સરવાળો 4 કે 8 થતો હોય તેઓના જીવનમાં અપ્સ-ડાઉન મોટા પાયે આવે છે
માનો યા ના માનો, પરંતુ અંકશાસ્ત્ર તમારા જીવન પર સીધી અને આડકતરી અસર કરે જ છે. અંકશાસ્ત્રના બેતાજ બાદશાહ કીરોની વાત કરીએ તો તેઓ પોતાના પુસ્તક `બુક ઓફ ફેટ એન્ડ ફોર્ચ્યુન'માં સ્પષ્ટ લખે છે કે દરેકે દરેક અંક અતિ ગૂઢ છે અને અંકમાં ગૂઢ રહસ્ય ભરેલાં છે. કીરોએ પોતાની દુનિયાની સફર દરમિયાન ભારતના પંડિતો પાસેથી અંક અને ગ્રહોનું ઊંડું જ્ઞાન મેળવેલું અને ઈજિપ્તમાં વર્ષોના રોકાણ બાદ અંકશાસ્ત્રના અનુસંધાને ચાલ્દિયન નામની સચોટ પદ્ધતિનો આવિષ્કાર કરેલો. આજે ચાલ્દિયન પદ્ધતિ વિવિધ નામો જેમ કે, હિબ્રુ, નંબર ઓફ કીરોના નામે ઓળખાય છે. દરેક માનવીના જીવનમાં અંક એક ઈશ્વર અને ક્યારેક જાદુગર જેવું અદ્ભુત કામ કરે છે. અંક જીવનમાં લાગેલા જંક(કાટ)ને દૂર કરે છે અને તમારી જીવનયાત્રાને અતિ સરળ બનાવે છે. અંક રંકને રાજા બનાવે તેવાં ઉદાહરણો પણ જગત પર છે. આજકાલ મોટામોટા ઉદ્યોગપતિ - ફિલ્મ પ્રોડ્યુસર પોતાની કંપની, ફિલ્મ તેમજ પ્રોજેક્ટનાં નામ શુભ અંક અને નામના સમન્વય દ્વારા બેલેન્સ કરી સફળતાને સિદ્ધહસ્ત કરે છે તે વાત વાચકમિત્રોથી અજાણી નથી. શેક્સપિયર ભલે કહે કે વોટ ઈઝ ધેર ઇન એ નેઈમ, પરંતુ શેક્સપિયરના નામમાં જ એવી તાકાત છે કે આજે જગતમાં તેમનું નામ અમર છે. જેમ કે, સદીઓ પછી પણ 22 જાન્યુઆરી,2024ના રોજ ભગવાન રામના નામ સાથે અયોધ્યા ધબકવા લાગ્યું. રામના નામે પથરા તરે એનો મતલબ એવો થાય કે તમારું નામ તમને સંસાર સાગર તરાવે એમાં લેશમાત્ર શંકા નથી.
તમને એક એવા જાતકનું ઉદાહરણ આપું કે જેમના જીવનમાં અંક `6' અદ્ભુત કમાલ કરી ગયો. આ જાતકે પોતાની નોકરી 15 તારીખે જોઈન કરેલી અને તેમના બોસની જન્મતારીખ 6 મે હતી. વધુ આશ્ચર્ય એ વાતનું થયેલું કે તેમની પત્નીની જન્મતારીખ પણ 24 જૂન હતી. એ ભાઈનાં તમામે તમામ કામ મોટા ભાગે અંક 6ના પ્રભાવ હેઠળ થયેલાં. ખાસ કરી જોઈ જોઈને જોયું છે કે જે જાતકોના નામના અંકનો સરવાળો 4 કે 8 થાય અગર એવા જાતકો કે જેઓ સીધા અંક 4 કે 8ની અસર હેઠળ આવતા હોય તેઓના જીવનમાં અપ્સ-ડાઉન (ચડતી-પડતી)મોટા પાયે આવે છે. અંકશાસ્ત્રના સરળ-સીધા બંધારણ અનુસાર અંક 4 પર રાહુ અને અંક 8 પર શનિની માલિકી અને અસર છે. બોલો, આ બંને ગ્રહો હેરાન કરવામાં કોઈને છોડે? અંકશાસ્ત્રની સિદ્ધિઓ નાનીસૂની નથી. આંકડો ફાંકડો બને તો ગમે તેવો રાંકડો હોય તો પણ આસમાને બેસાડે અને જો તમે ક્રૂર ગ્રહના આંકડા હેઠળ આવતા હોવ તો જીવનમાં ઘોર નિરાશા આવે. એવા કેટલાય કિસ્સા છે કે જેમાં અંક 4 અને 8 અંકના સરવાળા હેઠળ રહેતા જાતકો અતિ નિષ્ફળ જીવન જીવતાં હોય છે.
હમણાંની જ વાત છે. એક ભાઈ જૂન, 2022 સુધી 22 નંબરના ભાડાના મકાનમાં રહેતા હતા. તેમને સમજાવ્યા કે ભાઈ આ રાહુનો અંક છે અને તમને આશ્ચર્ય થશે કે તે ભાઈ જુલાઈથી પુનઃ ભાડાના મકાનમાં જ રહે છે, પણ મકાનનો નંબર 25 અર્થાત ટોટલ `7' થાય અને તેમનાં બધાં જ કામ હવે આસાન બન્યાં છે. અંકશાસ્ત્રની સફળતાનો એક અદ્ભુત અને અનુભવસિદ્ધ કિસ્સો તમારી સમક્ષ રજૂ કરું છું.
