આટલી મોટી દુનિયાના નકશામાં બ્રુનેઈ જેવા દેશનું નામ શોધવું મુશ્કેલ છે. નકશામાં એક ટપકું જેવો લાગતો આ દેશ શિક્ષણ પદ્ધતિ માટે નવીનતાનો માર્ગ પણ બતાવે છે. આ દેશની યુનિવર્સિટી ઓફ બ્રુનેઈ દારુસ્સલામનું નામ દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં આવે છે. નાનકડા દેશની નાની યુનિવર્સિટીનું નામ વર્લ્ડ રેન્કિંગમાં આવે એ નાની વાત નથી.
ટાઈમ્સ હાયર એજ્યુકેશનની બેસ્ટ સ્મોલ યુનિવર્સિટીઝ વર્લ્ડ રેન્કિંગમાં સોળમા ક્રમાંકની આ યુનિવર્સિટી એશિયામાં મેઈન કેટેગરીમાં એકોતેરમા નંબરનું વિશ્વવિદ્યાલય છે. સોશિયલ સાયન્સ, એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી, એજ્યુકેશન, બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ, ફિઝિકલ સાયન્સ જેવા વિષયોમાં આ યુનિવર્સિટીની ઓળખ વિશેષ છે.
વળી, બ્રુનેઈ સમૃદ્ધિના મામલે પણ આગળ પડતો દેશ છે. આ દેશમાં છેલ્લા પાંચ-છ દાયકાથી શિક્ષણનો વિસ્તાર ખૂબ પ્રભાવક રીતે થયો છે. ફરજિયાત શિક્ષણનો કાયદો આ દેશમાં પણ લાગુ છે. આમ જોઈએ તો આ એવો દેશ છે જે પૌરાણિક રીતે આપણી સાથે જોડાયેલો છે. જેને આપણે જંબુદ્વીપ તરીકે ઓળખીએ છીએ એ દેશ એટલે બ્રુનેઈ. ઈસ્લામિક અને જનરલ એજ્યુકેશન પર આ દેશની શિક્ષણ પદ્ધતિ રહેલી છે. બ્રુનેઈની સરકાર તરફથી દેશના નાગરિકોને અભ્યાસ કરવા માટે મહત્તમ ખર્ચ આપવામાં આવે છે. ભારતના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બ્રુનેઈમાં એજ્યુકેશન મેળવવા માટે આ સરકાર તરફથી આમંત્રિત કરવામાં આવે છે અને સ્કોલરશિપના માધ્યમથી સહાય આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વની બાબતો
ભારતીય નાગરિકત્વ હોવું ફરજિયાત છે.
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.
ઉમેદવાર બ્રુનેઈ સરાકર તરફથી માન્ય સ્કોલરશિપ યુનિવર્સિટીના કોઈ પણ અભ્યાસક્રમ માટે અરજી કરી શકે છે.
ઉમેદવાર ડિપ્લોમા, બેચલર અને માસ્ટર ડિગ્રી માટે જ સ્કોલરશિપ અરજી કરી શકશે.
ડિપ્લોમા અને બેચલર ડિગ્રી માટે અરજી કરનારા ઉમેદવારની વય 25 વર્ષથી વધુ ન હોવી જોઈએ અને માસ્ટર પ્રોગ્રામ માટે 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.
ઉમેદવારે આઇલ્ટ્સમાં ઓછામાં ઓછો છનો સ્કોર મેળવેલો હોવો જોઈએ અથવા ટોફેલમાં 500નો સ્કોર મેળવેલો હોવો જોઈએ. અથવા જીસીઈઓ લેવલ એક્ઝામિનેશનમાં 6 ક્રેડિટ સ્કોર અથવા આઈજીસીએસઈ ઈંગ્લિશમાં સી ગ્રેડ મેળવેલો
હોવો જોઈએ.
આ સ્કોલરશિપ પ્રથમ વખત બ્રુનેઈમાં અભ્યાસ કરવા જઈ રહેલા ઉમેદવારો માટે જ માન્ય ગણવામાં આવશે.
સહાય
ટ્યુશન ફી સહિત એક્ઝામિનેશન, રજિસ્ટ્રેશન, ઓરિએન્ટેશન ફી આપવામાં આવે છે.
ઈકોનોમી ક્લાસ માટે એર ટિકિટની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
દર મહિને 500 બ્રુનેઈન ડોલર પર્સનલ એલાઉન્સિસ પેટે આપવામાં આવે છે.
મંથલી મીલ્સ એલાઉન્સિસ પેટે 150 બ્રુનેઈન ડોલર અને એન્યુઅલ બુક એલાઉન્સિસ પેટે 600 બ્રુનેઈન ડોલર આપવામાં આવે છે.
અરજી કરવાની છેલ્લી તારીખ
15 ફેબ્રુઆરી, 2025
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી માટેઃ https://tinyurl.com/3fdwtdkf
અરજી વખતે યુનિવર્સિટીની પસંદગી કરવાની રહેશે.
યુનિવર્સિટી ઓફ બ્રુનેઈ દારુસ્સલામ
યુનિવર્સિટી ઓફ ઈસ્લામ સુલ્તાન શરીફ અલી
યુનિવર્સિટી ટેક્નોલોજી બ્રુનેઈ
પોલિટેક્નિક બ્રુનેઈ
કોલેજ યુનિવર્સિટી પેરગુરુઆન ઉગ્મા સેરી બેગવાન
સ્કોલરશિપની માહિતી માટે
https://tinyurl.com/79kme4j9
પૂછપરછ માટે
[email protected]