- 1950માં આશા ભોસલેએ સૌપ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું. ફિલ્મ હતી `લગ્નમંડપ'
ગુજરાતી ફિલ્મોને પારિતોષિકોથી નવાજવામાં આવે છે ત્યારે હૈયું હિલોળા લે છે. નવા નવા વિષયોની ગુજરાતી ફિલ્મોને દર્શકો મોતીડે વધાવે છે ત્યારે છાતી ગજ ગજ ફૂલે છે. ગુજરાતી ફિલ્મોનાં ગીતો પૉપ્યુલર થાય છે ત્યારે આપણા કવિઓ-ગીતકારો, સંગીતકારો અને ગાયકો પર સર્વસ્વ ન્યોચ્છાવર કરી દેવાનું મન થાય છે.
ગુજરાતી ફિલ્મોનું ગીત-સંગીતવાળું પાસું પહેલેથી જ સશક્ત રહ્યું છે. એક લટાર મારીએ અતીતમાં.
હવે થોડાં થોડાં થાઓ વરણાગી, ઓ ભાભી તમે...આ ગીત કઈ ફિલ્મમાં હતું? રાખનાં રમકડાંને રામે, મારા રામે રમતાં રાખ્યાં રે... ગીત કોણે લખ્યું હતું? ચરર ચરર મારું ચકડોળ ચાલે..., કોણે ગાયું હતું? ભૂતકાળની મીઠી યાદોમાં ખોવાઈ જવાય એવા સવાલો છે. એના જવાબ રૂપે સુરતના હરીશ રઘુવંશીએ એક દળદાર સંદર્ભકોશનું સંપાદન કરી છેક 1995માં પ્રગટ કર્યો હતો : `ગુજરાતી ફિલ્મ ગીતકોશ'.
1948માં રતિભાઈ પુનાતરે એક ફિલ્મ બનાવી - `ગુણસુંદરી'. નિરુપા રોય અને મનહર દેસાઈ લીડ રોલમાં હતાં અને સાથે દુલારી, સરસ્વતી, બાબુ રાજે અને છગન રોમિયો પણ હતાં. ગીતકાર અને સંગીતકાર અવિનાશ વ્યાસની કારકિર્દીની એ પાંચમી ફિલ્મ હતી. સંગીતકાર તરીકેની એમની પ્રથમ ફિલ્મ 1947માં રિલીઝ થઈ – હોથલ પદમણી, ત્રીજી ફિલ્મ કૃષ્ણ સુદામાનાં ચાર ગીતો એમણે પોતે ગાયાં હતાં . `ગુણસુંદરી'નાં ખૂબ પ્રસિદ્ધ થયેલા ગીત `હવે થોડાં થોડાં થાવ વરણાગી... પછી અવિનાશ વ્યાસની કારકિર્દી જેટ સ્પીડે આગળ વધી. `ગુજરાતી ફિલ્મ ગીતકોશ' કહે છે કે 1994માં ઉપેન્દ્ર ત્રિવેદીએ `માનવીની ભવાઈ' બનાવી ત્યાં સુધી ગુજરાતીમાં કુલ 579 ફિલ્મો બની. જેની મૂળ પ્રિન્ટ જાન્યુઆરી, 2003માં પૂનાની ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટના આર્કાઈવ્ઝમાં લાગેલી આગમાં બળી ગઈ. આ 579 ફિલ્મોમાંથી અવિનાશ વ્યાસે કેટલી ફિલ્મમાં સંગીત આપ્યું? 195 ફિલ્મમાં. એમના દીકરા ગૌરાંગ વ્યાસે 81 ફિલ્મોમાં સંગીત આપ્યું. પિતાપુત્રની જોડીએ કુલ મળીને 276 ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. અંદાજે દર બીજી ગુજરાતી ફિલ્મ (1994 સુધીની)માં પિતા વ્યાસ કાં તો પુત્ર વ્યાસનું મ્યુઝિક રહ્યું છે.
ગુજરાતી ફિલ્મો વિશેની તમારી એક એવી છાપ છે કે મોટા ભાગે વીર માંગડાવાળો અને વીર પાઘડીવાળો જેવાં નામોની જ ફિલ્મો બને છે. 1994 સુધી `વીર' વિશેષણ ધરાવતી કુલ કેટલી ફિલ્મો ગુજરાતીમાં બની હશે? તમારો કોઈ પણ અંદાજ ખોટો પડશે. માત્ર સાત. 1961માં સૌથી પહેલાં `વીર રામવાળો' બની. બીજી ફિલ્મ `વીર ચાંપરાજવાળો' છેક 1975માં આવી. ત્રીજી ફિલ્મ 1976માં ફરી એક વાર `વીર રામવાળો' નામે બની. એ જ સાલમાં `વીર એભલવાળો' અને `વીર માંગડાવાળો' બની. 1985માં `વીર ભીમસેન' અને 1990માં `વીર બાવાવાળો' આવી. ધેટ્સ ઓલ.
