અમેરિકામાં તમે કલ્પના ન કરી હોય એવી બાબતોનાંય સંગઠનો અસ્તિત્વમાં છે. આમાંનાં કેટલાંક તો ખરેખર બહુ સારું કામ કરી રહ્યાં છે. આવું જ એક સંગઠન છે `હાર્ટ ફેલ્યોર સોસાયટી ઓફ અમેરિકા - HFSA' આ સંસ્થાના કહેવા મુજબ ત્રીજા ભાગની અમેરિકન વસ્તી હાર્ટ ફેલ્યોરના ખતરા હેઠળ જીવે છે!

ઇન્ડિયન એકેડેમી ઓફ સાયન્સના આંકડાઓ મુજબ ભારતમાં હાર્ટ ફેલ્યોરનો રેશિયો માત્ર 1 % જ છે, પણ આધુનિક બની રહેલી આપણી લાઈફ સ્ટાઈલ નજીકના ભવિષ્યમાં આ આંકડો વધારી મૂકશે એ નક્કી છે.

ઉપાય શું?

યુનિવર્સિટી ઑફ એરિઝોના કૉલેજ ઑફ મેડિસિન - ટક્સનમાં આવેલ સર્વર હાર્ટ સેન્ટરમાં ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકોની બનેલી એક સંશોધક ટીમે હૃદયની સારવાર બાબતે બહુ મહત્ત્વનું સંશોધન કર્યું. આ ટીમના સંશોધન મુજબ પેશન્ટની છાતીમાં ધબકતું કૃત્રિમ હૃદય અમુક પ્રકારના સ્નાયુઓને પુનર્જીવિત કરી શકે છે. જો ખરેખર આ શક્ય બનશે, તો હૃદયરોગની સારવાર માટે એક નવી જ દિશા ખૂલી જશે! આ સંશોધનના સમાચાર `Circulation' નામક જર્નલમાં પ્રકાશિત થયા છે.

ઉપરનો ફકરો વાંચીને તમારા મનમાં બહુ બહુ તો `ફીલ ગુડ' ફીલિંગ પેદા થઇ હશે, બાકી સાંધાનીય સમજ નહિ પડી હોય, ખરુંને? બાત હી કુછ ઐસી હૈ. તો ચાલો જરા ડિટેલમાં આખી વાત સમજીએ.

`હાર્ટ ફેલ'. આ શબ્દો ભરશિયાળે પરસેવો વાળી દેવા માટે પૂરતા છે. હૃદયના સ્નાયુઓ લોહીને પૂરતા ફોર્સ સાથે પંપ કરવામાં નિષ્ફળ જાય, તો શરીરમાં લોહીનું પરિભ્રમણ અટકી પડે. એન્ડ ઇન ધેટ કેસ, માણસ મૃત્યુ પામે. આ પરિસ્થિતિને તબીબી ભાષામાં `હાર્ટ ફેલ્યોર' કહેવાય. એનાથી બચવાનો ઉપાય શું? એક ઉપાય છે અંગદાન. જો કોઈ તંદુરસ્ત હૃદય ધરાવનાર વ્યક્તિ બીજા કોઈ કારણોસર મૃત્યુ પામે, તો એના હૃદયને કોઈ જરૂરિયાતમંદ હાર્ટ પેશન્ટમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. સર્જરી દ્વારા પેશન્ટનું ઓરિજિનલ (અને ખામીયુક્ત) હૃદય કાઢી લઈને એના સ્થાને મૃત વ્યક્તિનું કાર્યરત હૃદય પ્લાન્ટ કરી દેવામાં આવે છે. સ્વાભાવિકપણે આ પ્રોસેસ અત્યંત જટિલ છે. બીજો રસ્તો છે હૃદયમાં કૃત્રિમ પંપ બેસાડવાનો. આ પ્રકારના કૃત્રિમ પંપને `Left Ventricular Assist Device (LVAD)' તરીકે ઓળખવામાં આવે છે. LVAD પેશન્ટના નાજુક હૃદયને બ્લડ પમ્પિંગમાં મદદ કરે છે. આપણે આ લેખ પૂરતું LVADને `આર્ટિફિશિયલ હાર્ટ' અથવા કૃત્રિમ હૃદય તરીકે ઓળખીશું. (સંપૂર્ણપણે કૃત્રિમ હૃદય ટેક્નિકલી જરા જુદી વસ્તુ છે અને એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય, ત્યાં સુધી પેશન્ટને જીવિત રાખવામાં મદદ કરે છે.)

