ટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'

પ્રકરણ - 5

એક યુવાન ફૌજી તરીકે અત્યંત પરાક્રમી, સ્વચ્છંદી અને વ્યભિચારી જીવન જીવનાર મહાન રશિયન લેખક ટોલ્સ્ટોય છવ્વીસેકની ઉંમરે પીટ્સબર્ગ શહેરમાં સાહિત્યકારો અને વિચારકોની બૌદ્ધિક મંડળીમાં ભળ્યા. એ બૌદ્ધિકોએ યુવાન ટોલ્સ્ટોયને સમજાવ્યું કે સમગ્ર માનવજાત વિકસી રહી છે અને નાદાન માનવસમાજને દોરવણી આપવાની સૌથી મહત્ત્વની ભૂમિકા આપણે બધા લખનારાઓ નિભાવી રહ્યા છીએ.

ટોલ્સ્ટોયને એમની આ થિયરી દમદાર લાગી, પણ પછી એમણે જોયું આ લેખકો તો અંદરોઅંદર `અમે જ સાચા' એવા દાવા કરી કરીને ઝઘડતા રહે છે.

એ જોઈને `જગતને માર્ગદર્શન આપનાર આપણે મહાન મનુષ્યો છીએ' એવી બૌદ્ધિકોની થિયરીમાં ટોલ્સ્ટોયની શ્રદ્ધા ડગમગી.

આગળની વાત ટોલ્સ્ટોયના શબ્દોમાં

શ્રદ્ધા એક વાર ડગમગી પછી તો ધારીને જોતાં મને એવું લાગ્યું કે પોતાની મહાનતામાં માનતા આ બધા લેખકો અનૈતિક હતા. એટલું જ નહીં, અગાઉ હું ફૌજી તરીકે બેફામ જિંદગી જીવ્યો ત્યારે મારી આસપાસમાં જે બધા લોકો હતા એના કરતાં પણ આ લેખકો ચારિત્ર્યની દૃષ્ટિએ મને વધુ નકામા અને ઊતરતી કક્ષાના લાગ્યા. આ લેખકો પોતાનામાં મસ્ત અને આત્મસંતુષ્ટ રહેતા. આવી મસ્તી અને આત્મસંતુષ્ટિ એ જ લોકોમાં શક્ય છે, જે યા તો ખરેખર અત્યંત પવિત્ર છે અથવા તો જેમને પવિત્રતા શું ચીજ છે એની ખબર જ નથી (સ્વાભાવિક છે કે લેખકો સાચી પવિત્રતાથી અજાણ લોકોની શ્રેણીમાં આવતા હતા). મને એ લોકો પ્રત્યે ઘૃણા છૂટી અને મારી જાત પણ મને ઘૃણાસ્પદ લાગી. મને સમજાયું કે લેખકોની મહત્તાનો પ્રચાર છેતરામણો છે.

છતાં નવાઈની વાત એ હતી કે આ વાત સમજ્યા પછી પણ હું પોતે તો લોકોએ લેખક તરીકે મને આપેલા ઊંચા સ્ટેટસને વળગી જ રહ્યો. હું નાદાનપણે એવું માનતો રહ્યો કે હું એક કલાકાર-લેખક છું અને લોકોને હું શું શીખવી રહ્યો છું એ વિશે પોતે સ્પષ્ટ ન હોઉં તો પણ સૌને હું કશુંક શીખવી શકું તેમ છું. એટલે લખવાનું મેં ચાલુ રાખ્યું.

બૌદ્ધિકો-લેખકોના સંસર્ગને લીધે મારામાં આ દુર્ગુણો પ્રવેશ્યાઃ મારો ઇગો વકરીને વિકરાળ થયો અને હું લોકોને જ્ઞાન આપી શકું છું એવો મૂર્ખામીભર્યો વિશ્વાસ મારામાં પ્રગટ્યો.

હવે હું જ્યારે પાછળ ફરીને મારી અને એ બધા લેખકોની માનસિકતા વિશે વિચારું છું ત્યારે એ બધું મને અત્યંત દયાજનક, ડરામણું અને નિરર્થક લાગે છે અને એ દુનિયા પાગલખાના જેવી લાગે છે.

ખેર, ત્યારે તો અમે બધા લેખકો માનવજાતનો ઉદ્ધાર કરવાના ભ્રમ સાથે બસ લખ્યા જ કરતા, લખ્યા જ કરતા. અમે એકમેકથી સામસામેના છેડાનું લખતા અને સામસામી ટીકાઓ કરતા. અમે સૌ એવું માનતા કે માનવજાતનો ઉદ્ધાર કરવા માટે અમે લખતા રહીએ એ બહુ જરૂરી હતું. જોવા જેવું એ હતું કે અસલમાં અમને બધાને `શું સારું છે અને શું ખરાબ છે?' એ મૂળભૂત બાબતની પણ સમજ નહોતી અને છતાં પોતાના ઘોર અજ્ઞાન વિશેના ઘોર અજ્ઞાન સાથે અમે બધા બૌદ્ધિકો, એકમેકની વાત સાંભળ્યા વિના એકીસાથે બોલી રહ્યા હતા. ક્યારેક અમે એકમેકનાં વખાણ કરતા તો ક્યારેક આમનેસામને ચિલ્લાતા. અદ્દલ પાગલખાનાનું દૃશ્ય જોઈ લો.

