અસ્થમા એ શ્વાસનળીનો રોગ છે. સામાન્ય રીતે લોકો તેને દમના નામથી પણ ઓળખે છે. અસ્થમામાં શ્વાસનળીમાં સોજો આવવાથી શ્વાસનળીનું સંકોચન થાય છે અને તેને કારણે દર્દીને શ્વાસ લેવા સહિતની તકલીફો થતી હોય છે. અસ્થમા રોગની સૌથી મહત્ત્વની બાબત એ છે કે તે સંપૂર્ણ રીતે મટી શકતો નથી, પરંતુ યોગ્ય સારવારથી તેને અંકુશમાં જરૂર રાખી શકાય છે. અસ્થમા બાળપણથી થઈ શકે છે. બાળપણમાં તેનાં ચિહ્નો દેખાય અને મોટા થઈને આ ચિહ્નો ઓછાં થઈ જાય છે અથવા યથાવત્ પણ રહે છે. આ સિવાય ઘણી વખત મોટી ઉંમરે અસ્થમાનાં લક્ષણો-તકલીફની શરૂઆત થઈ શકે છે.


લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ થવી

સૂકી ઉધરસ આવવી.

સસણી એટલે દર્દીના શ્વાસોશ્વાસ (સિસોટીના અવાજ સ્વરૂપે) આસપાસ સંભળાય જેને Wheezing કહે છે.

ઘણી વાર છાતી પર ભાર લાગે છે.

અસ્થમાના સિવિયર એટેકમાં-શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ એવા સ્નાયુઓનું ફૂલી જવું.

કારણો

અસ્થમાનું સૌથી મુખ્ય કારણ એલર્જી હોય છે. એલર્જીનાં મુખ્ય કારણોમાં અમુક પ્રકારનો ખોરાક અને પ્રિઝર્વેટિવ્સ, ધૂમ્રપાન, ધુમાડો, પ્રદૂષણ, પરફ્યૂમ, પાલતુ પ્રાણીઓનો સંસર્ગ કે મળ-મૂત્ર વગેરે કારણો જોવા મળ્યાં છે.

વાતાવરણમાં ફેરફાર અને ભેજનું પ્રમાણ વધવાથી પણ અસ્થમા થવાની શક્યતા રહે છે.

ચેપ એટલે કે ઈન્ફેક્શન જેમ કે, શરદી, ઉધરસ વગેરે. સાઈનસના ઈન્ફેક્શનને કારણે પણ અસ્થમાની તકલીફ વધી શકે છે.

અસ્થમા આનુવાંશિક પણ હોઈ શકે છે, જે પેઢી દર પેઢી હોઈ શકે છે.

એસિડિટીને કારણે પણ અસ્થમાની તકલીફ વધવાની શક્યતા રહે છે.

આજના આધુનિક સમયમાં વધુ પડતા માનસિક તણાવને લીધે પણ અસ્થમાની તકલીફ વધવાની શક્યતા રહે છે.

ઘણી વખત અમુક દવાઓ જેમ કે, એસ્પિરીન, NSAID (પેઈન કિલર) લેવાથી પણ સંવેદનશીલ દર્દીઓમાં અસ્થમાની તકલીફ થવાની શક્યતા રહે છે.

સારવાર

અસ્થમાના દર્દીને રોગ વિશેનું જ્ઞાન, કયાં કારણોથી તેની તકલીફ વધી શકે અને તેનાથી બચવા માટેના ઉપાયની સમજ એ સારવારનો મુખ્ય આધારસ્તંભ છે.

અસ્થમામાં મુખ્યત્વે (lnhaled Medications) સારવાર આપવામાં આવે છે. આ દવા સીધી ફેફસાંમાં (શ્વાસનળીમાં) પહોંચીને ફાયદો કરે છે, તેથી અસર જલદી થાય છે અને દવાની માત્રાની જરૂરિયાત પણ ઘટી જાય છે.

અસ્થમાની તકલીફ જેના કારણે વધે છે તેવાં કારણોને કાબૂમાં રાખવા અથવા તેનાથી દૂર રહેવું. જેમ કે, ચોક્કસ ખોરાકની એલર્જી હોય તો તે ખાવાનું ટાળવું. ઘરમાં પાલતુ પ્રાણી હોય અને તેની એલર્જી હોય તો તેને પોતાનાથી દૂર રાખવું વગેરે.

અસ્થમાના દર્દીઓનો શ્વાસનળીમાં આવેલો સોજો ઓછો કરવા માટે ઈનહેલ્ડ સ્ટીરોઈડ આપવામાં આવે છે, જે લાંબો સમય લેવી પડી શકે. જ્યારે શ્વાસનળીના સંકોચનને ઓછું કરવા માટે ઈનહેલ્ડ બ્રોન્કોડાઈલેટર આપવામાં આવે છે, જે ટૂંકા ગાળા માટે લેવાનું હોય છે.

સિવિયર એટેક આવ્યો હોય તેવા દર્દીઓને ટૂંકા ગાળા માટે ઓરલ સ્ટીરોઈડ પણ લેવાની જરૂર પડતી હોય છે, જે એક વખત તકલીફ અંકુશમાં આવી જાય પછી બંધ પણ કરી દેવાય છે.

જે દર્દીઓને lnhaled (શ્વાસોશ્વાસ) અથવા ઓરલ સ્ટીરોઈડ લેવાના થાય તેમને સામાન્ય રીતે લાંબા ગાળે કેલ્શિયમની ઊણપ ઊભી ન થાય તે માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ સાથે આપવા હિતાવહ રહે છે.

lnhaled (શ્વાસોશ્વાસ) સ્ટીરોઈડને કારણે લાંબા ગાળે મોઢામાં સફેદ પડ થવાની શક્યતા રહેતી હોય છે. આવા દર્દીઓએ નિયમિત રીતે દવા લઈને કોગળા કરવા જરૂરી છે અથવા lnhaled (શ્વાસોશ્વાસ) મેડિકેશન સ્પેસર ડિવાઈસ સાથે લેવું સલાહભર્યું છે.


  • Follow us on: