આહાર દ્રવ્યોનો રસ(સ્વાદ)ની સાથે વિશેષ સંબંધ હોવાથી તેમજ શરીર પર થતી આહાર રસોની અસરનું જ્ઞાન ખૂબ જરૂરી હોવાથી અહીં આહાર રસો વિશે આયુર્વેદીય મતે સંક્ષિપ્ત નિરૂપણ કરું છું.
આધુનિક ચિકિત્સકો મૂળ ચાર રસો જ માને છે. મધુર, કડવો ખાટો અને ખારો, પરંતુ અહીં હું આયુર્વેદીય મતના છ રસો વિશે જણાવું છું.
(1) મધુર : ગોળ, ખાંડ, મધ, સાકર વગેરે.
(2) ખાટો : આમલી, લીંબુ, કરમદા, કાચી કેરી, ટામેટાં, આમળાં વગેરે.
(3) ખારો : સમુદ્રનું મીઠું, સિંધવ, સંચળ વગેરે.
(4) તીખો : મરી, મરચાં, સૂંઠ, પીપર વગેરે.
(5) કડવો : લીમડો, કરિયાતું, કારેલાં વગેરે.
(6) તૂરો : હરડે, બાવળ, સોપારી વગેરે.
આખું જગત અગ્નિષોમીય હોવાને લીધે આ છ રસોને પણ બે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. `આગ્નેય' એટલે ગરમ તથા `સૌમ્ય' એટલે ઠંડા. તીખો, ખાટો અને ખારો આ ત્રણ રસ આગ્નેય(ગરમ) અને મધુર(મીઠો), કડવો અને તૂરો આ ત્રણ એટલે સૌમ્ય(ઠંડા) ગણાય છે. આગ્નેય રસો ઉષ્ણ હોય છે તેથી મૂર્છા અને વિદાહ(બળતરા) ઉત્પન્ન કરે છે. આથી ઊલટું સૌમ્ય રસો શીત હોય છે, તેથી મૂર્છા અને વિદાહ(બળતરા)શામક હોય છે.
રસોનાં લક્ષણ
રસોનાં લક્ષણ નિર્ધારિત કરવામાં આવેલાં છે, જે આ પ્રમાણે છે.
(1) મધુર : સ્નેહ, તર્પણ, આહ્લાદક, કફ કરનાર વગેરે.
(2) ખાટો : દાંત અંબાડનાર, મુખ રસોનો સ્રાવ કરાવનાર, મુખશુદ્ધિ કરનાર, ખાવામાં રુચિ ઉત્પન્ન કરનાર, નેત્રોનું સંકોચન કરનાર, મુખ-કંઠમાં દાહ કરનાર, રોમાંચકારી તથા હૃદયને બળ આપનાર છે.
(3) ખારો : તરલ, વિલયન થનાર, ક્લેદન કરનાર, માર્દવ કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, મોઢું, તાળવું, ગળું, છાતી, કપાળ વગેરેમાં બળતરા કરાવનાર ગણાવાય છે.
(4) તીખો : જીભનો ઉત્તેજક, બળતરા સાથે મુખ, નાક અને નેત્રમાંથી સ્રાવ કરાવનાર તથા માથું દુખાડનાર ગણાય છે.
(5) કડવો : તરત જ જીભના અન્ય સ્વાદોનો નાશ કરનાર, સ્વયં અપ્રિય હોવા છતાં રુચિ વધારનાર, કંઠની, દાંતની શુદ્ધિ કરનાર, મુખશોષકર વગેરે.
(6) તૂરો : જીભ અને મુખનું સ્થંભન કરનાર, જડતા લાવનારો, મુખશોષક, હૃદયરોગ કરનાર, કફનાશક અને ગૌરવ કરનાર છે.
ધાતુ કર્મ
આપણા શરીરમાં રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એમ સાત ધાતુઓ રહેલી હોય છે. રસોનો આ ધાતુઓ ઉપર શું પ્રભાવ પડે છે? તે જોઈએ.
(1) મધુર : શરીરની સાતે ધાતુઓને વધારે છે તથા ધાતુઓનો સાર ભાગ ઓજ (કેટલાકના મતે હોર્મોન્સ)ની વૃદ્ધિ કરનાર હોવાથી બળ આપનાર, જીવન ટકાવનાર, આયુષ્ય વધારનાર તથા ધાવણ વધારનાર ગણાય છે.
(2) ખાટો : મહર્ષિ ચરકે ખાટા રસને વજન વધારનાર અને બળ આપનાર કહ્યો છે, પરંતુ નાગાર્જુન નામના વિદ્વાને તેને શરીરનું વજન વધારનાર, બળ આપનાર, વાજીકરણ તથા જીવનીય કહ્યો છે.
(3) ખારો : ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ વગેરેનો નાશ કરનાર, બળનાશક અને શિથિલતા લાવનાર છે.
(4) તીખો : ધાતુઓનો નાશ કરનાર, ધાતુઓને ખોતરીને બહાર કાઢનાર તથા કામશક્તિ ક્ષીણ કરનાર છે.
(5) કડવો : મેદ(ચરબી), વીર્ય, મજ્જા તથા લસિકાનું શોષણ કરનાર છે.
(6) તૂરો : બધી ધાતુઓનું શોષણ કરનારો અને શરીરના બધા જ તંત્રોને ખળભળાવી દેનારો છે.