હજારો મજૂરો દિવસ-રાત જોયા વિના એમની મહત્તમ કાર્યક્ષમતા વાપરીને અમારાં લખાણોને ટાઈપ કરીને છાપી આપતા. ટપાલખાતું અમારાં લખાણોને સમગ્ર રશિયામાં પહોંચાડતું અને અમે બસ લખતા રહ્યા, લખતા રહ્યા. તો પણ લોકોને બધેબધું ભણાવી દેવાનું અમારું કામ ક્યારેય પૂરું થયું જ નહીં. એટલે એ વાતે અમે ગુસ્સે થતા રહ્યા કે લોકો અમારી વાતો સાંભળતા-સમજતા જ નથી.

એ બધું ભયંકર રીતે વિચિત્ર હતું. હવે મને એ બધું સમજાય છે. અમારા સૌની સૌથી ઊંડી ઇચ્છા તો વધુમાં વધુ પૈસા અને ખ્યાતિ મેળવવાની જ હતી. એ મેળવવા માટે પુસ્તકો લખવાં અને છાપામાં લખવું એ સિવાય કોઈ રસ્તો નહોતો. માટે અમે એ રસ્તે ચાલતા રહ્યા, પણ આવું નકામું કામ કરવા છતાં અમે બહુ કામના લોકો છીએ એવો ભ્રમ ટકાવી રાખવા માટે અને અમારી વાહિયાત પ્રવૃત્તિ ચાલુ રાખવા માટે અમે એક નવો વધારાનો તર્ક ઘડી કાઢ્યો. એ તર્ક આવો હતોઃ જગતમાં જે કંઈ છે એ બધું જ સમજી શકાય તેવું છે અને એ સમજવા માટે જરૂરી છે શિક્ષણ અને શિક્ષણનું માપ છે પુસ્તકો અને છાપાંનો પ્રસાર. એ જેટલાં ફેલાય એટલું શિક્ષણ ફેલાય. અમને સૌને પૈસા અને આદર મળે છે, કારણ કે અમે પુસ્તકો લખીએ છીએ, અમે છાપાંમાં લખીએ છીએ અને માટે અમે બહુ ઉપયોગી અને સારા લોકો છીએ. પણ આખી વાતમાં સમજવા જેવું એ હતું કે અમારામાંનો એક જણ જે કહેતો એનાથી બિલકુલ ઊંધું બીજો કોઈ કહેતો. આના પરથી અમને સમજાઈ જવું જોઈતું હતું અમે જે વાતો કહી રહ્યા છીએ એમાં કશોક લોચો છે (એ પરમ સત્ય નથી). પણ અમે એના પર ધ્યાન ન આપ્યું. અમને પૈસા મળતા હતા. અમારા ચાહકો અમારાં વખાણ કરતા હતા, માટે અમારામાંનો પ્રત્યેક જણ એવું વિચારતો હતો કે હું જ સાચો છું.

હવે મને એ વાતે કોઈ શંકા નથી રહી કે લેખકોની એ દુનિયા પાગલખાનાથી જરાય જુદી નહોતી. ત્યારે મને આછી આશંકા હતી અને હવે પૂરી ખાતરી છે કે બધા જ પાગલોની માફક હું પણ મારી જાત સિવાય બાકીના બધાને પાગલ ગણતો હતો.

તો આવા પાગલપણાના પ્રવાહમાં હું બીજાં છ વર્ષ સુધી, મારું લગ્ન થયું (ચોત્રીસની ઉંમરે) ત્યાં સુધી મહાલતો રહ્યો. (ક્રમશઃ)

***

લેખકો, કવિઓ, વિવેચકો, વિશ્લેષકો, ચિંતકોને સમાજ સામાન્ય રીતે ઊંચો દરજ્જો આપતો જ હોય છે, પરંતુ તેઓ એને લાયક હોય છે ખરા? એમના વિચારો ખરેખર ઊંચા માંહ્યલા હોય છે ખરા? આવા સવાલો કોઈ સામાન્ય માનવી નહીં, બલ્કે એ જ ઊંચેરા વર્ગનો અતિ ઊંચેરો ગણાયેલો સર્જક ઉઠાવે ત્યારે એ વિશે શાંતિથી વિચારવા જેવું ખરું.