આયુર્વેદમાં દર્શાવાયેલી જીવનચર્યા, ઋતુચર્યા, દિનચર્યા તથા સદ્વર્તનના નિયમોનું પાલન કરવાથી સુખપૂર્વક દીર્ઘજીવન જીવી શકાય છે, પરંતુ આ બધા નિયમોનું પાલન કરવું એ આજના ધમાલિયા અને તીવ્ર હરીફાઈવાળા મનુષ્ય માટે સંપૂર્ણ શક્ય ન હોવાથી અને તેની અવગણના કરવાથી રોગોત્પત્તિ થવાની જ.
આવી જ રીતે ઋતુઓના ફેરફારથી કે નૈસર્ગિક કારણોથી રોગોત્પત્તિ થાય છે. આમાંથી કેવી રીતે મુક્તિ મેળવવી? એ જ આયુર્વેદનો મૂળભૂત ઉદ્દેશ છે. આયુર્વેદમાં દર્શાવાયું છે કે સદ્વર્તનના નિયમો અને ઋતુઓ પ્રમાણેના આહાર-વિહારના નિયમોનું પાલન કરવાથી ઘણા રોગોથી બચી શકાય છે.
આયુર્વેદ વિજ્ઞાનનું પ્રણયન આશરે 5000 વર્ષ પહેલાં થયેલું એમ કેટલાક વૈજ્ઞાનિકો માને છે. આપણા ચારે વેદના ગ્રંથો એ દુનિયાના સૌથી પ્રાચીન ગ્રંથો છે. તેમાંના એક અથર્વવેદની ઘણી ઋચાઓમાં આયુર્વેદના ઉપચારોનું વર્ણન છે. આ ઉપરથી કહી શકાય કે આયુર્વેદ એ વૈદિક વાગ્મય જેટલું જ પ્રાચીન છે.
પ્રાચીન સમયમાં મનુષ્ય સદાચારી, સંપન્ન, સંતોષી, ધર્મભીરુ તથા નૈતિક વિચારો તરફ નિષ્ઠાવાન રહીને દીર્ઘજીવન પ્રાપ્ત કરતો હતો. આજે એવા મનુષ્યો જવલ્લે જ જોવા મળે છે. મનુષ્ય દીર્ઘાયુષી બન્યો છે, પરંતુ સશક્ત અને સ્વસ્થ નથી. એ જમાનામાં સંતોષ અને નૈતિકતા વધારે હતી. આજે અસંતોષ, અનૈતિકતા તથા તીવ્ર ધંધાકીય હરીફાઈઓવાળા અને અસંતોષી વિકૃત ચહેરાઓનું પ્રમાણ વધતું જાય છે. ટેન્શન અને સંઘર્ષ ભાવથી પીડાતા શહેરી અને હવે તો ગ્રામ્ય જીવનમાં પણ આવાં અનેક કારણોને લીધે શારીરિક, માનસિક તથા મનોદૈહિક રોગોનું પ્રમાણ વધતું જાય છે.
પહેલાં કરતાં આજે માનસિક અસંતોષ વધ્યો છે. અમેરિકા અને યુરોપના દેશોમાં 80% લોકો ઊંઘ લાવવા માટે ઊંઘ લાવનાર ટ્રાંક્વીલાઈઝર ઔષધો અથવા માદક દ્રવ્યોનો ઉપયોગ કરે છે. આ ચેપનું પ્રમાણ આપણા મુંબઈ અને દિલ્હી જેવા મેગાસિટી અને હવે તો મેટ્રો સિટીઝમાં પણ વધતું જાય છે. એક તરફ આપણા સભ્ય શહેરી સમાજમાં ઊંઘ લાવનારી ગોળીઓ અને માદક દ્રવ્યોનો ઉપયોગ વધતો જાય છે. જ્યારે બીજી તરફ હજી પણ પરિશ્રમી ગ્રામ્ય પ્રજાને વગર ગોળીએ ઘસઘસાટ ઊંઘ આવતી જોઈ શકીએ છીએ.
આજકાલ રોગોનું મુખ્ય કારણ છે, માનસિક શાંતિ અને સંતોષનો અભાવ. આ માનસિક શાંતિનો અભાવ એટલે કે `અશાંતિ' કેમ આવે છે? તેનું વિશ્લેષણ કરવાથી જાણી શકાશે કે પ્રત્યેક મનુષ્યમાં અભાવ અને અસલામતીની વૃદ્ધિ થઈ રહી છે. આ અસલામતી આર્થિક પણ હોઈ શકે અને શારીરિક પણ. જેઓ બેકાર છે તેમને નોકરીનો અભાવ છે. જેમને નોકરી છે તેમને પગાર વધવાનો અને મોંઘવારીનો અસંતોષ. આમ, મજૂરથી લઈને માલિક અને પટાવાળાથી લઈને કેબિનેટ પ્રધાન સુધી સૌ કોઈ પોતાની અવસ્થાથી સંતુષ્ટ નથી.
આયુર્વેદના `સ્વસ્થ' વ્યક્તિની વ્યાખ્યા પ્રમાણેના `પ્રસન્ન આત્મેન્દ્રિયમન' એટલે કે જેમનું મન, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો અને આત્મા પણ પ્રસન્ન હોય તેવી સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિઓ આજના યુગમાં જોવા મળશે?