પ્રકરણ - 18

લી કથા આપણે સૌ જાણીએ છીએ. પુત્ર ગુમાવનાર કિસા ગૌતમીએ જ્યારે દીકરો ફરી જીવતો કરવાની માગણી કરી ત્યારે બુદ્ધે કહેલું, `દીકરો તો જીવતો કરું, પણ એ માટે પહેલાં તું એવા ઘરમાંથી મુઠ્ઠી ધાન લઈ આવ, જેમાં કોઈ ન મર્યું હોય.' આખું ગામ ફરીને કિસા પાછી ફરી, કારણ કે જેમાં કોઈનું મૃત્યુ ન થયું હોય એવું કોઈ ઘર એને મળ્યું જ નહીં.

મોત અનિવાર્ય છે એ સૌ જાણે છે અને જીવનમાં દુઃખો પણ અનિવાર્ય છે એની પણ બધાને ખબર છે. છતાં લોકો કઈ રીતે ત્રાસજનક જિંદગીને જીવ્યે જ જાય છે એ સમજવા માટે રશિયન લેખક ટોલ્સ્ટોયે પોતાના જ અમીર, ઉમરાવ, ઉચ્ચ વર્ગના લોકોને ધારીને જોયા તો એમને સમજાયું કે જીવતરના ત્રાસથી બચવાની ચાર છટકબારીઓ લોકો પાસે છે. એમાંની પહેલી છટકબારી છે, અજ્ઞાન. ઘણાને જીવતર કેટલું ત્રાસદાયક છે અને મોત કોઈ પણ ઘડીએ આવી શકે છે એનું ભાન જ નથી. પોતે કૂવામાં ડાળી પકડીને લટકેલા છે, ડાળીને ઉંદર કોતરી રહ્યા છે, નીચે મોત છે. આ બધી વાતોથી અજાણ એવા આ લોકોનું અજ્ઞાન એમને દુઃખથી બચવામાં અને જીવતા રહેવામાં મદદરૂપ બને છે.

આ પ્રથમ છટકબારીની વાત કર્યા પછી ટોલ્સ્ટોય પોતાની આત્મકથામાં નોંધે છે,

***

આવા અજ્ઞાનીઓ પાસેથી હું કશું શીખી શકું તેમ નહોતો. કારણ કે હું અજ્ઞાની બની શકું તેમ નહોતો. જે હું જાણી ચૂક્યો હતો એ હું ભૂલી શકું તેમ નહોતો.

બીજી છટકબારી છે, ભોગવાદ. ખાઓ, પીઓ અને મોજ કરો. આ રસ્તો અપનાવારા લોકોની નીતિ આવી હતીઃ ખબર છે કે જીવનમાં કશી આશા નથી અને આખી વાતમાં કશો દમ નથી, પણ ડાળ કાપી રહેલા ઉંદરો (જીવન ઘટાડી રહેલા દિવસ-રાત) કે તળિયે બેઠેલા ડ્રેગન (મોત)ની સામે જોવું જ શું કામ? એ ભલે રહ્યાં એની જગ્યાએ. આપણે તો (ડાળીએ લટકેલી અવસ્થામાં પણ) આસપાસમાંથી વધુમાં વધુ મધ કઈ રીતે મેળવી અને માણી શકાય એના પર જ ધ્યાન આપવું. (જેરુસલેમના રાજા) સોલોમને આ છટકબારીનું વર્ણન આવી રીતે કર્યું છેઃ `જીવનમાં ખાઈ-પીને મોજ કરવાથી વધુ ઉત્તમ કશું ન હોઈ શકે. માટે જાઓ, મોજથી તમારી રોટી ખાઓ અને ટેસથી તમારું પીણું પીઓ. આખેઆખી મિથ્યા જિંદગીના મિથ્યા દિવસોને તમારી પ્યારી સ્ત્રી સાથે માણો. આ જ તમારી નિયતિ છે. તમારે મહેનત ને માથાકૂટો કરવાની જ છે, તો જેટલી પણ તાકાત તમારામાં હોય એનો ઉપયોગ કરીને કામ કરતા રહો, કારણ કે એક વાર તમે કબરમાં દટાઈ જશો પછી તમે કશું જ નહીં કરી શકો. દટાયા પછી નથી વિચાર, નથી જ્ઞાન, નથી શાણપણ.'