1932થી 1994 સુધી બનેલી 579 ફિલ્મોમાંથી 314 ફિલ્મો, અડધોઅડધ કરતાં વધુ ફિલ્મો, 1976થી 1985ના દાયકા દરમિયાન બની. કારણ? સરકારી સબસિડીઓ, ગ્રાન્ટ અને મનોરંજન કરમાંથી શરૂમાં સો ટકાની મુક્તિ, પાંચ વર્ષ બાદ 70 ટકા મુક્તિ, પણ તમે જુઓ આ લીલા દુકાળ જેવા દાયકાની ગુજરાતી ફિલ્મોમાં જે ગીતો આવ્યાં તેમાંથી બહુ ઓછાં યાદ રહે એવાં બન્યાં છે. અગાઉ `ગુણસુંદરી'નાં ગીતો ઉપરાંત `મંગલફેરા' માટે અવિનાશ વ્યાસે લખેલું `રાખનાં રમકડાં' અને એ જ ફિલ્મનું બીજું એક ગીત `તાળીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે...ને લોકો હજુય યાદ કરે છે. એક આડવાત. `મંગલફેરા'માં સંવાદો કોણે લખ્યા હતા? વજુ કોટકે.
પન્નાલાલ પટેલની ખૂબ લોકપ્રિય બનેલી નવલકથા `મળેલા જીવ' પરથી 1956માં એ જ નામની ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું, જેમાં મન્ના ડેએ અવિનાશ વ્યાસના સંગીતમાં એમણે (અવિનાશ વ્યાસે) જ રચેલું આ ગીત ગાયું. : ચરર ચરર મારું ચકડોળ ચાલે...દેશી નાટક સમાજની યશસ્વી નાટ્યકૃતિ પરથી એ જ નામની ફિલ્મ બની `વડીલોના વાંકે', જેમાં મોતીબાઈએ પ્રભુલાલ દ્વિવેદીનું આ ગીત ગાયું : મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા...1950માં `દીવાદાંડી'નાં તમામ ગીતો જાણીતાં થયાં, જેમાં સૌથી જાણીતું થયું વેણીભાઈ પુરોહિત રચિત આ ગીત : `તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારા રૂપની પૂનમનો પાગલ એકલો...' સંગીત : અજિત મર્ચન્ટ અને કંઠ : દિલીપ ધોળકિયા.
1950માં આશા ભોસલેએ સૌપ્રથમ વાર ગુજરાતી ફિલ્મમાં ગીત ગાયું. ફિલ્મ હતી `લગ્નમંડપ'. ગઝલગાયક જગજિત સિંહે `બહુરૂપી' (1969)માં પહેલીવહેલી વાર ગુજરાતીમાં ગાયું, જ્યારે પ્રફુલ્લ દવેએ 1976માં `લાખો ફુલાણી' સાથે પાર્શ્વગાયનની દુનિયામાં પ્રવેશ કર્યો. ગીત હતું : મણિયારો તે હાલુ હાલુ થઈ રિયો રે...આ ફિલ્મથી ગૌરાંગ વ્યાસની સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ અને પત્રકાર દિગંત ઓઝાની ફિલ્મ નિર્માતા તરીકેની કારકિર્દી શરૂ તેમ જ પૂરી થઈ. 1960માં `મેંદી રંગ લાગ્યો' ફિલ્મ રિલીઝ થઈ. એનાં ગીતોએ ધૂમ મચાવી : `મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે...' `આ મુંબઈ છે જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે', `પાંદડું લીલું ને રંગ રાતો.' ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં. 1964માં કલ્યાણજી-આણંદજીના સંગીત અને બરકત વીરાણીનાં ગીતવાળી ફિલ્મ અખંડ સૌભાગ્યવતી આવી : `નજરનાં જામ છલકાવીને ચાલ્યાં ક્યાં તમે', `તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી...' આશા પારેખ હિરોઈન અને મનહર રસકપૂર દિગ્દર્શક.
