- રાષ્ટ્રપતિના આગમનની સાથે પરેડની શરૂઆત થાય છે. પરેડમાં આર્મી, નેવી અને એરફોર્સના જવાનો, મિસાઇલ્સ, ટેન્ક સહિત વિવિધ અસ્ત્રો-શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવે છે
દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીસ્થિત રાજપથ પર પરેડનું આયોજન કરવામાં આવે છે. પરેડ જોવા આવનારા લોકોની સંખ્યા આશરે બે લાખની આસપાસ હોય છે. પરેડની શરૂઆત રાયસીના હિલ્સથી થાય છે. અહીંથી પરેડ રાજપથ, ઇન્ડિયા ગેટથી પસાર થઈને લાલ કિલ્લા સુધી જાય છે. આ દરમિયાન આર્મી, નેવી અને એરફોર્સ મિસાઇલ્સ, ટેન્ક સહિત વિવિધ અસ્ત્રો-શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવે છે. આ પરેડમાં શું ખાસ હોય છે તે જાણીએ.
તોપોની સલામી
પરેડની શરૂઆત રાષ્ટ્રપતિના આગમનની સાથે થાય છે. ધ્વજ ફરકાવાય ત્યારે સૌથી પહેલાં રાષ્ટ્રપતિના ઘોડેસવાર અંગરક્ષકો દ્વારા તિરંગાને સલામી આપવામાં આવે છે, તે સમયે રાષ્ટ્રગાન શરૂ થાય છે અને બરાબર તે જ સમયે 21 તોપોની સલામી આપવામાં આવે છે. વાસ્તવમાં 21 તોપ નથી હોતી, પણ ભારતીય સેનાની સાત તોપ કે જેને `25 પૌન્ડર્સ' કહેવામાં આવે છે, તેના દ્વારા ત્રણ-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવે છે. આ તોપોને ઈ.સ. 1941માં બનાવવામાં આવી હતી અને સેનાના બધા જ ઔપચારિક કાર્યક્રમોમાં તેને શામેલ કરવામાં આવે છે.
પરેડનું રિહર્સલ 600 કલાક
પરેડના દિવસે પરેડમાં ભાગ લેનારાં બધાં જ દળ સવારે 3 વાગ્યે રાજપથ પર પહોંચી જાય છે. પરેડની તૈયારી લગભગ છ મહિના પહેલાં જ શરૂ થઈ જાય છે. સંબંધિત રેજિમેન્ટ કેન્દ્રો પર પરેડનો અભ્યાસ કરે છે અને ડિસેમ્બરમાં દિલ્હી આવે છે. એક માહિતી પ્રમાણે 26 જાન્યુઆરીની પરેડમાં ઔપચારિક રીતે ભાગ લેતા પહેલાં વિવિધ દળ લગભગ 600 કલાક જેટલો અભ્યાસ કરી ચૂક્યાં હોય છે.
માપદંડોના આધારે પુરસ્કાર મળે છે
26 જાન્યુઆરીની પરેડ માટે દરરોજ અભ્યાસ દરમિયાન તથા ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન દરેક દળ આશરે 12 કિલોમીટરનું અંતર કાપે છે જ્યારે પરેડના દિવસે 9 કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. આટલી સરસ તૈયારી હોય તો ઇનામ મેળવવા કોણ ન ઇચ્છે! સમગ્ર પરેડના રસ્તા પર જજોને બેસાડવામાં આવે છે અને દરેક દળ પર અધધ...કહેવાય એવા 200 માપદંડોના આધારે ઝીણવટપૂર્વક નજર રાખવામાં આવે છે, જેના આધારે સર્વશ્રેષ્ઠ માચિંગ દળને પુરસ્કાર આપવામાં આવે છે. પરેડ દરમિયાન નાનામાં નાની ભૂલ અથવા મિનિટોના વિલંબને કારણે ભારે નુકસાન કે અવ્યવસ્થા ઊભી થઈ શકે છે.
રાઇફલમાં જીવતા કારતૂસ નથી હોતા
પરેડમાં ભાગ લેનારા સેનાના જવાનો દેશમાં જ બનેલી `ઇન્સાસ' રાઈફલ લઈને ચાલે છે જ્યારે વિશેષ સુરક્ષાબળના જવાનો ઇઝરાયેલમાં નિર્મિત `તેવોર' રાઇફલ લઈને ચાલે છે. પરેડમાં ભાગ લેનારા દરેક સૈનિકે ચાર સ્તરની સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડે છે. આ સિવાય તેમના દ્વારા લાવવામાં આવેલાં હથિયારોની પણ ખાસ તપાસ થાય છે અને ખાતરી કરવામાં આવે છે કે હથિયારમાં જીવતો કારતૂસ તો નથીને!
ટૅબ્લો આકર્ષણનું કેન્દ્ર
પરેડમાં શામેલ વિવિધ ઝાંખીઓ (ટૅબ્લો) પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે જેથી પરેડ જોવા આવનારા લોકો તેને જોઈ શકે. આશ્ચર્યની વાત એ છે કે દરેક ટૅબ્લોના ચાલક માટે એક નાનકડી બારી જેવી જગ્યા રાખવામાં આવી હોય છે જેમાંથી જોઈને તે પોતાનું વાહન આગળ ધપાવે છે. દેશનાં અલગ-અલગ રાજ્યો અને મંત્રાલયોના ટૅબ્લો હોય છે. તેના દ્વારા દેશની વિભિન્નતામાં એકતાનાં દર્શન થાય છે. તેમાં દેશની સાંસ્કૃતિક વિરાસત, ધરોહર, ઇતિહાસની સાથે ધાર્મિક માન્યતાઓ અને આધુનિક વિકાસની ઝલક પણ જોવા મળે છે.
ફ્લાઇપાસ્ટ
પરેડનો સૌથી રોમાંચક ભાગ છેલ્લે થતી `ફ્લાઇપાસ્ટ' હોય છે. આની જવાબદારી પશ્ચિમી વાયુસેના કમાન પાસે હોય છે. જેમાં સેનાનાં 41 લડાકુ વિમાનો ભાગ લે છે અને શક્તિપ્રદર્શન કરે છે. પરેડમાં શામેલ થનારાં વિવિધ વિમાન વાયુસેનાનાં અલગ અલગ કેન્દ્રો પરથી ઉડાન ભરે છે અને નિશ્ચિત સમયે રાજપથ પર પહોંચી જાય છે. દરેક ઉડાનની ખાસ થીમ હોય છે જે એક મેસેજ આપે છે.
પ્રથમ રાષ્ટ્રપતિ
ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસ એટલે કે 26 જાન્યુઆરી, 1950માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ભારતીય પ્રજાસત્તાકના બંધારણ પર હસ્તાક્ષર કર્યા હતા. જેની નોંધ માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં લેવામાં આવી હતી
પ્રથમ ભારતીય ગવર્નર
1950માં દેશના પહેલા ભારતીય ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી હતા. તેમણે 26 જાન્યુઆરીના દિવસે ભારતને પ્રજાસત્તાક જાહેર કર્યું. એ દિવસે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમને તોપોની સલામી આપવામાં આવી ત્યારથી તોપોની સલામી આપવાની પરંપરા બની ગઈ છે