• પેઢીનો ધંધો સબમર્સિબલ પમ્પ્સના ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવાનો હતો

  • વાર્ષિક રકમ મર્યાદાથી વધે તેઓએ GST કાયદા હેઠળ નોંધણી નંબર લેવો ફરજિયાત
  • પેઢી પચાવી પાડવાના ઈરાદાથી ભાગીદારને ધમકી આપવામાં આવી હતી

GST કાયદાની કલમ 22 મુજબ જે કોઈ વ્યક્તિનો કુલ વાર્ષિક ટર્નઓવર નિર્દિષ્ટ રકમ મર્યાદાથી વધે તેઓએ GST કાયદા હેઠળ નોંધણી નંબર લેવો ફરજિયાત છે. આ ઉપરાંત કલમ 24માં ઠરાવેલ વ્યવહારો માટે ટર્નઓવરની રકમ મર્યાદા વગર નોંધણી નંબર લેવો ફરજિયાત છે. કલમ 25(3)ની જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિ કાયદા હેઠળ નોંધણી નંબર લેવા જવાબદાર ન હોવા છતાં મરજિયાતપણે નોંધણી નંબર લેવા માગતા હોય તો તેઓ નોંધણી નંબર મેળવી શકે છે. કોઈ વ્યક્તિ ધંધો કરતી હોય અને કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવવા જવાબદાર હોય તેમ છતાં ભૂલથી નોંધણી નંબર રદ કરવા અરજી કરી દેવામાં આવે તેટલા જ કારણસર તેનો નોંધણી નંબર રદ ન કરવો જોઈએ તેવો ચુકાદો માન. ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઉમિયા પમ્પ્સ વિ. ગુજરાત રાજ્ય એસ.સી.એ. નંબર 2469 ઑફ 2023ના કેસમાં તા. 26-10-23ના રોજ તેના અગાઉના દિલીપકુમાર ચંદુલાલ અને બીજાઓ વિ. ગુજરાત રાજ્ય એસ.સી.એ. નંબર 4340 ઑફ 2022 ના કેસમાં તા.23-3-2022ના રોજ અપાયેલ ચુકાદો અનુસરીને આપવામાં આવેલ છે. આ ચુકાદાઓની માહિતી આ લેખમાં આપી છે.

તકરારના કારણે નોંધણી નંબર રદની અરજી આધારે નંબર રદ થયો

ઉમિયા પમ્પ્સના કેસની હકીકત એવી હતી કે પેઢીનો ધંધો સબમર્સિબલ પમ્પ્સના ઉત્પાદન કરીને તેનું વેચાણ કરવાનો હતો. પેઢીનો આ ધંધો ચાલુ હતો અને પેઢી GST કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવતી હતી. GST કાયદા હેઠળ પેઢી દ્વારા પત્રકો પણ ભરવામાં આવેલ હતા. એક વ્યક્તિ દ્વારા પેઢી પચાવી પાડવાના ઈરાદાથી ભાગીદારને ધમકી આપવામાં આવી હતી અને પેઢીની ચેક બુક અને ચોપડા ચોરી લેવામાં આવેલ હતા. પેઢીના હિસાબનીશના

ઇમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને કન્સલ્ટન્ટ દ્વારા કોઈ પણ પ્રકારની સત્તા વગર પેઢીની નોંધણી નંબર રદ કરવા માટેની અરજી કરવામાં આવી. આવી અરજીના આધારે પેઢીનો નોંધણી નંબર રદ કરવામાં આવ્યો. નોંધણી નંબર રદ કરતા આદેશ સામે પ્રથમ અપીલ કરી રજૂઆત કરવામાં આવી કે નોંધણી નંબર રદની અરજી કરવાની કોઈ પણ સત્તા વગર કન્સલટન્ટ દ્વારા આવી અરજી કરવામાં આવેલ હતી અને તેથી પેઢીનો ધંધો ચાલુ હોવાના કારણે નોંધણી નંબર રદનો આદેશ ગેરકાયદેસર છે. અપીલ અધિકારીના મત મુજબ નોંધણી નંબર રદ કરવા માટેની અરજી જે તે વ્યક્તિને આપવામાં આવેલ સત્તાના આધારે કરવામાં આવેલ હતી કે કેમ તેવો પ્રશ્ન અપીલમાં નક્કી કરી શકાય નહીં. પેઢીની અરજીના આધારે નોંધણી નંબર રદ કરવામાં આવેલ હતો અને તેથી નોંધણી નંબર રદ કરતા આદેશ સામેની પ્રથમ અપીલ નામંજૂર કરવામાં આવી. આથી માન. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી.