અંકશાસ્ત્રના અનુસંધાને આજે વાસ્તવિક અને સફળ કિસ્સા વિશે વિચારીએ. આજે જેની વાત કરીશું એ સફળ દીકરીનું નામ છે પંક્તિ. અંકશાસ્ત્રની અપ્રતીમ સફળતા-ઉન્નતિ અને પ્રગતિના પર્યાયનું નામ એટલે પંક્તિ. જ્યારે પંક્તિ નિરાશ અને નિષ્ફળ હતી અને ટાઈટેનિક જહાજની માફક એની કારકિર્દી ડૂબતી હતી તેવા સમયે અંકશાસ્ત્રની ગણતરીઓના ગણિતે તેની જિંદગીનું ગણિત બદલી તેને સફળ બનાવેલી. આવો, સફળતાની ઉક્તિ અર્થાત્ પંક્તિના ન્યુમરોલોજીના કેસને સમજીએ. પંક્તિનો જન્મ 01-04-1973ના રોજ થયેલો અને અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ P A N K T I થાય. જન્મતારીખનો સરવાળો 25 થાય અને 25 એટલે 2+5 = 7 થાય. અંકશાસ્ત્ર મુજબ પંક્તિની જન્મતારીખ અનુસાર અંક 7ની સીધી અસર હેઠળ આવે. અંક 7 એ અતિ શુભ અંક છે ને તેના પર નેપ્ચૂન ગ્રહની અસર છે.
નેપ્ચૂન સાથે સંકળાયેલા અંક 7ની દાસ્તાન પણ અજીબોગરીબ છે. સૂર કેટલા? તો સાત, મૂળ ગ્રહો કેટલા? તો સાત... અઠવાડિયાના વાર કેટલા? તો સાત... રાત્રે તમે આકાશ તરફ નજર કરો સપ્તઋષિ તારાનું મનોહર-આકર્ષક જૂથ નજરે પડે છે. આ તારાઓના ઝૂમખાની સંખ્યા કેટલી? જવાબ છે સાત... મેઘધનુષના રંગ સાત, સમુદ્રની સંખ્યા સાત. લો ભાઈ, સાતના અંકની જમાત અને નાત બહુ મોટી થઈ ગઈ. અંકશાસ્ત્રમાં 7 જેવો કોઈ શુભ અંક નથી.
હવે પંક્તિના જન્માંક 7ની વાત કરીએ. જન્મતારીખ મુજબ પંક્તિનો જન્મ 7ના અંક હેઠળ થયેલો, પરંતુ તેના નામના સ્પેલિંગ P =8, A =1, N=5, K=2, T=4 અને I=1નો સરવાળો 21 એટલે કે 3 થાય. અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા નામના અંક અને જન્મતારીખના અંક વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. પંક્તિના સ્પેલિંગનો સરવાળો 3 થાય અને જન્મતારીખનો સરવાળો 7 થાય... પંક્તિની જન્મતારીખમાં તો ફેરફાર કરી શકાય નહીં, પરંતુ નામની વેલ્યૂમાં આસાનીથી બદલાવ લાવી શકાય. અમે પંક્તિને સૂચન કર્યું કે તું તારા નામના સ્પેલિંગમાં ફેરફાર કરવા તૈયાર હોય તો તને અવશ્ય સફળતા મળશે. પંક્તિ સહર્ષ સહમત થઈ અને પંક્તિના મૂળ સ્પેલિંગમાં (C) અને (I) આલ્ફાબેટ (મૂળાક્ષર)નો વધારો કર્યો... હવે PANKTI પોતાના વિઝિટિંગ કાર્ડ-લેટરપેડ અને અન્ય જગ્યાઓએ PANKTIના બદલે પોતાના નામમાં વધારાના `C' અને `I' લખે છે અને છપાવે પણ છે.
નામના સુધારા સાથે અંકશાસ્ત્ર મુજબ `P A N C K T I I' ના નવા સ્પેલિંગનો સરવાળો સાત થાય અને તેની જન્મતારીખ 01-04-1973નો સરવાળો પણ 7 થાય. આમ, નામ અને જન્મતારીખનું ટ્યૂનિંગ (તાલમેલ) થયા બાદ આશ્ચર્યની અને ખુશીની વાત એ છે આજે પંક્તિનાં રોશની અને તેજ અમેરિકામાં પ્રસરી ગયાં છે. અત્યારે તે શિકાગોમાં એક સોફ્ટવેર કંપનીની માલિક છે. જોયોને કમાલ નામના ફેરફારનો! પંક્તિના નામના સ્પેલિંગમાં ગુરુનો alphabet `C' અને સૂર્યનો `I' ઉમેર્યો, કારણ કે પંક્તિએ પોતાનાં સ્વપ્ન પૂર્ણ કરવા ગુરુની ગુરુતામાં ઝડપ ઉમેરવાની હતી અને પ્રસિદ્ધિ મેળવવા સૂર્યનો સહારો પણ જરૂરી હતો. આપણે અંકશાસ્ત્રના ઉપયોગ દ્વારા તેના નામના સ્પેલિંગમાં ફેરફાર કરી તેની ઉન્નતિ અને પ્રગતિએ ઝડપથી આસમાની સુલતાની આપી દીધી.