હાર્ટ એટેક એક પ્રકારનો હૃદયરોગ છે. જેમ હૃદય જે રીતે આખા શરીરના તમામ અવયવોને લોહી પહોંચાડવાનું કાર્ય કરે છે. એ જ રીતે હૃદયને પણ કામ કરવા માટે જરૂરી લોહી પહોંચાડતી નળીઓમાં લોહીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થવાથી થતો રોગ એટલે હાર્ટ એટેક. જેને મેડિકલ ભાષામાં એક્યૂટ કોરોનરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. હૃદયને લોહી પહોંચાડતી મુખ્ય ત્રણ નળી હોય છે. જેમાં ડાબી બાજુ બે તથા જમણી બાજુ એક નળી મુખ્ય હોય છે. આ ત્રણેય નળીમાંથી કોઈ પણ એક અથવા એકથી વધારે નળીમાં સંપૂર્ણપણે લોહીનો પ્રવાહ બંધ થઈ જાય તો તે હાર્ટ એટેકમાં પરિણમે છે.
કારણો
- જીવનશૈલી : હૃદયરોગ થવાના કારણોમાં જીવનશૈલી બહુ જ મહત્ત્વનું પરિબળ છે. જેમ કે બેઠાળુ જીવન, મેદસ્વીપણું, ખાનપાનમાં બેદરકારી, એક્સરસાઈઝ (વ્યાયામ)ની ઊણપ, વિવિધ પ્રકારના વ્યસનો વગેરે. આ પ્રકારની જીવનશૈલીથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતાઓ વધી જતી હોય છે.
- વારસાગત કારણો : જો કોઈ પણ વ્યક્તિના પરિવારજનો (માતા-પિતા કે દાદા-દાદી વગેરે)માંથી કોઈને હૃદયરોગ થયેલો હોય તો એ વ્યક્તિને સામાન્ય વ્યક્તિ કરતા હૃદયરોગ થવાની શક્યતા વધારે રહેલી હોય છે.
- જિનેટિક કારણો : ઘણી વાર વ્યક્તિના જીન્સ (રંગસૂત્ર)માં અમુક ફેરફાર થવાથી લોહી જાડુ થવાની સંભાવના વધી જાય છે અને તેના કારણે પણ જે તે વ્યક્તિને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય છે.
- ઉંમર : જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે છે તેમ તેમ હૃદયની નળીઓમાં કેલ્શિયમ જામવાની પ્રક્રિયાને તથા લોહી જાડુ થવાની પ્રક્રિયાને વેગ મળે છે. સામાન્ય રીતે વયોવૃદ્ધ લોકોની આ બીમારી થવાની શક્યતા તેના લીધે વધી જતી હોય છે.
- સામાન્ય રીતે સ્ત્રીઓ કરતા પુરુષોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. એના પાછળનું મુખ્ય કારણ સ્ત્રીઓમાં તેમના હોર્મોન દ્વારા લોહી જાડુ ન થવાનું એક પ્રકારનું રક્ષણ મળતું હોય છે એવું માનવામાં આવે છે.
- અન્ય રોગો : ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, કિડનીને લગતા રોગો વગેરેમાં હૃદયરોગ થવાની શક્યતા વધારે રહેલી છે.
લક્ષણો
સામાન્ય રીતે જે વ્યક્તિને હૃદયરોગનો હુમલો થાય છે તેમને એકદમથી જ છાતીના ડાબા ભાગમાં તીવ્ર દુખાવો થતો હોય છે. આ દુખાવો ઘણી વખત ડાબા ખભા, ડાબા હાથ, ડાબી બાજુનો પીઠનો ભાગ તથા જડબા સુધી પણ પ્રસરતો હોય છે. આ દુખાવાની સાથે મહદ્અંશે ગભરામણ થવી, બેચેની થવી, ખૂબ જ પ્રમાણમાં પરસેવો વળી જવો જેવાં વિવિધ પ્રકારના લક્ષણો પણ જોવા મળી શકે છે. તદુપરાંત અમુકવાર હાર્ટ એટેકમાં છાતીના ભાગમાં ન દુખતા દર્દીને ઘણી વાર ગેસની સમસ્યા, પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે.
