દરેક ચરબી ખરાબ નથી હોતી. ક્યારેય વિચાર્યું છે આ સારી અને ખરાબ ચરબી શું હોય છે? સામાન્ય રીતે આપણે ચરબીને ખરાબ માનીએ છીએ, પરંતુ આપણા શરીરમાં ચયાપચયની ક્રિયા માટે, શરીરમાં કોષોના બાહ્ય સ્તરના વિકાસ માટે, ચેતાઓ ઇન્સ્યુલેશનમાં તથા ચરબીદ્રવ્ય વિટામિન એ, ડી, ઈ, કેના શોષણમાં સારી ચરબી મહત્ત્વનો ભાગ ભજવે છે.
સારી ચરબી
સારી ચરબી હૃદય, મગજ અને પાચન માટે ફાયદાકારક હોય છે. તે શરીરના સેલ મેમ્બ્રેનને મજબૂત બનાવે છે તથા શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે તથા હોર્મોન સંતુલન માટે મહત્ત્વની છે.
મોનોઅનસેચ્યુરેટેડ ફેટ
આ ફેટ હૃદય માટે ફાયદાકારક ગણાય છે તથા તે શરીરમાં સારું કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે તથા બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ફેટ આપણા શરીરમાં બ્લડપ્રેશર તથા ડાયાબિટીસ માટે અત્યંત લાભદાયક ગણાય છે.
આ ફેટનો મૂળ સ્રોત ઓલિવ ઓઈલ, એવોકાડો, બદામ, કાજુ, પિસ્તાં તથા સીંગદાણા વગેરે જેવા ખાદ્યપદાર્થોમાંથી મેળવી શકાય છે.
પોલિઅન્સેચ્યુરેટેડ ફેટ
આ ફેટ હૃદય અને મગજ માટે ફાયદાકારક ગણાય છે. તે શરીરના કોષો અને હોર્મોન્સ માટે અત્યંત જરૂરી છે તથા તે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરવાનું કામ કરે છે.
આ ફેટ આપણને ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ખોરાક જેમ કે, માછલી, અખરોટ, ચીય સીડ્સ, ફ્લેક્સ સીડ્સ તથા ઓમેગ 6 ફેટી એસિડયુક્ત ખોરાક જેમ કે, સનફ્લાવર તેલ, સોયાબીન તેલ તથા કોકોનટ ઓઈલ વગેરેમાંથી મેળવી શકાય છે
ખરાબ ચરબી
ખરાબ ચરબી કોલેસ્ટ્રોલના સ્તરને ખોરવી શકે છે. આ ચરબીથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે, જે આપણા શરીરમાં બીજા અનેક રોગોને નોતરે છે.
સેચ્યુરેટેડ ફેટ
આ ફેટ આપણા શરીર માટે અત્યંત હાનિકારક ગણાય છે. જો આ ફેટ વધારે પ્રમાણમાં લેવાય તો આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે, જેથી આ ફેટ મર્યાદિત માત્રામાં લેવી હિતાવહ છે.
આ ફેટ મુખ્યત્વે માખણ, ઘી (ઘી ઓછી માત્રામાં ફાયદાકારક ગણાય ), ચીઝ તથા ચરબીયુક્ત માંસમાંથી બને છે.
ટ્રાન્સ ફેટ
ટ્રાન્સ ફેટ એટલે કૃત્રિમ રીતે બનાવવામાં આવેલી ચરબી, જે આરોગ્ય માટે સૌથી ખતરનાક ચરબી સાબિત થાય છે. આ ફેટથી ગુડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધે છે. આ ફેટથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે
આ ફેટ મુખ્યત્વે પેકેટવાળાં ફૂડ, ફ્રાય કરેલાં ફૂડ, બેકરીની વસ્તુઓ તથા ફાસ્ટ ફૂડમાંથી મળે છે.
સારી ચરબી આરોગ્ય માટે આવશ્યક છે તથા ખરાબ ચરબી વધારે પ્રમાણમાં ખાવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતાનું જોખમ વધે છે. સંતુલિત આહાર દ્વારા સારી અને ખરાબ ચરબીનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવું અગત્યનું છે