હવે યુનિવર્સિટી ઓફ એરિઝોનાની પેલી સંશોધક ટીમની વાત પર પાછા ફરીએ. આ ટીમના વરિષ્ઠ સદસ્યનું નામ છે ડૉ હેશેમ સાદેક (Dr. Hesham Sadek). તેઓ સર્વર હાર્ટ સેન્ટરના ડાયરેક્ટર છે, તેમજ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ચીફ છે. આ સિવાય તેઓ દાયકા ઉપરાંતના સમયથી હાર્ટ ફેલ્યોરને લગતાં સંશોધનો કરી રહ્યાં છે. ઇ.સ. 2011માં ડૉ. સાદેકે સાયન્સ જર્નલમાં એક સંશોધન પત્ર રજૂ કર્યું હતું. આ રિસર્ચ પેપર મુજબ બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય, ત્યારે શરીરના બીજા અવયવોની જેમ હૃદયના કોષો પણ વિભાજન દ્વારા વૃદ્ધિ પામતા રહે છે, પરંતુ એક વાર હૃદયનું કામકાજ શરૂ થાય, એ પછી કોષ વિભાજનની પ્રક્રિયા અટકી પડે છે, કેમ કે સતત ધબકતા હૃદયના કોષો પમ્પિંગમાં જ એટલા બિઝી હોય કે કોષ વિભાજનની પ્રક્રિયા માટે સમય જ નથી મળતો. પરિણામે હૃદયના નવા કોષો બનવાનું બંધ થઇ જાય છે.

હવે આ વાત ઉદાહરણ દ્વારા સમજીએ. ક્રિકેટ રમતી વખતે તમારા પગનો કોઈ સ્નાયુ ઇન્જર્ડ થાય, તો ડોક્ટર તમને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપશે. આરામના આ દિવસો દરમિયાન નવા કોષો બનશે અને તમારો પગ થોડા દિવસોમાં સાજો થઇ જશે, પણ હૃદયને `આરામ' આપવા જાવ તો ગુજરી જવું પડે! હૃદય તો છેલ્લા શ્વાસ સુધી ધબકતું જ રહે. એક વાર અટકે તો કાયમ માટે અટકે. આ અટકી પડવાની સ્થિતિ એટલે જ હાર્ટ ફેલ્યોર. જસ્ટ ઈમેજિન કે હૃદયને પણ થોડો સમય વિરામ આપી શકાતો હોત, તો હૃદયના સ્નાયુઓ પણ શરીરના બીજા અવયવોની માફક વૃદ્ધિ પામીને ડેમેજ સ્નાયુઓને રિપ્લેસ કરી નાખત. એ રીતે તમારું હૃદય ફરી પાછું તાજુંમાજું-તંદુરસ્ત થઈને ધબકવા માંડત.

ઇ.સ. 2014માં ડૉ. સાદેકે જે સંશોધન કર્યું, તે આવી જ શક્યતાની વાત કરે છે. આ સંશોધન મુજબ જે દર્દીઓને કૃત્રિમ હૃદય બેસાડવામાં આવ્યું છે, એમના ઓરિજિનલ હૃદયના કોષોને જરા આરામ મળી જાય છે. (કંપની મોટા ભાગનું કામ આઉટસોર્સ કરી નાખે, તો કંપનીના પોતાના કર્મચારીઓ નવરાં જ પડી જાય ને!) હવે હૃદયના કોષો આરામના આ સમયગાળાનો ઉપયોગ કરીને ફરીથી કોષ વિભાજન અને કોષ વૃદ્ધિ શરૂ કરી દે, તો શું થાય? સિમ્પલ વાત છે, કે જૂના-ડેમેજ કોષોને સ્થાને હૃદયમાં નવાનક્કોર કોષો બની જાય. આ કોષો બ્લડનું પમ્પિંગ પણ પૂરી કાર્યક્ષમતા સાથે કરી શકે એવા હોય, તો તો પ્રોબ્લેમ જ સોલ્વ થઇ જાય ને! પણ હકીકતે વાત એટલી સીધી સાદી નથી. કૃત્રિમ હૃદય વાપરતા હોય, એવા તમામ લોકોના હૃદયમાં આ પ્રકારની કોષપ્રક્રિયા નથી દેખાતી. માત્ર 25% લોકોના હૃદયે જ આવો પ્રતિભાવ આપ્યો છે. હવે સંશોધકો એવી કોશિશમાં લાગ્યા છે કે જેમનું હાર્ટ ફેલ્યોર તરફ ધસી રહ્યું હોય, એવા તમામ પેશન્ટ્સના હૃદયમાં નવા કોષ બનાવી શકાય. જો આ શક્ય બનશે તો હૃદયરોગથી થનારા મૃત્યુના પ્રમાણમાં ખાસ્સો ઘટાડો નોંધાશે.