• સામાન્ય માણસ માટે વર્ષમાં એક જ વાર ગુરુપૂર્ણિમા આવે, પણ મારા જીવનમાં તો પ્રત્યેક દિવસ ગુરુપૂર્ણિમા!

ખરેખર તો ગુરુ બનવાની પ્રેરણા મને પત્નીએ આપી. જી હા, મારી ખુદની પત્નીએ! એક દિવસ ખબર નહીં કાળ ચોઘડિયે અમે બંને જણાં વહેલી સવારે ચા સાથે હીંચકો ખાઈ રહ્યાં'તાં, ત્યારે એણે ધડાકો કર્યો.

ના, એને પેટની કોઈ ગરબડ નથી, પણ ધડાકો એટલે... અણધાર્યો પ્રશ્ન કર્યો. `લગ્નનાં આટલાં વર્ષો થયાં, મારા નામને લોકો યાદ રાખે એવું એક પણ કામ તમે કર્યું? પેલો શાહજહાં રાજા હતો તોય પત્નીનું કહ્યું માનીને એને અમર કરવા તાજમહાલ બંધાવ્યો કે નહીં?' હવે તમે જ કહો, પરણેલો કયો પુરુષ આવું સાંભળીને ઢીલો ન થઈ જાય?

આમેય હું નાનપણથી જ ઢીલો તો ખરો! કોઈને ના નથી કહી શકતો. `ના' નહીં કહી શકવાની ઢીલાશને કારણે તો હું લગ્ન કરી બેઠો. બાકી, જાણીજોઈને કુહાડા પર પગ મારવા કોઈ જાય? પણ ખરેખર, ધાર્યું ધણીનું થાય છે! વાઇફનું કહ્યું માનીને છેવટે મેં ગુરુ બનવાનું નક્કી કર્યું. તમને થશે કે વાઇફે પોતાના હસબન્ડને ગુરુ બનાવવાનો કેમ આગ્રહ રાખ્યો હશે? સાચું કહું, મને પણ પહેલાં તો આવો - તમે કર્યો એવો બુદ્ધિગમ્ય સવાલ થયો'તો, પણ પછી એણે જ મને થયેલા સવાલનું સોલ્યુશન લાવતાં કહ્યું, "તમારે મારા નામને સાર્થક અને તમારા કામને ઇતિહાસમાં અમર કરવું હોય તો તમે આજથી જ મારા ગુરુ બની જાવ... મારું નામ પૂર્ણિમા તો છે જ! તમે ગુરુ અને હું પૂર્ણિમા. થઈ ગયાંને આપણે `ગુરુપૂર્ણિમા!' હવે તમે જ કહો, ઘૈડિયાં કહી ગયાં છે કે ધાર્યું ધણીનું થાય એ કંઈ ખોટું છે? એ લોકોએય અનુભવને આધારે જ એવું કહ્યું હશેને? બસ, એ ઘડી ને આજનો દી', હું બની ગયો ગુરુ!

પહેલાં તો મેં પાર્ટટાઇમ ગુરુ બનવાનું વિચારેલું, પણ પછી થયું કે બાવાના બેય બગડશે, એટલે ફુલ ટાઇમ ગુરુ બની ગયો. હું કોઈ મર્યાદિત ક્ષેત્રનો ગુરુ, વર્સેટાઇલ ગુરુ બનવા જ નિર્માયો હોઈશ એવું મારો આત્મા મને વારંવાર ઢંઢોળીને કીધા કરે છે. આત્માએ તો એવી પણ ટકોર કરેલી કે હે મહાત્મા, તું જો લવગુરુ બન્યો હોત તો કેટકેટલા યુવકોના નિસાસા લીધા હોત? તું જો મેનેજમેન્ટ ગુરુ બન્યો હોત તો કેટકેટલી કોર્પોરેટ કંપનીઓ બંધ કરાવ્યાનું પાપ વહોર્યું હોત? તું જો કોઈને માટે ફાઇનાન્સ ગુરુ બન્યો હોત, તો `ફાઇનાન્સરો'ને જ તેં લોનની અરજીઓ કરતાં કરી દીધા હોત. માટે હે મહાત્મા, અમુકતમુક લોકોની બદદુઆઓ લેવાને બદલે સર્વજન સમુદાયની દુઆ મેળવવા માટે જનરલ મતલબ કે મલ્ટિપર્પઝ મતલબ કે બહુહેતુ ગુરુ બની જા. આત્માનો અવાજ તો સાંભળવો જ પડે ને? અને એ મુજબ હું બની ગયો વર્સેટાઇલ ગુરુ. (એક સ્પષ્ટતા: સમજુ અને કેળવાયેલા તેમજ પત્નીનો સંપૂર્ણ ઉછેર પામેલા પતિરાજ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે પોતાની પત્નીઓના અવાજને જ `આત્માનો અવાજ' કહી સુખી લગ્નજીવનનું દર્શન કરાવતા હોય છે.)

