• વર્ષે 700 મિલિયન ડૉલરની મદદ મેળવતું લેબેનોનનું આ કટ્ટરવાદી સંગઠન 1.૩0 લાખ મિસાઈલ ધરાવે છે. અમેરિકાએ તેને રોકવા ભૂમધ્ય સમુદ્રમાં વૉરશિપ તહેનાત કર્યું છે

મધ્ય પૂર્વમાં અત્યારે હમાસ ઉપરાંત એક ઉગ્રવાદી સંગઠન ચર્ચામાં છે, તેનું નામ છે હિઝબુલ્લાહ ! જે ઈઝરાયેલનું કટ્ટર વિરોધી છે અને ઈઝરાયેલના પડોશી દુશ્મન દેશ લેબેનોનમાં કાર્યરત છે. અમેરિકા હમાસ કરતાં પણ આ સંગઠનથી વધુ સાવધ છે અને એટલે જ ભૂમધ્ય સમુદ્રમાં 2000 મરીન સોલ્જર સાથેનું વૉરશિપ અમેરિકાએ તહેનાત કર્યું છે.

હિઝબુલ્લાહે લેબેનોન સાથેની ઇઝરાયેલની સરહદ પર નવો મોરચો ખોલ્યો છે. આ પછી ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં હિઝબુલ્લાહનાં અનેક ઠેકાણાંઓ પર હવાઈહુમલા કરીને જવાબી કાર્યવાહી કરી છે. હમાસના સમર્થનમાં રોકેટ હુમલા કરનારા લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના અનેક ટાર્ગેટ પર ઇઝરાયેલે હવાઈહુમલા કર્યા છે. હિઝબુલ્લાહ લેબેનોનનું કટ્ટર શિયા આતંકવાદી જૂથ છે. ઇઝરાયેલે 1982માં દક્ષિણ લેબેનોન પર આક્રમણ કર્યું ત્યારે હિઝબુલ્લાહ સંગઠન અસ્તિત્વમાં આવ્યું. જો કે, હિઝબુલ્લાહની સ્થાપના સત્તાવાર રીતે 1985માં થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી હિઝબુલ્લાહ લડવૈયાઓ ઈઝરાયેલ પર હુમલા કરતા રહે છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ વિરુદ્ધ પણ અનેક ઓપરેશન હાથ ધર્યાં છે. મેનિફેસ્ટો મુજબ હિઝબુલ્લાહનો ઉદ્દેશ્ય સશસ્ત્ર સંઘર્ષ દ્વારા ઇઝરાયેલને નષ્ટ કરવાનો અને અમેરિકન આધિપત્ય અને ક્રૂર મૂડીવાદી દળો સામે લડવાનો છે. ઇઝરાયેલી સૈન્ય અનુસાર, હિઝબુલ્લાહ પાસે 45,000 લડવૈયા છે, જેમાંથી 20,000 સક્રિય છે અને 25,000 અનામતમાં છે.

હિઝબુલ્લાહના ઉદભવની વાર્તા ઇઝરાયેલની સ્થાપના કરતાં જૂની છે. 1943માં લેબેનોનમાં શિયા, સુન્ની અને ખ્રિસ્તીઓ વચ્ચે રાજકીય સમજૂતી થઈ હતી. આ અંતર્ગત સુન્ની મુસ્લિમોને વડાપ્રધાન, ખ્રિસ્તીઓને રાષ્ટ્રપતિ અને શિયા મુસ્લિમોને સંસદના અધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં માત્ર સુન્ની મુસ્લિમ જ લેબેનોનનો વડાપ્રધાન બની શકે છે. તે જ સમયે, રાષ્ટ્રપતિનું પદ એક ખ્રિસ્તી માટે અનામત હતું અને શિયા મુસ્લિમ જ સંસદના સ્પીકર બની શકે છે. આ સમજૂતી લગભગ 25 વર્ષ સુધી ચાલી હતી, પરંતુ પેલેસ્ટાઈનથી સુન્ની મુસ્લિમોના આગમનને કારણે લેબેનોનમાં ધાર્મિક સમીકરણો બગડવાં લાગ્યાં હતાં. આ જ કારણ હતું કે લેબેનોનમાં શિયા મુસ્લિમોને સત્તા પરથી હટાવવાનો ડર લાગવા લાગ્યો.

