- ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં વધુ કનેક્ટેડ હોવાને કારણે આ શંકાઓ સ્વાભાવિક પણ છે
- દેશની કુલ બેન્કિંગ એસેટ્સમાં વિદેશી બેંક્સનો હિસ્સો માત્ર 6 ટકા જેટલો છે
- અન્ય યુએસ બેંક જેપી મોર્ગન રૂ. 91 હજાર કરોડની એસેટ ધરાવે છે
વૈશ્વિક બેન્કિંગ પ્રણાલીમાં જોવા મળી રહેલી વર્તમાન કટોકટી પાછળ ભારતીય બેન્કિંગ સિસ્ટમને લઈ અનેક શંકા-કુશંકા કરવામાં આવી રહી છે. ગ્લોબલાઇઝ્ડ વિશ્વમાં વધુ કનેક્ટેડ હોવાને કારણે આ શંકાઓ સ્વાભાવિક પણ છે. જોકે, ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં વૈશ્વિક બેંક્સનો હિસ્સો અન્ય ઈમર્જીંગ અર્થતંત્રોની સરખામણીમાં ઘણો નીચો છે અને તે આપણને બાહ્ય આંચકાઓથી બચાવી શકે તેમ છે. દેશની કુલ બેન્કિંગ એસેટ્સમાં વિદેશી બેંક્સનો હિસ્સો માત્ર 6 ટકા જેટલો છે. આમ, કોઈપણ સંકટમાં સ્થાનિક બેન્કિંગ સિસ્ટમ પર મોટો ખતરો ઊભો થઈ શકે તેમ નથી. દેશમાં હાજરી ધરાવતી ટોચની પાંચ વિદેશી બેંક્સન વાત કરીએ તો એચએસબીસી રૂ. 2.47 લાખ કરોડ સાથે સૌથી વધુ એસેટ ધરાવે છે. જ્યારબાદ બીજા ક્રમે સિટીબેંક રૂ. 2.33 લાખ કરોડની એસેટ ધરાવે છે. તે અગ્રણી યુએસ બેંક છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ રૂ. 1.75 લાખ કરોડની જ્યારે ડોઈશે બેંક રૂ. 1.48 લાખ કરોડની એસેટ ધરાવે છે. એક અન્ય યુએસ બેંક જેપી મોર્ગન રૂ. 91 હજાર કરોડની એસેટ ધરાવે છે. જ્યારે યુરોપ સ્થિત ક્રેડિટ સ્વિસ રૂ. 20 હજાર કરોડની એસેટ ધરાવે છે. આ ડેટા માર્ચ 2022ની આખરનો છે. છેલ્લા એક વર્ષમાં આ આંકડામાં કોઈ મોટી વૃદ્ધિની શક્યતા નથી. ક્રેડિટ સ્વિસ ભારતમાં વિદેશી બેંક્સના બિઝનેસની બાબતમાં 12મા ક્રમે આવે છે. તે સમગ્ર બેન્કિંગ સેક્ટરનો 0.1 ટકા એસેટ હિસ્સો ધરાવે છે. આમાં 70 ટકા હિસ્સો સરકારી બોન્ડ્સમાં છે. તે પણ શોર્ટ-ટર્મ પ્રકારનો છે. લેન્ડર ઝીરો નોન-પરફોર્મિંગ એસેટ ધરાવે છે.
ભારતીય બેન્કિંગ અને વૈશ્વિક બેન્કિંગમાં મહત્ત્વનો ભેદ ડિપોઝિટ્સના પ્રકારનો પણ છે. જેમકે વિકસિત દેશોમાં ફિક્સ ડિપોઝિટ્સ એક એસેટ ક્લાસ તરીકે વર્ષો પહેલા તેનું આકર્ષણ ગુમાવી ચૂક્યો હતો. ઈક્વિટી કલ્ચરના વિકાસને કારણે ત્યાં નોંધપાત્ર રકમ શેરબજાર, પ્રોપર્ટી માર્કેટમાં વળે છે. બીજી બાજુ, ભારતમાં 70 ટકા ડિપોઝિટ્સ લોંગ-ટર્મ નેચરની હોય છે. જે બેંક્સને લોંગ-ટર્મ ફઈનાન્સ માટે સુવિધા પૂરી પાડે છે. તેમજ, ડિપોઝિટ્સ રીડિમ વખતે બેંકોએ તેમની લોસ મેકિંગ એસેટ્સનું પેનિક સેલિંગ કરવાનું નથી બનતું. ઉપરાંત, રેગ્યુલેટરી એન્વાર્ટમેન્ટ પણ વધુ સારું છે. યુએસ ખાતે ટોચની 15 બેંક્સને માટે જ ફેડે ફરજિયાત એસએલઆર-સ્ટેચ્યૂટરી લિક્વિડિટી રેશિયો જેવી જોગવાઈ રાખી છે. જ્યારે ભારતમાં તમામ બેંકોએ એસએલઆર જાળવવો પડે છે. જે બેન્કિંગ કંપનીઓને મુશ્કેલીના સમયમાં એક કુશન પૂરું પાડે છે. ભારતમાં બેન્કિંગ કંપનીઓ પાસે મજબૂત બિઝનેસ તકો જોવા મળી રહી છે. જે પશ્ચિમી બેંકો પાસે નથી. છેલ્લા બે ક્વાર્ટર્સમાં મોટાભાગની બેન્કિંગ કંપનીઓના સ્પ્રેડ વધવાને કારણે તેમની નફાકારક્તામાં વૃદ્ધિ જોવા મળી છે. ટોચની બેન્કિંગ કંપનીઓ વિક્રમી નફા રજૂ કરી રહી છે. આમ, સ્થાનિક રિટેલ બેન્કિંગ સિસ્ટમને પશ્ચિમી બેંક્સ સાથે સીધી સરખામણી શક્ય નથી. મારી દૃષ્ટિએ બેન્કિંગ શેર્સમાં તાજેતરનો ઘટાડો મોટું કદ ધરાવતાં બેન્કિંગ શેર્સમાં ખરીદી માટેની સારી તક પૂરી પાડી રહ્યો છે. જે બેન્કિંગ કંપનીઓ સારો કાસા રેશિયો ધરાવે છે તેમના માર્જિન્સમાં આગામી ક્વાર્ટર્સમાં પણ સુધારો જોવા મળશે. કેમકે રિટેલ ઉપરાંત ઇન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઓફ્-ટેકમજબૂત જોવા મળી રહ્યું છે. ગયા વર્ષના ઊંચા બેઝ પર પણ ક્રેડિટ ગ્રોથમાં હજુ ઘટાડાના સંકેતો નથી. જે ભારતીય બેન્કિંગનું જમા પાસું છે.










