• લગ્ન વખતે બંનેમાંથી કોઈ પક્ષકાર, અસ્થિર મગજના પરિણામે કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ ન હોવો જોઈએ

હિંદુ લગ્ન અધિનિયમ, 1955ના કાયદામાં કલમ-5માં હિંદુ લગ્ન અંગે કેટલીક શરતો આપેલી છે. આ શરતોનું પાલન કરવામાં આવે તો જ કોઈ પણ બે હિંદુઓ વચ્ચે વિધિ અનુસાર લગ્ન થઈ શકશે. લગ્ન વખતે, બંને પક્ષકારોમાંથી, પુરુષને પત્ની અને સ્ત્રીને પતિ હયાત હોવો જોઈએ નહીં. લગ્ન વખતે બંનેમાંથી કોઈ પક્ષકાર, અસ્થિર મગજના પરિણામે કાયદેસરની સંમતિ આપવામાં અસમર્થ ન હોવો જોઈએ અથવા કાયદેસર સંમતિ આપવામાં સમર્થ હોય તો પણ, એવા પ્રકારની કે એટલી હદે માનસિક વિકૃતિથી પીડાતી ન હોવી જોઈએ કે, તે લગ્ન અને પ્રજોત્પાદન માટે અયોગ્ય હોય, અથવા તેને પાગલપણાનો ફરી ફરીને હુમલો આવતો ન હોય. એવી પણ શરત છે કે લગ્ન વખતે પુરુષ એકવીસ વર્ષ અને કન્યાએ અઢાર વર્ષ પૂરાં કર્યાં હોવાં જોઈએ. ચોથી શરત એ છે કે પક્ષકારો સગપણની પ્રતિબંધિત પેઢીનું સગપણ ધરાવતા હોવા જોઈએ નહીં, સિવાય કે તેઓ પૈકી દરેકને લાગુ પડતા રિવાજ અથવા પ્રથાથી તેઓ બંને વચ્ચે લગ્નની છૂટ હોય અને પક્ષકારો, એકબીજાના સપિંડ હોવા જોઈએ નહીં. એ ઉપરાંત એ પણ શરત છે કે પક્ષકારો એકબીજાના સપિંડ હોવા ન જોઈએ સિવાય કે તેઓ પ્રત્યેકને લાગુ પડતી રૂઢિ કે પ્રથાના આધારે તેઓની વચ્ચે લગ્ન કરવાની છૂટ હોય.

આ કાયદાની કલમ-7 પ્રમાણે હિંદુ લગ્નની વિધિમાં લગ્નના કોઈ પણ એક પક્ષકારનાં રૂઢિગત ક્રિયા અને વિધિ અનુસાર હિંદુ લગ્ન થઈ શકશે. આવી ક્રિયા અને વિધિમાં સપ્તપદી એટલે કે પવિત્ર અગ્નિ સમક્ષ વર-કન્યાએ સંયુક્ત રીતે સાત પગલાં ભરવાં તેનો સમાવેશ થતો હોય, ત્યાં સાતમું પગલું ભરવામાં આવે એટલે કે લગ્ન સંપૂર્ણ અને બંધનકર્તા થાય છે. હિંદુ લગ્ન થયા પછી આ લગ્નની નોંધણી કરવાની રહે છે. હિંદુ લગ્નોની સાબિતી સરળતાથી થઈ શકે તે માટે, એવાં લગ્નના પક્ષકારો પોતાનાં લગ્ન અંગેની વિગતો આ માટે રાખેલાં હિંદુ લગ્ન રજિસ્ટરમાં કરી શકે છે. તે રજિસ્ટર, તેમાં નોંધેલાં કથનોના પુરાવા તરીકે ગ્રાહ્ય રહેશે.

લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઈએ તે માટે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ, 2006નો કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે રાજ્ય સરકારે નિર્દિષ્ટ કરવામાં આવેલા સ્થાનિક વિસ્તારોમાં લગ્ન રજિસ્ટ્રારની નિમણૂક કરી છે અને આ કાયદાની કલમ-5 પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં આવેલું છે. આ કાયદાની નીચે લગ્નની નોંધણી ફરજિયાત છે.