મારી પહેલી શિષ્યા પૂર્ણિમા બની. ગૃહસ્થ જીવનની દૃષ્ટિએ ભલે એ મારી વાઇફ હોય, મતલબ કે ગુરુ હોય, પણ સમાજની દૃષ્ટિએ એ મારી પ્રથમ શિષ્યા! ઘર ઘરમાં હવાની જેમ વાત ફેલાવા માંડી કે પૂર્ણિમાબહેન કેવાં નસીબદાર કે એમને ખુદના હસબન્ડ જ ગુરુ તરીકે મળી ગયા! સ્પર્ધાભાવ એ કોઈ પણ વ્યક્તિનો આગવો ગુણ છે. મોટા ભાગની પત્નીઓ પોતપોતાના પતિરાજોને સંભળાવવા લાગી, "જોયું, પંડ્યાભાઈનું જીવન કેવું તપસ્વી અને પવિત્ર હશે કે એમના જ વાઇફે એમને ગુરુપદે સ્વીકારી લીધા, જ્યારે તમે? આમતેમ ડાફેરિયાં મારવામાંથી જ ઊંચા નથી આવતા.'' એક પત્નીએ તો પોતાના પતિને અલ્ટિમેટમ પણ આપી દીધું, "સાંભળો છો? મારે ગુરુ કરવા છે.'' ત્યારે પેલા પતિએ હસતાં હસતાં કહ્યું, "મારે પણ ગુરુ કરવા છે બોલ!'' અને તરત જ પત્નીએ ગંભીર થઈને કહ્યું, "પરણેલા પુરુષના જીવનમાં બબ્બે ગુરુ ન હોય એટલું તો જરા હમજો.''

સામાન્ય માણસ માટે વર્ષમાં એક જ વાર ગુરુપૂર્ણિમા આવે, પણ મારા જીવનમાં તો પ્રત્યેક દિવસ ગુરુપૂર્ણિમા!

ગુરુ બન્યા પછી મારી તંદુરસ્તી સુધરવા માંડી. ચહેરા પર પહેલાં ફિક્કાશ લાગતી'તી. હવે ચહેરો લાલબુંદ જેવો થઈ ગયો છે. સેન્ટ પરસેન્ટ સંસારીના ઘરમાં ન હોય, એવાં સુખ-સગવડતાનાં સાધનો મારા ઘરમાં જમા થવા માંડ્યાં છે. એક એવોય જમાનો હતો કે શિષ્યો પોતાના ગુરુને દક્ષિણામાં ક્યાં તો રૂપિયો-બે રૂપિયા આપતા ક્યાં તો દાળ-ચોખા સાથે ઘી-ગોળનું સીધું આપતા, પણ આજે એવું નથી. આજનો ગુરુ એકવીસમી સદીનો ગુરુ છે. શિષ્યોની સઘળી સમસ્યાઓનો ઉકેલ એણે ચપટી વગાડતામાં જ એટલે કે ઇન્સ્ટન્ટ શોધી આપવો પડે છે અને એટલા માટે એણે એક કરતાં અનેક મોબાઇલ પણ રાખવા પડે છે. શિષ્યની મૂંઝવણ ઇન્સ્ટન્ટ દૂર કરવામાં ન આવે તો શિષ્ય તરત જ બીજા ગુરુ પાસે પહોંચી જાય. આવી દુર્ઘટના ન બને એટલા માટે જ મારે ક્ષણ ક્ષણ જાગ્રત રહેવું પડે છે.

મેં ક્યારેય રાજા હરિશ્ચંદ્ર કે મહાત્મા ગાંધી બનવાનો અટકચાળો નથી કર્યો ને તેમ છતાં સત્ય મારો પીછો નથી છોડતું. આ ઘડીએ પણ હું સત્યનો શ્વાસ ભરીને જ કહીશ કે સાચો શિષ્ય જ સાચો ગુરુ બની શકે. જગતની નજરે હું મારી વાઇફનો ગુરુ હોઈશ, પણ કોઈ મારી નજરે તો મને જુઓ! બહારથી લાગતા ગુરુને અંદરથી કેવા શિષ્યભાવે જીવવું પડે છે એનો છે કોઈ જવાબ? નથી લાગતું કે કેટલાક સવાલો હોય છે જ લાજવાબ!

સુગરક્યૂબ :

- જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે તમે કોઈ ને કોઈ ઝાડ નીચે જ કેમ ઊભા રહો છો?

- પુલનો શું ભરોસો?


  • Follow us on: