આપણાં દેશમાં વહેતી દરેક નદીનો પોતાનો ભવ્ય ઇતિહાસ છે. એક વાત એવી પણ છે કે ભારતમાં વહેતી મોટાભાગની નદીઓનાં નામ સ્ત્રીઓનાં નામ ઉપરથી જ પાડવામાં આવ્યાં છે. ઉત્તર દિશામાં જ્યાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર જેવી નદીઓનું સામ્રાજ્ય છે ત્યાં બીજી તરફ દક્ષિણ દિશામાં કૃષ્ણા અને ગોદાવરી જેવી નદીઓની બોલબાલા છે. સદીઓથી આ નદીઓ પર્વતમાંથી નીકળીને ધરતી ઉપર વહેતી રહી છે. આ નદીનાં પાણી દ્વારા આપણાં દેશમાં અનેક લોકોની તરસ છિપાય છે, ઘર ઘર સુધી પાણી પહોંચે છે. આપણાં દેશની અનેક પવિત્ર નદીઓમાંથી એક એટલે મધ્ય પ્રદેશની બેતવા નદી. આ નદીની ઐતિહાસિક કથા ઘણી જ રોમાંચક છે, વળી તેની આસપાસ બનેલાં દેવાલયોને શ્રેષ્ઠ કલાકૃતિનાં ઉદાહરણ પણ માનવામાં આવે છે.
બેતવા નદી ઉત્તર ભારતમાં મધ્ય પ્રદેશના હોશંગાબાદની ઉત્તર દિશામાંથી વિંધ્ય તરફથી નીકળે છે. તે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશનાં રાજ્યોમાંથી ઉત્તર પૂર્વમાં થઇને વહે છે અને આગળ જઇને યમુના નદી સાથે ભળી જાય છે.
બેતવા નદીનો ઇતિહાસ
બેતવા નદીને સંસ્કૃતમાં વેત્રાવતીના નામે ઓળખવામાં આવે છે. આ નદીનો ઉલ્લેખ મહાભારતમાં પણ વાંચવા મળશે. આ યમુનાની સહાયક નદીઓમાંથી એક નદી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે પ્રાચીન સમયમાં ચેદી સામ્રાજ્યનું પાટનગર આ નદીના તટે વસેલું હતું. બેતવા યમુના સંગમ સુધી 590 કિલોમીટર લાંબી છે. મધ્ય પ્રદેશમાં 232 કિલોમીટર અને ઉત્તર પ્રદેશમાં 358 કિલોમીટરની લંબાઇ આ નદી ધરાવે છે. આ નદીની સુંદરતાને માણવા અનેક લોકો અહીં આવે છે. નદી અને તેની આસપાસનાં મંદિર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
બેતવા નદી આસપાસનાં ધાર્મિક સ્થળો
બેતવા નદીને મધ્ય પ્રદેશની મુખ્ય નદી માનવામાં આવે છે. આ નદીના કિનારે તમને અનેક ધાર્મિક સ્થળો જોવા મળશે, જે તેમની કલાકૃતિ માટે ખૂબ જ ફેમસ છે. આ નદીની પાસેના પ્રાચીન ચરણતીર્થમાં તમને ભગવાન રામનાં ચરણચિહ્નો જોવા મળશે. આ જોવા માટે અનેક જગ્યાએથી ભાવકો દર્શનાર્થે આવતાં હોય છે. આમ તો બેતવાની સુંદરતા નિહાળવી હોય તો મશી પ્રદેશના ઓરછાથી જ તેની સુંદરતા નિહાળવાનો લહાવો તમને મળી જાય છે. આ જગ્યા એવી છે જ્યાં તમે શાંતિની સાથે આધ્યાત્મિક અનુભવ પણ મેળવી શકો છો.
તમે કોલાર ડેમથી આગળ જઇને બેતવા નદીનું ઉદગમસ્થાન પણ નિહાળી શકો છો, બેતવા નદીની ઉત્પત્તિ જે જગ્યાએ થઇ હતી તે જગ્યાએ એક કુંડ બનાવવામાં આવ્યો છે, અલબત્ત, આ પવિત્ર જગ્યા હોવાથી તે કુંડને ચારેબાજુથી બાંધી લેવામાં આવ્યો છે જેથી કોઇ ગંદકી ન કરી શકે પણ આ કુંડને ચોક્કસપણે જોવા જેવો છે. જો તમે ઉનાળાના સમયે આ કુંડ જોવા જશો તો તે સુકાયેલો કે સાવ ઓછાં પાણીવાળો જોવા મળશે, પણ જો તમે વરસાદી વાતાવરણમાં આ જગ્યાએ જશો તો અહીંની આહલાદક સુંદરતા જોઇને તમે ચોક્કસ મંત્રમુગ્ધ થઇ જશો. વરસાદી વાતાવરણમાં કુંડમાં પાણી પણ સારા પ્રમાણમાં ભરાયેલું હોય છે.
બેતવા નદી અને કોલાર ડેમ પાસે ઝીરી કરીને એક જગ્યા છે. આ જગ્યાએ તમે કેમ્પેન કરવા કે પિકનિક માટે જઇ શકો છો. આ જગ્યા સાંજના સમયે વધારે સુંદર લાગતી હોય છે, એટલે અહીં એક રાત રોકાવાનો લહાવો ચોક્કસ લેવો જોઇએ.
કેવી રીતે જશોઃ બેતવા નદી જવું હોય તો તમે ઈંદૌરથી જઇ શકો છો. ઈંદૌર બાય એર કે ટ્રેન દ્વારા પહોંચવાનું રહેશે, ત્યાંથી પ્રાઇવેટ વાહન બાંધી લેવું. ત્યાંના રહેવાસી હોય તે તમને બેતવા, ઝીરી અને તેની આસપાસનાં તમામ સ્થળો બતાવશે જેથી તમે બેતવાની આસપાસના દરેક સ્થળને જોવાનો લાભ લઇ શકો. બેતવા જોવા જાવ ત્યારે એક રાત ઝીરી અવશ્ય રોકાવું, ઝીરીનું નાઇટ કેમ્પેન કાયમી સંભારણું બની જશે.