કાંતિલાલ રાઠોડની `કંકુ' ઑફબીટ ફિલ્મ હતી. વેણીભાઈ પુરોહિતે આ ગીત એમાં લખ્યું, જે દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કર્યું : `મને અંધારાં બોલાવે,
મને અજવાળાં બોલાવે...' 1971માં ઉપેન્દ્ર ત્રિવેદીની સુપરહિટ `જેસલ તોરલ'નું આ ગીત જાણીતું થયું : `ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની...' વરસ પછી, 1972માં ઉપેન્દ્ર ત્રિવેદીએ મનુભાઈ પંચોળી `દર્શક'ની પ્રસિદ્ધ નવલકથા પરથી ફિલ્મ બનાવી `ઝેર તો પીધાં જાણી જાણી', જેનું આ ગીત વખણાયું : `નથી રે પીધાં અણજાણી, ઝેર તો પીધાં જાણી જાણી...' ગીત : અવિનાશ વ્યાસ. `સોનબાઈની ચૂંદડી' (1976) માટે આશિત દેસાઈ અને ફોરમ દેસાઈએ ગાયેલું અવિનાશ વ્યાસનું આ ગીત ખૂબ લોકપ્રિય થયું : `કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી...'
1979માં કાંતિ મડિયાની `કાશીનો દીકરો' ફિલ્મનાં ગીતો બહુ ખૂબસૂરત બન્યાં. ક્ષેમુ દિવેટિયાએ આ તમામ કવિઓની અદભુત સાહિત્યિક કૃતિઓને બરાબર નિખારી- રમેશ પારેખ : `ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલાં ઓછાં પડ્યાં રે લોલ / કમખે દોથો ભરીને કાંઈ ટાંક્યા ને આભલા ઓછાં પડ્યાં રે લોલ...',
બાલમુકુન્દ દવે : `કેવા રે મળેલા મનના મેળ, રૂદિયાના રાજા, કેવા રે મળેલા મનના મેળ...', રાવજી પટેલ : `મારી આંખે કંકુના સૂરજ આથમ્યા / મારી વેલ શણગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ...' આ ઉપરાંત નિમેષ દેસાઈની `નસીબની બલિહારી' (1982) માં રમેશ પારેખનું આ ગીત લેવાયું : `સાંવરિયો રે મારો સાંવરિયો , હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો / જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં, એવી લથપથ ભીંજાણી હું વહાલમાં...' ગાયિકા : આશા ભોસલે. આ તેમજ આવા સુખદ અપવાદ જેવાં બીજાં અડધોએક ડઝન ગીતો સિવાય મોટા ભાગના ટોચનાં ગુજરાતી કવિઓએ ફિલ્મ માટે ગીતો ન લખ્યાં અથવા એમણે લખેલાં ગીતો, ગઝલોનો ઉપયોગ ફિલ્મમાં થયો નહીં. `મરીઝ' અને `બેફામ'થી માંડીને સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેનાં કેટલાંક ઉત્તમ ગીતો, ઉર્મિકાવ્યો તથા ગઝલ સુગમ સંગીતના કલાકારોએ ખૂબ લોકપ્રિય બનાવ્યાં પણ ગુજરાતી ફિલ્મોમાં એનો ભાગ્યે જ ઉપયોગ થયો. અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસની સામે ક્ષેમુ દિવેટિયા જેવા ભારોભાર સર્જકતા ધરાવતા સંગીતકારને કેટલી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપવા મળ્યું? એક જ : `કાશીનો દીકરો'. આવા જ બીજા એક સંગીતકાર દિલીપ ધોળકિયાએ કેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું? માંડ એક ડઝન, પુરુષોત્તમ ઉપાધ્યાયે પણ બાવીસ ફિલ્મોમાં સંગીત આપ્યું જ્યારે મહેશકુમાર ઍન્ડ પાર્ટીવાળા મહેશ–નરેશની જોડીને બાવન ફિલ્મો મળી. ગુજરાતી ફિલ્મોના નિર્માતા–દિગ્દર્શકોએ ગીત–સંગીત માટે ગુણવત્તાને બદલે કયાં ધોરણો અપનાવ્યાં હશે, કોને ખબર ? અવિનાશ વ્યાસે અગાઉ જેનો નિર્દેશ થયો તે જાણીતાં ગીતો ઉપરાંત `માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો...' તથા `મારા રામ તમે સીતાજીની તોલે ન આવો...' વગેરે ખૂબ લોકપ્રિય થયેલાં ગીતો લખ્યાં, તો ક્યારેક `મારી વેણીમાં ચાર ચાર ફૂલ...'ની પૅરડી કરીને એમણે આવું પણ લખવું પડ્યું : `મારી બાયડીમાં ચાર ચાર ભૂલ, હઠીલી એવી કે કરે ના એકે કબૂલ...!' હિંદી ફિલ્મોમાં બરેલીના બજારમાં જે ઝૂમખો ગિર્યો તે અવિનાશે વ્યાસે `રાણકદેવી' (1973) ફિલ્મમાં પણ ગિરાવ્યો : `ઝૂમખું ખોવાયું છે જૂનાગઢના ગામે...' જોકે, હિંદી ફિલ્મોમાં ઓયે ઓયે કરીને કરીને વિજુ શાહ અને આનંદ બક્ષીએ તિરછી ટોપીવાલા ભોલાભાલા બાબુને પોપ્યુલર કર્યા એના પહેલાં `ચૂડી ચાંદલો' (1979) માં અવિનાશ વ્યાસ લખી ગયા : `હે વાંકી ટોપીવાળા, હે મોહનભાઈ મુછાળા...'
