યુરોપિયન યુનિયન સાથે છેડો ફાડ્યાનાં 9 વર્ષ બાદ ફરી એકવાર બ્રિટન અને યુરોપિયન યુનિયન મહત્ત્વના વેપાર અને સંરક્ષણ સંબંધો માટે સહમત થયા છે.
વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોને લંડનના લેન્કેસ્ટર હાઉસ ખાતે આ મહત્ત્વના કરારની જાહેરાત કરી હતી. કરારમાં સિક્યુરિટી અને સંરક્ષણ, બ્રિટિશ ખાદ્ય ઉત્પાદનો પરનાં નિયંત્રણોમાં ઘટાડો, બ્રિટિશ પ્રવાસીઓ માટેની સુવિધાઓમાં વધારો અને નવી મત્સ્ય સમજૂતીનો સમાવેશ થાય છે. બ્રેક્ઝિટ રેફરન્ડમમાં યુરોપિયન યુનિયન સાથે રહેવાના હિમાયતી એવા વડાપ્રધાન સ્ટાર્મરે બ્રેક્ઝિટ રિસેટ ડીલ પર જણાવ્યું હતું કે, આ સમિટ યુરોપિયન યુનિયન સાથેના સંબંધોના નવા યુગનો પ્રારંભ છે. આ સંધિ જરી પુરાણી ચર્ચાઓનો ત્યાગ કરીને આગળ વધવાનું આહવાન કરે છે. રિસેટ ડીલથી કૃષિ ઉત્પાદકો માટેની લાલફિતાશાહીમાં ઘટાડો થતાં ભોજન સસ્તાં બનશે, એનર્જી સિક્યુરિટીમાં વધારો થશે. વર્ષ 2040 સુધીમાં બ્રિટિશ અર્થતંત્રમાં 9 બિલિયન પાઉન્ડનો વધારો થશે.
ભારતીય વંશના કાઉન્સિલર અંજના પટેલની હેરોના મેયર તરીકે વરણી
મૂળ ભારતીય વંશના અંજના પટેલની હેરોના 73મા મેયર તરીકે સત્તાવાર નિયુક્તિ કરવામાં આવી હતી. તેઓ યુકેના પ્રથમ બ્રિટિશ ટાન્ઝાનિયન-ભારતીય મૂળના મેયર છે. કોન્સોર્ટ ટુ ધ મેયર તરીકે રૂપેશ પટેલની નિયુક્તિ કરાઈ હતી. મેયર અંજના પટેલે આ વર્ષ માટેનો મુદ્રાલેખ દયા, કાળજી અને આદર અપનાવ્યો છે. તેઓ બરોમાં એકતા અને આનંદ માટે પ્રતિબદ્ધ છે. આ વર્ષે તેમની પસંદગીની ચેરિટી આલ્કોહોલ અને ડ્રગ્સના બંધાણીઓ માટે કામ કરતી VIA તેમજ કટોકટીના સમયે સંવેદનાત્મક સપોર્ટ આપતી ચેરિટી Samaritans છે. કાઉન્સિલર અંજના પટેલનો જન્મ દારેસલામમાં થયો હતો અને 1975માં સ્થળાંતર કરી યુકે આવ્યાં હતાં. તેઓ વર્ષ 2000માં હેરોમાં સ્થાયી થયાં હતાં. તેઓ 2002માં પ્રથમવાર વેસ્ટ હેરો વોર્ડમાંથી કાઉન્સિલર તરીકે ચૂંટાયાં હતાં. તેઓ ગત 15 વર્ષથી બેલમોન્ટનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. તેમણે 2006-2010ના ગાળામાં કેબિનેટ મેમ્બર ફોર કોમ્યુનિટી એન્ડ કલ્ચર તેમજ સ્કૂલ્સ એન્ડ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ તરીકે સેવા આપી હતી. તેઓ 2022માં કેબિનેટ મેમ્બર ફોર એન્વિરોન્મેન્ટ એન્ડ કોમ્યુનિટી સેફ્ટી તરીકે અને તે પછી ડેપ્યૂટી મેયર બન્યાં હતાં. તેમણે 2006-2010ના ગાળામાં લંડન કાઉન્સિલમાં ઈક્વલિટીઝ એન્ડ ડાઈવર્સિટીનાં અગ્રણી સભ્ય તરીકે પણ સેવા આપી હતી. તેમણે 2007માં મહિલાઓ, યુવા લોકો અને વંશીય લઘુમતીના લોકોને કાઉન્સિલર બનવા પ્રોત્સાહન આપવા `બી એ કાઉન્સિલર' કેમ્પેઈન પણ ચલાવી હતી. તેઓ આર્ટ કાઉન્સિલ લંડન રિજિયન, હેરો ખાતે Harrow MENCAP, MINDના બોર્ડ મેમ્બર પણ રહ્યાં છે.