લેબેનોનમાં સત્તા પરથી હાંકી કાઢવાના ભયને કારણે શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે 1975માં લેબેનોનમાં ભીષણ ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ સમય દરમિયાન પેલેસ્ટિનિયન લડવૈયાઓએ તકનો લાભ લીધો અને દક્ષિણ લેબેનોનથી ઇઝરાયેલ પર હુમલો કરવાનું શરૂ કર્યું. જે બાદ 1978માં ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી લેબેનોનના ઘણા ભાગો પર કબજો કરી લીધો હતો. દરમિયાન 1979માં શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાનમાં સરકાર બદલાઈ અને તેણે લેબેનોનમાં નબળા શિયાઓને શસ્ત્રો આપવાનું શરૂ કર્યું. આ કારણે લેબેનોનમાં ફરી એક વાર શિયા મુસ્લિમો મજબૂત રીતે ઉભરી આવ્યા અને તેઓએ હથિયારોની મદદથી લેબેનોન પર સંપૂર્ણ કબજો કરી લીધો.

હિઝબુલ્લાહ પ્રથમ વખત 1982માં અસ્તિત્વમાં આવ્યો હતો. હિઝબુલ્લાહનો અર્થ થાય છે અલ્લાહની પાર્ટી. આમાં લેબેનોનના સતાવાયેલા શિયા લડવૈયાઓની ભરતી કરવામાં આવી હતી અને ઈરાને તેમનો ઉપયોગ ઈઝરાયેલ વિરુદ્ધ શરૂ કર્યો હતો. હિઝબુલ્લાહ ટૂંક સમયમાં મધ્ય પૂર્વમાં શિયા મુસ્લિમોના સૌથી મોટા બળવાખોર સંગઠન તરીકે જાણીતું બન્યું. 1985માં, હિઝબુલ્લાહે લેબેનોનમાંથી પશ્ચિમી દળોને હાંકી કાઢવાની જાહેરાત કરતો મેનિફેસ્ટો જાહેર કર્યો. તેમાં ઈઝરાયેલના વિનાશ અને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા માટે આદરના શબ્દો પણ હતા.

ઇઝરાયેલી સંરક્ષણ દળોનું કહેવું છે કે દર વર્ષે હિઝબુલ્લાહને $700 મિલિયનથી વધુનું ભંડોળ મળે છે. તેનો મોટો હિસ્સો ઈરાનથી આવે છે. આ સાથે ઈરાન હિઝબુલ્લાહને હથિયારો, સૈન્ય તાલીમ અને ગુપ્ત માહિતી દ્વારા પણ મદદ કરે છે. ઇઝરાયેલ દાવો કરે છે કે હિઝબુલ્લાહ પાસે તેના શસ્ત્રાગારમાં 120,000થી 130,000 મિસાઇલો છે. આમાં કેટલીક લાંબા અંતરની મિસાઇલોનો પણ સમાવેશ થાય છે, જે સમગ્ર ઇઝરાયેલનો વિનાશ કરવા માટે સક્ષમ છે. હિઝબુલ્લાહ પાસે એન્ટિ ટેન્ક મિસાઈલ, ડઝનબંધ ડ્રોન, એન્ટિ શિપ મિસાઈલ, એરક્રાફ્ટ વિરોધી મિસાઈલ અને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ છે.

ઇઝરાયેલ એટલે જ ગાઝામાં બહુ સાવધાની રાખી રહ્યું છે.

ઝૂમ ઇન

જંગ કોઈ ભી હો, નતીજા કુછ ભી હો,

પર લડનેવાલા કુછ ન કુછ ખો હી દેતા હૈ.

ઝૂમ આઉટ

દુશ્મની જમ કર કરો પર યે ગુંજાઇશ રહે

જબ કભી હમ દોસ્ત હો જાયે તો શરમિંદા ના રહે

  • Follow us on: