પર્યટકો હંમેશાં એવી જગ્યામાં ફરવાનું વધુ પસંદ કરે છે, જ્યાં તેઓ મુક્તમને ચાલી શકે અને ફરી શકે. અલબત્ત, આસપાસ કોઇ જ પ્રકારનાં વાહનો કે તેનો શોરગુલ ન હોય. વિશ્વમાં ખૂબ જ ઓછી એવી જગ્યા છે જ્યાં માત્ર ચાલીને જ માર્કેટ ફરી શકાતું હોય છે. જોકે, જર્મનીમાં આવેલ મ્યુનિખ શહેરને મોસ્ટ ફર્સ્ટ વોકેબલ સિટી તરીકે બિરદાવવામાં આવ્યું છે. આ શહેરની 16 લાખ માણસોની આબાદીમાં 86% લોકો કારમુક્ત જગ્યાઓથી માત્ર એક કિમીના અંતરે રહે છે. તેમજ 85% લોકો હોસ્પિટલો અને સ્કૂલોની નજીકમાં જ રહે છે, જેથી સાબિત થાય છે કે મ્યુનિખ વોકેબલ પિપલ માટે ખૂબ જ સુવિધાનક છે. વધુમાં મ્યુનિખમાં ઐતિહાસિક જગ્યાઓ અને અન્ય નામાંકિત ઈમારતોની મુલાકાત લેવા માટે પણ પર્યટકો અને અહીંના લોકો ચાલીને જ જવાનું પસંદ કરે છે. દુનિયાભરના પર્યટકો આ શહેરમાં ચાલીને ફરવાનો વિશેષ લહાવો લેવા આવતા હોય છે. એક રીતે વાહનોના ઘોંઘાટ કે વાહનો વિનાના રસ્તાઓની કલ્પના હકીકતમાં અહીં જોવા મળે છે. નોંધનીય છે કે જર્મનીના આ મ્યુનિખ શહેરે પેરિસ તેમજ મિલાન જેવાં મોટાં શહેરોને પણ પછાડી દીધાં છે. ચાલવાથી શરીરને ઘણા ફાયદા થાય જ છે, તેથી મ્યુનિખ વોકેબલ સિટીથી હેલ્ધી સિટીની તૈયારીમાં લાગી ગયું છે એમ ચોક્કસ કહી શકાય.

આ દેશમાં પતિ-પત્ની ડિવોર્સ નથી લઇ શકતાં

અત્યારે આપણી આસપાસ ડિવોર્સ લીધેલા કેટલાક કેસ જોવા મળતા હોય છે. ન્યૂઝ પેપર, ન્યૂઝ ચેનલ્સમાં પણ મોટાભાગની સેલિબ્રિટીઓના ડિવોર્સના ન્યૂઝ જોવા, સાંભળવા મળતા હોય છે. ડિવોર્સનાં મુખ્ય કારણોમાં અણબનાવ, વિખવાદ, અફેર કે અન્ય ઘટનાઓ ભાગ ભજવતી હોય છે, જેથી આગળ જઇને કાનૂની પ્રક્રિયા દ્વારા ડિવોર્સ લેવાતા હોય છે. જે માટે દરેક દેશના થોડાક અલગ અલગ કાનૂન હોય છે, પરંતુ દુનિયામાં ફિલિપાઇન્સ એકમાત્ર એવો દેશ છે જ્યા પતિ-પત્ની ડિવોર્સ લઇ શકતાં નથી. જોકે, આ નિયમ માત્ર ઈસાઇ ધર્મમાં માનતા લોકો માટે જ છે. મૂળ ફિલિપાઇન્સ કેથોલિક દેશોના સમૂહનો એક ભાગ છે અને કેથોલિક ચર્ચના પ્રભાવના કારણે જ આ દેશમાં ડિવોર્સને લઇને કોઇ જોગવાઈ નથી. વર્ષ 2015માં જ્યારે પોપ ફિલિપાઈન્સ ગયા હતા ત્યારે ત્યાંના ધર્મગુરુઓને અપીલ કરી હતી કે ડિવોર્સ માટે થોડી સહાનુભૂતિ રાખવી જોઇએ, પરંતુ ફિલિપાઇન્સમાં `છૂટાછેડા લીધેલા કેથોલિકો' હોવું એ અપમાનજનક માનવામાં આવે છે. ફિલિપાઈન્સના ઈસાઇ ધર્મગુરુએ પોપ ફ્રાન્સીસની વાતને માની નહીં. ફિલિપાઇન્સના લોકો ડિવોર્સ ન લઇ શકાય તેવી બાબતને ગર્વ માની રહ્યા છે.

એંસી વર્ષે ડિગ્રી મેળવ્યાની ખુશી!

ભણવાની કે શીખવાની કોઇ જ ઉંમર હોતી નથી. તમે કોઇ પણ વયે કોઇ પણ સ્થળે બેશક ભણી જ શકો છો. એ વાતને 80 વર્ષની જૈફ વય ધરાવતા લિનવુડ રિડિકે સાબિત કરી દીધી છે. તેમણે સાઉથ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાંથી મ્યુઝિકમાં બી.એ.ની ડિગ્રી હાંસલ કરીને વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી દીધી છે. તેમણે આ ડિગ્રી હાંસલ કરતાં જણાવ્યું હતું કે, સેનામાં ભરતી થવા (વિયેતનામ યુદ્ધ) માટે મારે મારો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો અને પછી અન્ય કામના ભારણે અને સંજોગવશાત્ ભણી શકાયું ન હતું, પરંતુ મારા ઘર સાઉથ કેરોલિનાથી હું 60થી 65 મિનિટ ડ્રાઇવ કરીને ઓરેન્જબર્ગ ભણવા જતો હતો. હાલમાં લિનવુડ દુનિયાભરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. તેમણે જ્યારે યુનિવર્સિટીમાં સૌની સામે ડિગ્રી હાંસલ કરી ત્યારે તેમના સન્માનમાં સૌ વિદ્યાર્થી અને પ્રોફેસરોએ ઊભા થઇને તાળીઓના ગડગડાટ સાથે તેમને અને તેમની ડિગ્રીને વધાવ્યા હતા. ડિગ્રી હાંસલ કર્યા બાદ તેમણે વિદ્યાર્થીઓ અને અભ્યાસવાંચ્છુઓને જણાવ્યું હતું કે, જો હું કરી શકું છું તો તમે પણ કરી શકો છો. જો તમે પ્રયાસ કરશો તો આ અસંભવ નથી જ.