જોકે, ભારતનો પ્રવાસન દિવસ 25 જાન્યુઆરીએ ઊજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસ દર વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ ઊજવવામાં આવે છે. આપણો સવાલ અત્યારે એટલા માટે છે કે ટૂંક જ સમયમાં ગુજરાતમાં દિવાળી વેકેશન પડશે. આમ પણ માનવીને `પૃથ્વી ગ્રહનો પ્રવાસી' જેવા ભારે ભરખમ શબ્દોથી ડરાવવામાં અને ભરમાવવામાં આવે જ છે.
ખેર, વાત પર્યટનની થાય છે ત્યારે જો આપણા સંદર્ભની ગોષ્ઠિ માંડવી હોય તો ગુજરાતમાં દિવાળી વેકેશન ઉપરાંત ઉનાળાનું વેકેશન પણ પડે છે. ભારતના દરેક રાજ્યમાં સંભવતઃ ત્રણેક ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાના વેકેશન પડે છે. જેમ કે, ચાર-પાંચ સળંગ રજા પડતી હોય તેને ટૂંકું, સળંગ રજામાં વધારાની રજા ઉમેરી મધ્યમ તેમજ દિવાળી અને ઉનાળાની રજાઓને લાંબું વેકેશન કહેવાય. કેટલીક શાળા-કોલેજો ક્રિસમસ વેકેશન પણ આપતી હોય છે. સામાન્યતઃ ઘર છોડી થોડા દિવસ માટે અન્યત્ર મુકામ માંડવો તેને પ્રવાસન પ્રવૃત્તિ કહેવાય. મામા, માસી, કાકા, ફોઈના ઘરે રહેવા જાઓ તે કે અજાણ પ્રદેશમાં પગરણ માંડવાં તે.
વિમાસણનો વિષય અહીં જ પ્રસ્તુત થાય છે, વેકેશનના દિવસોમાં ફરવા જવું હોય તો જવું ક્યાં? સ્વાભાવિક છે કે સ્થળ પસંદગીનો પ્રમુખ આધાર વ્યક્તિ, પરિવારની આર્થિક સ્થિતિ પર નિર્ધારિત હોય છે. સાથે જ પરિવારના દરેક સભ્યોની પસંદગી, અગ્રતા અને હેતુ અલગ હોવાના જ. ઘરમાં વડીલ હોય અને તેમને પણ સાથે લઇ જવાના હોય તો તેમની ઈચ્છા અને દસ વરસના બાળકની ઇચ્છામાં અંતર રહેવાનું જ. ટીનેજર છોકરા છોકરીને પૂછો તો કદાચ એવી જગ્યાનું નામ સાંભળવા મળશે જેનો માતા-પિતાએ વિચાર સુધ્ધાં ન કર્યો હોય. સ્થળ પસંદગી પ્રક્રિયા દરમ્યાન એક સવાલ જરૂર ઊઠે છે, તીર્થ કે અતીર્થ પર્યટન કરવું? તીર્થ પર્યટન એટલે તીર્થોમાં ફરવું, પુણ્ય પવિત્ર દેવસ્થાનાદિક સ્થળોની મુલાકાત લેવી અને અતીર્થ એટલે અપવિત્ર સ્થળ, પરંતુ આપણો સંદર્ભ અપવિત્ર સ્થળ બાબતે નથી. અતીર્થ પર્યટન એટલે ટૂર, જર્ની, ભમવું, રખડવું. તીર્થ પર્યટનમાં ભક્તિને પ્રાથમિકતા જ્યારે અતીર્થ પર્યટનમાં મોજ, મસ્તીને પ્રાથમિકતા.
તીર્થસ્થાને મર્યાદા, આમન્યા જાળવવી પડે, જે આપોઆપ જળવાઈ જ જાય, જ્યારે અતીર્થ સ્થાને નિરંકુશ રખડપટ્ટી, મોજમજા કરી શકાય. વૈષ્ણોદેવીની વાટ પકડો અને ગોવા ગમન કરો તેમાં સ્વાભાવિકપણે જ ફરક રહેવાનો જ. વૈષ્ણોદેવીમાં માતા રાણીને વંદન જ કરવા જવાનું હોય જ્યારે ગોવામાં સાગરના સાગરિતો એવા બીચો પર મહાલવાનું જ હોય. દ્વારકા જાવ તો કૃષ્ણ મળે, પરંતુ દમણમાં કૃષ્ણને શોધવા પણ કોણ પડે? ભારતના યુકે; ઉત્તરાખંડ ફરવા જાવ તો મદિરાલય કરતાં મંદિર વધુ જોવા મળે, કાશ્મીરમાં મદિરાલય કે મંદિર બંને દુર્લભ થઇ પડે.
પર્યટનથી માનસિક આરામ અને શાંતિ મળે, કલ્પના અને સર્જનાત્મક શક્તિમાં વધારો થાય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય તેમજ મનોરંજન અને ખુશીની લાગણી પ્રાપ્ત થાય છે. ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે રખડપટ્ટી કરવાનો એક અલગારી આનંદ હોય છે. જરૂરી નથી કે શિમલા, કુલુ-મનાલી, કાશ્મીર કે નૈનિતાલ-મસૂરી જ જવું, નજીકના સ્થળે પણ આંટો મારી શકાય. વળી, તીર્થ કે અતીર્થ મહત્ત્વનું નથી, મહત્ત્વનું તો છે પર્યટન! જ્યાં રહેતા હોઈએ ત્યાંથી થોડા સમય માટે દૂર જવાનું, મનોરંજક અને આરામદાયક પ્રવૃત્તિ કરવાની. આજના સ્પર્ધાત્મક યુગમાં આખો પરિવાર સામૂહિક ક્રિયાઓ ભાગ્યે જ કરતો હોય છે, ત્યારે કોઈ પણ સ્થળે થોડા તો થોડા દિવસ માટે લડતા, ઝઘડતાય સાથ સહકારની પ્રવૃત્તિ કરે (આવા સ્થળે ઘરના ચાર સભ્યો ચાર દિશામાં તો ચાલવાય નીકળી શકતા નથી) તેનો આનંદ જુદો જ હોય છે. મોબાઈલની બહાર પણ દુનિયા છે અને તે ખૂબ સુંદર છે. બાંધો પોટલાં અને નીકળી પડો; રોમાંચ માટે રજાઓ હોય છે, રોવા માટે નહિ.