નિદાન
હાર્ટ એટેકનું નિદાન ડૉક્ટર ઈલેટ્રો કાર્ડિયોગ્રામ (ઈ.સી.જી) કાઢીને કરતા હોય છે, પરંતુ અમુક વાર હૃદયરોગના હુમલાના લક્ષણો હોવા છતાં પણ દર્દીનો કાર્ડિયોગ્રામ શરૂઆતના સમયમાં સામાન્ય પણ આવી શકે છે. આવી પરિસ્થિતિમાં ડૉક્ટર જરૂરિયાત પ્રમાણે હૃદયને લગતા લોહીની તપાસ (ટ્રોપોનિન) કરાવતા હોય છે. આ સિવાય ટુ-ડી ઇકો કાર્ડિયોગ્રાફીની મદદથી પણ આનું નિદાન કરતા હોય છે. હૃદયરોગના હુમલાનું નિદાન થયા પછી ચોક્કસપણે હૃદયની કઈ નળી સંપૂર્ણપણે બંધ છે કે કેટલા ટકા બ્લોકેજીસ છે એ જાણી શકાય એ માટે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર કોરોનરી એન્જિયિગ્રાફી (સીએજી) કરવાનો આગ્રહ રાખતા હોય છે.
સારવાર
હાર્ટ એટેકનું નિદાન થતા જ સમયનો જરા પણ વ્યય કર્યા વગર દર્દીને સઘન સારવાર મળી રહે એ માટે આઈસીયુમાં દાખલ કરવામાં આવતા હોય છે અને તાત્કાલિક જરૂરી લોહી પાતળુ કરવાની દવાઓ ઇન્જેક્શન, ઓક્સિજન તથા મોનિટરિંગ કરવામાં આવે છે.
દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા પછી તેમનું બ્લડપ્રેશર, ધબકારા તથા ઓક્સિજન લેવલ કાબૂમાં લીધા પછી જો શક્ય હોય તો દર્દીને વહેલી તકે કાર્ડિયાક આઈસીયુમાં પહોંડવો જરૂરી છે. કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટરના માર્ગદર્શન હેઢળ કોરોનરી એન્જિયોગ્રાફી તાત્કાલિક ધોરણે કરાવી લેવી હિતાવહ હોય છે. એન્જિયોગ્રાફીમાં હૃદયની જે નળીમાં સંપૂર્ણપણે બ્લોકેજ થવાથી હાર્ટ એટેક આવ્યો હોય તે નળી સત્વરે બલુન એન્જિયોપ્લાસ્ટી કરીને ખોલી દેવી જોઈએ. જેથી લોહીનો પ્રવાહ તે નળીમાં બહુ જ ઓછા સમયમાં ચાલુ થઈ શકે અને હૃદયની જે તે દીવાલ ડેમેજ થતા બચી શકે. જેથી કરને ભવિષ્યમાં દર્દીને હૃદયને લગતી બીજી તકલીફો ન થાય.
ઘણી વખત દર્દીને બેથી વધારે નળીઓમાં બ્લોકેજિસ પણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં બાઈપાસ સર્જરી જેવો વિકલ્પ પણ વિચારવો પડી શકે છે. આ પ્રમાણે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લીધા બાદ દર્દીની શારીરિક અવસ્થામાં સુધારો આવ્યા પછી તેને સામાન્ય રીતે ચાર પાંચ દિવસમાં રજા આપવામાં આવતી હોય છે અને આજીવન લોહી પાતળુ થવાની તથા હૃદય માટે જરૂરી દવાઓ લેવાની પણ સલાહ આપવામાં આવતી હોય છે.
યુવાવર્ગ અને હાર્ટ એટેક
આજકાલ નાની વયના કે યુવા લોકોમાં હૃદયરોગના હુમલાના કેસ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આ પાછળ જોઈએ તો મુખ્યત્વે જીવનશૈલી જવાબદાર છે. ખાસ કરીને બેઠાળુ જીવન, વ્યાયામનો અભાવ, નાની ઉંમરમાં જ વિવિધ પ્રકારના વ્યસનો કરવા. એમડી ડ્રગ્સ લેવાની લત પડવી, સ્થૂળતા-મેદસ્વીપણુ, દિનચર્યામાં અયોગ્ય ફેરફાર અને ઝંક ફૂડનું વધારે પડતું સેવન કરવું, ઠંડા પીણા, કેફી દૃવ્યોનું સેવન જવાબદાર છે. માનસિક તણાવ પણ વધારે પડતો જોવા મળી રહ્યો છે. આવા બધા કારણોને લીધે નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકના કેસિસ વધી રહ્યા છે. માટે સાવચેતીના ભાગરૂપે યુવાનોએ તેમની જીવનશૈલીને સુધારવી જોઈએ. સંતુલિત આહાર લેવો, નિયમિત વ્યાયામ કરવો, રમગ-ગમતમાં ભાગ લેવો, પૂરતી ઊંઘ લેવી તથા માનસિક રીતે સ્વસ્થ રહેવું જરૂરી છે.