હું (ટોલ્સ્ટોય) જે ઉચ્ચ વર્ગનો સભ્ય હતો એ વર્ગના મોટાભાગના લોકો આ બીજી છટકબારીનો ઉપયોગ કરતા મને જોવા મળ્યા. એ (અમીર) લોકોના જીવનમાં સારી-સારી ચીજો (સમૃદ્ધિ) ઘણી હતી અને ખરાબી (ગરીબી) ઓછી હતી, પણ એમને એ નહોતું દેખાતું કે એમને જે લાભ મળી રહ્યા છે એ તો આકસ્મિક-સાંયોગિક છે. બધાની પાસે સોલોમનની જેમ હજાર મહેલો અને સ્ત્રીઓ ન હોઈ શકે. એક જણ પાસે હજાર પત્નીઓ હોય તો સામે પક્ષે હજારો પુરુષો પત્ની વિનાના વાંઢા છે. એક જણ પાસે હજારો મહેલો હોય તો સામે પક્ષે હજારો ગરીબો પરસેવો રેલાવીને એ મહેલો બાંધવામાં જોતરાયેલા છે. એ લોકોને (અમારા ઉચ્ચ વર્ગના અમીરોને) એ નહોતું સમજાઈ રહ્યું કે જે નસીબ આજે એમને સોલોમન બનાવી રહ્યું છે એ જ નસીબ કાલે એમને સોલોમનના ગુલામ પણ બનાવી શકે. જે અનિવાર્ય રોગ, બુઢાપો, મોત જોઈને ગૌતમ બુદ્ધ ખળભળી ઊઠ્યા હતા એ બધું આ લોકો જાણે જોવા જ માગતા નહોતા અને તેઓ એ વાત સમજવા જ નહોતા માગતા કે રોગ, બુઢાપો, મોત એમની મોજમજાનો ભુક્કો બોલાવવાની રાહ જોતાં બેઠાં છે. આ બધી નકારાત્મક બાબતો તરફ લક્ષ્ય ન આપવાની વૃત્તિને, કલ્પનાશક્તિના અભાવને, અક્કલની ઓછપને તેઓ પોઝિટિવ ફિલોસોફીનું રૂપાળું લેબલ લગાડતા હતા (ભાવિ દુઃખોનો વિચાર કરીને વર્તમાન સુખની મજાથી વંચિત ન રહેવું એમાં એમને પોઝિટિવ એપ્રોચ દેખાતો હતો), પણ મારા મતે આ લોકો એવા હતા જે પરિસ્થિતિની ભયાનકતા સમજ્યા વિના મધ ચાટવામાં મશગૂલ હતા. હું એમના જેવો બની શકું તેમ નહોતો, કારણ કે મારામાં કલ્પનાશક્તિનો અભાવ નહોતો અને મારી અક્કલ ઓછી નહોતી. હું મંદબુદ્ધિ હોવાનો દેખાડો કરી શકું તેમ નહોતો અને ડાચું ફાડીને ઊભેલા ડ્રેગન તથા ડાળી કોતરી રહેલા ઉંદરો એક વાર મને દેખાઈ ગયા ત્યાર પછી હું તેમના પરથી નજર ખસેડી શકતો નહોતો.

ત્રીજી છટકબારી હિંમત અને શક્તિ માગી લેનારી હતી. એ માર્ગ એવો હતો કે જિંદગી પીડાદાયક અને નકામી છે એવું સમજાયા બાદ સામે ચાલીને મરી જવું. જે સતત તર્કબદ્ધ રીતે વિચારી શકે અને જે અત્યંત મજબૂત હોય એ જ આ માર્ગે ચાલી શકે. (ક્રમશઃ)

***

ટોલ્સ્ટોયની આત્મકથાનો આ ફકરો અત્યંત ખતરનાક છે. એને આ અંકમાં અડધો ટાંકવાથી કોઈને એવી ગેરસમજ થઈ શકે કે ટોલ્સ્ટોય વાચકને જાણે એવો પડકાર ફેંકી રહ્યા છે કે તમારામાં જો ખરેખર અક્કલ હોય અને પૂરતી તાકાત હોય તો આપઘાત કરી દેખાડો અને જો તમે આપઘાત ન કરી શકો તો સ્વીકારી લો કે તમારામાં પૂરતી અક્કલ અને ક્ષમતા નથી. અસલમાં ટોલ્સ્ટોય આવો પડકાર નથી ફેંકી રહ્યા. આ મામલે કશી ગેરસમજ ન થઈ જાય એટલા માટે આપઘાત વિશેનો આખો ફકરો, આખો મુદ્દો વિગતે અને શાંતિથી સમજીશું આવતા અંકે. (ક્રમશઃ)