ઊભય પક્ષે રજૂઆત

પિટિશનર તરફે રજૂઆત કરવામાં આવી કે કલમ 30 હેઠળ જ્યારે અધિકારી દ્વારા સ્વયં કોઈ વ્યક્તિનો નોંધણી નંબર રદ કરવામાં આવે ત્યારે તેને પુનઃસ્થાપિત કરવા અરજી કરી શકાય છે. આ કેસમાં અધિકારીએ સ્વયં નોંધણી નંબર રદ કરેલ ન હતો પરંતુ પેઢીની ખોટી અરજીના આધારે નોંધણી નંબર રદ થયેલ છે અને તેથી કલમ 30 હેઠળ નોંધણી નંબર પુનઃસ્થાપિત કરવા અરજી થઈ શકતી નથી. આમ છતાં પેઢી દ્વારા આવી અરજી કરવામાં આવેલ હતી. આવા કેસોમાં જ્યારે કન્સલ્ટન્ટે સત્તા વગર નોંધણી નંબર રદ કરવા અરજી કરેલ હોય અને તેના કારણે નોંઘણી નંબર રદ થયેલ હોય ત્યારે તેવી વ્યક્તિ કોઈ પણ બચાવ કરી ન શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. આમ કન્સલ્ટન્ટ દ્વારા ખોટી રીતે નોંધણી નંબર રદ કરવા અપાયેલ અરજીના કારણે પેઢીને ભોગવવાનું આવે તેમ છે. સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે આવા કેસમાં નોંધણી નંબર પેઢીની અરજીથી રદ થયેલ હોઈ તેને પુનઃસ્થાપિત કરવા માટે કાયદામાં કોઈ જ જોગવાઈ નથી. નોંધણી નંબર રદની અરજી પેઢી દ્વારા તેના લોગીન આઇડી પરથી જ કરવામાં આવેલ હતી અને આથી અપીલ અધિકારીના આદેશમાં કશું જ ખોટું નથી.

અગાઉના ચુકાદાનો આધાર

આ કેસમાં નિર્ણય કરતી વખતે કોર્ટે તેના અગાઉના દિલીપકુમાર ચંદુલાલ અને બીજાઓ (ઉપર મુજબ)ના ચુકાદાનો આધાર લીધેલ છે. આ કેસની હકીકત એવી હતી કે પેઢીના કન્સલ્ટન્ટ HUFનો નોંધણી નંબર રદ કરવા માગતા હતા અને તેને બદલે ભૂલથી અરજીમાં માલિકી પેઢીનો નોંધણી નંબર આપવામાં આવેલ હતો અને તેથી માલિકી પેઢીનો નોંધણી નંબર રદ કરવામાં આવેલ. કોર્ટે જણાવ્યું કે આ કેસમાં કન્સલ્ટન્ટની ભૂલના કારણે માલિકી પેઢીનો નોંધણી નંબર રદ થયેલ. કોર્ટના મત મુજબ કન્સલ્ટન્ટની ભૂલના કારણે વેપારીને નોંધણી નંબર રદ થવા જેવી મોટી કિંમત ચૂકવવી પડે તે યોગ્ય નથી. અંતે કોર્ટે આઠ અઠવાડિયામાં માલિકી પેઢીનો નોંધણી નંબર રદ કરતો આદેશ પાછો ખેંચી અને અસલ નોંધણી નંબર પુનઃસ્થાપિત કરવા આદેશ કરેલ.

કોર્ટનો ચુકાદો

દિલીપકુમાર ચંદુલાલના કેસનો પોતાનો ઉપરોક્ત ચુકાદો અનુસરતા કોર્ટે ઠરાવ્યું કે ઉમિયા પમ્પ્સના કેસમાં પણ પિટિશનર દ્વારા નોંધણી નંબર રદ કરવા અરજી કરવામાં આવેલ ન હતી પરંતુ અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ ખોટી રમત કે જેના માટે પોલીસ ફરિયાદ કરવામાં આવેલ તેનો તેઓ ભોગ બનેલ હતા. અપીલ અધિકારીનું વલણ કે આવી ભૂલને અપીલમાં સુધારી ન શકાય તે યોગ્ય નથી. અંતે કોર્ટે પેઢીનો નોંધણી નંબર રદ કરતો આદેશ અને તેને મંજૂર રાખતો પ્રથમ અપીલનો આદેશ રદબાતલ ઠરાવીને પેઢીનો નોંધણી નંબર પુનઃસ્થાપિત કરેલ છે.


  • Follow us on: