આયુર્વેદીય મત પ્રમાણે ઊંઘ ન આવવાનાં મુખ્ય કારણોમાં `વાયુ' અને `પિત્ત'ની વૃદ્ધિવાળા રોગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઊંઘ ન આવવામાં મનનો સંતાપ એવં માનસિક તણાવ, ટેન્શન, સંઘર્ષ, અંતરદ્વંદ્વ અને આઘાત જેવી માનસિક સ્થિતિઓને પણ કારણભૂત ગણાવાય છે.

અહીં અનિદ્રાના દર્દીએ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે, `વાયુ'ના અને `પિત્ત'ના પ્રકોપથી થતા બધા જ રોગોમાં અનિદ્રા હોય જ છે એમ નથી, પરંતુ અનિદ્રાનાં કારણોમાં પ્રાયઃ વેદના અથવા શૂળ(દુખાવા)ની અધિકતા હોય એવા જ વાતજન્ય રોગની ગણતરી થાય છે. જેવા કે રાંઝણ એટલે કે સાયટિકા, પિંડીઓની કળતર (દુખાવો), ઉદાવર્ત, છાતીમાં પીડા, કર્ણશૂળ, દંતશૂળ, લલાટશૂળ, આક્ષેપક, મૂત્રકષ્ટ, શ્વાસકષ્ટ, મૂત્રાધિક્ય વગેરે. આ રોગોમાં કષ્ટ એટલે કે દુખાવો પ્રધાન લક્ષણ રૂપ હોય છે. વાયુની વૃદ્ધિ(પ્રકોપ) વગર દુખાવો થાય નહીં. એટલે વાયુના પ્રકોપથી ઉત્પન્ન થતી અનિદ્રાના ઉપચારમાં વાતશામક ઔષધોનું વિશેષ મહત્ત્વ રહે છે.

આવી જ રીતે પિત્તજન્ય રોગોમાં જેવા કે જ્વર(તાવ), કમળો, દાહ, અંતર્દાહ, અમ્લપિત્ત વગેરેમાં પણ પિત્તજન્ય દાહ(બળતરા) અને ઊલટીઓને લીધે અનિદ્રા ઉત્પન્ન થાય છે, જેમાં પિત્તશામક ઉપચારોથી લાભ થાય છે.

મનનો સંતાપ પણ આ સંદર્ભમાં માનસિક તાણ, દ્વંદ્વ અથવા અંતરદ્વંદ્વ અથવા સંવેદાત્મક સંકટ વગેરે પરિસ્થિતિનો જ બોધક છે. ભય, ક્રોધ, ચિંતા, ઈર્ષા, દ્વેષ, લાલચ, મોહ વગેરે બધા મનોભાવોનો આમાં સમાવેશ થઈ જાય છે. શારીરિક ધાતુઓનો ક્ષય પણ અનિદ્રા ઉત્પન્ન કરે છે. શારીરિક ધાતુઓમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર અને ઓજ વગેરેમાંથી કોઈ એકનો પણ ક્ષય(હ્રાસ) અનિદ્રાનું કારણ બની શકે છે.

અનિદ્રાના ઉપચારમાં આયુર્વેદિક ગ્રંથોમાં દૈહિક અને મનોવિજ્ઞાનિક એમ બંને પ્રકારની ચિકિત્સાનો ઉલ્લેખ કરેલો છે.

દેહિક ઉપચારમાં ભેંસનું દૂધ અભિષ્યંદિ હોવાથી ઉત્તમ પરિણામ આપે છે. અભિષ્યંદિ એટલે સ્રોતોનો (શરીરની અંદરના સૂક્ષ્મ માર્ગોનો અવરોધ કરનાર). ભેંસનું દહીં પણ નિદ્રાપ્રદ છે. આ ઉપરાંત શેરડીની બનાવટો, જૂના ચોખા, અડદની બનાવટો, મદ્ય અને માદકદ્રવ્યોના સેવનનું વિધાન છે. દ્રાક્ષાસવ, અશ્વગંધારિષ્ટ વગેરે આસવ-અરિષ્ટો પણ જો યુક્તિપૂર્વક પ્રયોજાય તો ઉત્તમ પરિણામ આપે છે.

આ ઉપરાંત બાહ્ય ઉપચારમાં માથાની તથા પગના તળિયાની મૃદુ હાથે માલિશ (ગાયના ઘીથી), ઋતુ પ્રમાણેનાં સુગંધિત દ્રવ્યોથી સ્નાન, કાન તથા નેત્રોમાં તર્પણ, સાનુકૂળ વાતાવરણમાં સુખશય્યા(પથારી)નો પ્રબંધ, સંવાહન (માથું, હાથ, પગ, પીઠ વગેરેને દબાવવા) પણ ઊંઘ લાવવામાં સહાયક બને છે.

અષ્ટવર્ગ તથા જેઠીમધ વગેરે જીવનીય ગણના ઔષધ દ્રવ્યોથી સિદ્ધ ઘૃત-ઘી તેની ઉચિત માત્રામાં પીવાથી પણ ઊંઘ સારી આવે છે.

ઊંઘ લાવનાર મનોવૈજ્ઞાનિક ઉપચારોમાં સુખદાયક વ્યક્તિનો સ્પર્શ અને સહાનુભૂતિ તથા ચિત્તવૃત્તિ (સ્વભાવ)ને સમજનાર પ્રિયજન સાથે સમયાનુકૂળ વાર્તાલાપ, પ્રેમ, નિશ્ચિંતતા, સફળતા, પુરસ્કાર તથા મનને અનુકૂળ સુગંધ, સંગીત વગેરેનો સમાવેશ થાય છે. આમ છતાં `મનની શાંતિ' એ ઊંઘ લાવનાર ઉપચારોમાં સૌથી ઉત્તમ છે. એ વિશે વધારે લખવાની જરૂર જણાતી નથી.