1975થી 1985ના ગાળામાં ફિલ્મો માટે ખાસ લખાવી, સ્વરબદ્ધ કરીને ગીતને લોકપ્રિય બનાવવાનો કઠણ માર્ગ પડતો મૂકીને નિર્માતા-દિગ્દર્શકો અને સંગીતકારોએ પરંપરાથી વાગતાં આવેલાં કે લોકગીત સમાન બની ગયેલાં ગીતો અને એ જ ધૂનો પર મોટો આધાર રાખ્યો. આ તમામ ગીતો આજેય સાંભળો તો પગ થરકવા માંડે અને હોઠ ગુનગુનાવા માંડે : `હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો...', `સોના વાટકડી રે, કેસર ઘોળ્યા વાલમિયા...' (બંને `ભાદર તારાં વહેતાં પાણી' : 1976), `વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં...' (`ચૂંદડીનો રંગ' : 1976), `રંગતાળી રંગતાળી રંગતાળી રે, રંગમાં રંગતાળી...' અને `વાગે છે રે, વાગે છે વનરાવન મોરલી વાગે છે...' (બંને `માલવપતિ મુંજ' : 1976), `રંગે રમે આનંદે રમે...' (`શામળશાનો વિવાહ' : 1976) `ઘોર અંધારી રે, રાતલડીમાં નીસર્યા...' (`ભ્રષ્ટાચાર મુર્દાબાદ' : 1977), `મુને એકલી મેલીને રમે તું રાસ...' (`હલામણ જેઠવો' : 1977), `છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો...' (`સોન કંસારી' : 1977), `કચ્છમાં અંજાર રૂડા શહેર છે હો જી રે...' (`પાતળી પરમાર' : 1978).
`કંકુ', `કાશીનો દીકરો' કે `હું, હુંશી, હુંશીલાલ' જેવી ફિલ્મો ગુજરાતીમાં દાયકે માત્ર એક વાર બનતી હોય છે. ગુજરાતીમાં આર્ટ ફિલ્મો બને કે ન બને, સારી કમર્શિયલ ફિલ્મો બનવી જોઈએ. દિગ્દર્શન, અભિનય, વાર્તા અને સંગીતના વિભાગો મજબૂત હોય એવી ગુજરાતી ફિલ્મો 579માંથી કેટલી? ડઝન બે ડઝનથી વધુ નહીં.
વાચકો માટે આ પુસ્તકમાં ટૉપ હન્ડ્રેડ ગુજરાતી ગીતો આખેઆખાં આપ્યાં હોત તો જલસો પડી જાત. તમામ ગીતોની કક્કાવાર સૂચિ આપી હોત તો વાચકને મહેનત વિના ખબર પડી જાત કે આ બે લોકપ્રિય ગીતો ગુજરાતી ફિલ્મનાં છે કે સુગમ સંગીતનાં? અને ફિલ્મનાં હોય તો તે કઈ ફિલ્મનાં : `ઓ નીલ ગગનનાં પંખેરું, તું કાં નવ પાછો આવે...' અને `પંખીડાને આ પીંજરું જૂનું જૂનું લાગે, બહુયે સમજાવ્યું તોયે પંખી નવું પીંજરું માગે...'
તાજા કલમ : ગુજરાતી નાટકો અને ફિલ્મોના મોબાઈલ એન્સાઈક્લોપીડિયા નિરંજન મહેતા સ્ટોપ પ્રેસ કરાવીને જણાવે છે કે `ઓ નીલ ગગનના પંખેરું...' મુકેશે ગાયેલું, એચએમવીની પ્રાઈવેટ રેકૉર્ડ માટે. અને આ ગીત લખનાર રમેશ ગુપ્તાએ 1980માં આ જ નામથી ફિલ્મ બનાવી, પણ રિલીઝ ન થઈ. જ્યારે `પંખીડાને આ પીંજરું...' ગીત અવિનાશ વ્યાસે લખ્યું અને સ્વરબદ્ધ કર્યું. આ પણ એક બિનફિલ્મી ગીત છે.










