આપણા ભરતભાઈ ગોબરિયા જેમને બધા `ભગો' કહીને બોલાવે છે, તેઓ શ્રી `અક્કલમઠા'ની કેટેગરીમાં આવે છે. એમની પાસે અઢળક પૈસો હોવા છતાં એ વારંવાર લોચા માર્યા કરે છે, બુદ્ધિનું દેવાળું ફૂંક્યા કરે છે. જોકે, પૈસાદાર હોવા માટે બુદ્ધિશાળી હોવું એ સહેજ પણ જરૂરી નથી. તદ્દન મૂર્ખ, ડફોળ, અક્કલના ઓથમીર માણસો પણ ખૂબ પૈસાવાળા હોય છે એવું આપણને ચારેય બાજુ દેખાતું જ હોય છે. પૈસાદાર હોવું એ સોએ સો ટકા નસીબનો જ ખેલ છે. રૂપિયા કમાવા માટે `લક ફેક્ટર' ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. એટલે જ તો આપણે ત્યાં `ભાગ્યશાળીને ભૂત રળે' એવી કહેવત પણ બની છે. ટૂંકમાં, આપણા આ `કમ અક્કલ' ભરત ગોબરિયા ઉર્ફે ભગો ડફોળ હોવા છતાં ખૂબ પૈસાવાળો હતો. અઢળક પૈસો અને ઓછી અક્કલ આવું `ડેડલી કોમ્બિનેશન' હોવાના કારણે ભગો તદ્દન ઢંગધડા વગરની જિંદગી જીવતો હતો. આડેધડ પૈસા વાપરતો, ઉડાડતો હતો. `માતેલો સાંઢ' બની ખાઈ-પીને જલસા જ કર્યા કરતો હતો. એનું શરીર રાજાના કુંવરની જેમ `રાતે ના વધે એટલું દિવસે વધતું ને દિવસે ના વધે એટલું રાત્રે વધતું હતું.'

શરીર ઉતારવા માટે એણે ડો. દવેનો સંપર્ક કર્યો. ભારેખમ ભગાનું વજન ઉતારવા માટે ડો. દવેએ ખાવા-પીવાનો ડાયટ ચાર્ટ બનાવી આપ્યો અને દવાઓ લખી આપી, સાથે ચાલવાની, કસરત કરવાની સૂચના પણ લખી આપી. ભગો ડો. દવેની ફાઈલ લઈ ખૂબ કન્ફ્યૂઝ હાલતમાં ઓફિસે ગયો. એને કંઈ જ ગતાગમ નહોતી પડતી તે છતાંયે એ ડો.દવેની ફાઈલ વાંચ્યા કરતો'તો. ત્યાં જ એનો એક ભાઈબંધ જગદીશ ઉર્ફે જગો એને મળવા આવ્યો. હવે કુદરતનો એવો નિયમ છે કે માણસ જેવો હોય એના મિત્ર પણ એના જેવા જ હોય. એટલે `અક્કલમઠા' ભગાનો મિત્ર જગો પણ `અક્કલમઠો' જ હતો. ભગાને કન્ફ્યૂઝ જોઈ એણે કારણ પૂછ્યું. ભગાએ એને ડો.દવેની ફાઈલ વાંચવા આપી. જગાએ પણ (સમજણ ન પડતી હોવા છતાં) એ ફાઈલ ધ્યાનથી વાંચી અને પછી જગાએ ભગાને શરીર ઘટાડવા માટે એકદમ ભેદી નુસખો કહ્યો `ભગા, તું માત્ર ગાયનું ચોખ્ખું દૂધ પીવાનું ચાલુ કર. બે મહિનામાં જ તારું વજન અડધું થઈ જશે.'

જગાના સજેશન સાથે ભગો કંઈ પણ વિચાર્યા વગર કાચી સેકન્ડમાં સહમત થઈ ગયો અને એણે નિર્ણય પણ જાહેર કરી દીધો કે, `હવે હું માત્ર ગાયનું દૂધ જ પીશ, બાકી બધો ખોરાક મારા માટે ઝેર છે.' ભગાએ ગાયનું દૂધ જ પીવાની ભીષ્મ પ્રતિજ્ઞા તો લઈ લીધી, પણ સવાલ એ હતો કે ગાયનું ચોખ્ખું દૂધ રોજેરોજ લાવવું ક્યાંથી? બુદ્ધિના બ્રહ્મચારીઓને અવનવા વિચારો પણ તરત જ મગજમાં સ્ફૂરી જતા હોય છે. જોકે, ભગાને એ પણ નહોતી ખબર કે ગાયનું દૂધ ખરેખર વજન ઘટાડશે ખરું. એણે ડૉક્ટરને પૂછવાની તસ્દી પણ ન લીધી. એવી તસ્દી કોણ લે, આપણે તો મહાન કહેવાઇએ આપણે કોઇને પૂછીએ નહીં આપણે તો બસ ભાઇબંધ કહે એટલે આંખ બંધ કરીને એ કરી જ નાખવાનું. ગમે તેમ તોય એ આપણો ભાઇબંધ છે એટલે એની વાત તો માનવી જ પડે.

ભગાના મગજમાં પણ ભેદી વિચાર ધસી આવ્યો. ભગાએ નક્કી કર્યું કે, `ગાયનું ચોખ્ખું દૂધ રોજેરોજ પીવા મળે એ માટે હું એક ગાય ખરીદી લઈશ.' ભગાના આ નિર્ણયને જગાએ તાળીઓથી વધાવી લીધો અને જગાએ ભગાને એના `ગાય ખરીદી અભિયાન'માં મદદ કરવાનું બીડું ઝડપ્યું. જગાને જાતજાતના ઘણા બધા ભાઈબંધો હતા એમાં મહેશ અને દિનેશ નામના કાકો-ભત્રીજો પણ હતા. એમની પાસે ઘણી બધી ગાયો હતી. જગાએ ભગાને ગાય માટે એ કાકા-ભત્રીજાનો કોન્ટેક્ટ કરવા કહ્યું. ભગાએ જગાને કહ્યું, `એ બધું તું જ કરી આપ યાર.' જગાએ `બધું' કરી આપ્યું. બે દિવસ પછી મહેશ-દિનેશ નામના આ લોકો લોડિંગ રિક્ષામાં ગાય-વાછરડાને લઈને ભગાના બંગલે પહોંચી ગયા અને ભગાના ઘરે ગાય આવી ગઈ. ગાયને જોઇને ભગો ખુશ થઇ ગયો. દિલધડક કથાનો બીજો ને અંતિમ ભાગ આવતા અઠવાડિયે.