હડપ્પા લિપિના સૌથી જૂના સાઈન બોર્ડને હવે પ્રવાસીઓ પણ નિહાળી શકશે
વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરામાંથી આમ તો અનેક પૌરાણિક અવશેષો મળેલા છે, પરંતુ આ બધામાં તેનું સાઇન બોર્ડ સૌથી મહત્ત્વપૂર્ણ શોધ મનાય છે. આ સાઈન બોર્ડ મળ્યા બાદ પુરાતત્ત્વવિદોની ખુશીનો પાર રહ્યો ન હતો. નિષ્ણાતોના મતે આ વિશ્વનું સૌથી જૂનું સાઇન બોર્ડ છે. જોકે, આ બોર્ડના શબ્દો આજ દિન સુધી વણઉકેલ છે અને અનેક દેશોના તજ્જ્ઞો એના પર મંથન કરી રહ્યા છે. આ બોર્ડને જમીનમાંથી બહાર કાઢવું લગભગ અશક્ય હોવાથી આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ) દ્વારા નોર્થ ગેટ પાસે મળેલા આ સાઈનબોર્ડને ત્યાં જ માટીથી ફરી ઢાંકીને સુરક્ષિત કરી દેવાયું હતું! જોકે, તાજેતરમાં માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ધોળાવીરાની મુલાકાતે આવ્યાં ત્યારે એએસઆઇના પુરાતત્ત્વવિદો દ્વારા 23 વર્ષ બાદ ફરી ઉત્ખનન કરીને આ સાઇન બોર્ડ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. હવે સાઇન બોર્ડને કાચની પેટીથી સુરક્ષિત કરવામાં આવ્યું છે, જેથી આ ઐતિહાસિક સાઇટની મુલાકાત લેનારા પ્રવાસીઓ પણ અહીંની સૌથી મોટી શોધ એવા અસલ સાઇન બોર્ડને જોઈ શકશે! આ સાઇન બોર્ડમાં હડપ્પા લિપિના દસ મોટા અક્ષરો છે.
ટ્રમ્પ વિશ્વની સૌથી જૂની હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ આદું ખાઈને પડી ગયા છે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનું વહીવટીતંત્ર હાર્વર્ડ યુનિવર્સિટીની પાછળ જ પડી ગયું છે. ટ્રમ્પ સરકાર દ્વારા હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. હવે Harvard University વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી નહીં શકે. ગૃહ સુરક્ષા સચિવે એક પત્ર લખીને કહ્યું છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. સરકારનો આરોપ છે કે હાર્વર્ડમાં યહૂદી વિરોધી ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે મળીને કામ થઈ રહ્યું છે. સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ એક વિશેષાધિકાર છે, અધિકાર નથી. જોકે, હાર્વર્ડ યુનિવર્સિટીને મોકલવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જો હાર્વર્ડ આગામી શૈક્ષણિક શાળા વર્ષ પહેલાં સ્ટુડન્ટ અને એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ સર્ટિફિકેશન પાછું મેળવવાની તક ઇચ્છે છે, તો 72 કલાકની અંદર જરૂરી માહિતી પૂરી પાડે. યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દર વર્ષે 500-800 ભારતીય વિદ્યાર્થીઓ અને વિદ્વાનો હાર્વર્ડમાં અભ્યાસ કરે છે. હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભારતના 788 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. હાર્વર્ડની સ્થાપના 1636માં થઈ હતી અને તે વિશ્વની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાંની એક છે.