અમિતાભ બચ્ચન અને શશી કપૂરની ફિલ્મ આવી હતી, દો ઔર દો પાંચ, વિજય અને સુનિલ નાના ચોર છે, તેમના બોસ તેમને બિટ્ટુનું અપહરણ કરવાનું કહે છે. બંને એક સંવાદ સાંભળે છે અને સુધરી જાય છે. એ સંવાદ હતો `બચ્ચે તો ભગવાન કા રૂપ હોતા હૈ.' બાળકોને ભગવાનનું રૂપ-સ્વરૂપ માનવામાં આવે છે. આવું જ કંઈક તે સમયે, તે વ્યક્તિએ પણ વિચાર્યું હશે! પાસાઉ જર્મનીના લોઅર બાવેરિયામાં આવેલું એક શહેર છે. અહીં ત્રણ દિશામાંથી ત્રણ નદીઓ મળે છે, તેથી તેને ડ્રેઇફ્લ્યુસેસ્ટેડટ (ત્રણ નદીઓના શહેર) તરીકે પણ ઓળખવામાં આવે છે. `ઇન'નું પાણી સીધું આલ્પ્સમાંથી આવે છે, તે લીલું છે, `ડેન્યુબ'નું પાણી વાદળી છે અને `ઇલ્ઝ'નું પાણી કાળું છે, તે મૂરલેન્ડમાંથી આવે છે.
વાત છે 1894ની, નદીકાંઠો બાળકોને રમવા માટે સરસ જગ્યા હોય છે. નદી તેના કિનારે બાળકોને રમવા માટે એક સુંદર વાતાવરણ પૂરું પાડે છે. તે દિવસે પણ કાંઈક એવું જ હતું. નદી હતી, કેટલાંક બાળકો ભેગાં થયાં અને રમવા લાગ્યાં. રમતાં રમતાં બાળકોને ખ્યાલ ન રહ્યો અને તેમાંનો એક છોકરો નદીના પાણીમાં ગબડી પડ્યો. પ્રવાહ ખૂબ જ તેજ હતો, ઉપરથી પાણી બરફ જેવું ઠંડું હતું. નાનકડો ચાર-પાંચ વર્ષનો છોકરો તેને તરતા તો આવડે નહિ, ડૂબવા લાગ્યો. કાંઠા પરનાં બાળકોએ શોરબકોર કરવા માંડ્યો. સદ્ભાગ્યે બાળકને સમયસર નદીમાંથી ઉગારી લેવામાં આવ્યો અને તેનો જીવ બચી જવા પામ્યો હતો. બાળકનો જીવ કોણે બચાવ્યો હતો?
મેક્સ ટ્રેમેલ (1902-1980) પાદરી હતા, જે યુરોપના સૌથી પ્રસિદ્ધ ઓર્ગેનિસ્ટમાંના એક બન્યા હતા. મેક્સ ટ્રેમેલના કહેવા અનુસાર તેમના પુરોગામી જોહાન કુહેબર્ગરે ડૂબતા બાળકને બચાવ્યો હતો, ત્યારે એ દયાળુ પાદરી જોહાન કુહેબર્ગરે એમ જ વિચાર્યું હશે `બાળક તો ભગવાનનું રૂપ કહેવાય'. પાદરીના કારણે બચી ગયેલો બાળક લાખો લોકોનું દુર્ભાગ્ય બની ગયો હતો. બચી ગયેલો, બચાવી લીધેલો બાળક એ બીજું કોઈ નહિ પણ એડોલ્ફ હિટલર (જન્મ 20 એપ્રિલ, 1889) હતો.
ફાધર ટ્રેમેલે 1980માં તેમના મૃત્યુ પહેલાં જણાવ્યું હતું કે કેવી રીતે ફાધર કુહેબર્ગરે હિટલરને નદીના પાણીમાં સંઘર્ષ કરતા જોયો હતો અને તેને બચાવવા માટે ડૂબકી લગાવી હતી. જોકે, હિટલરે તેના જીવનકાળ દરમિયાન આ વાર્તાની ક્યારેય પુષ્ટિ કરી ન હતી, પરંતુ પાસાઉમાં 1894ના ડોનાઉઝેઇટંગ ડેન્યુબ અખબારમાંથી એક નાનું કટિંગ મળી આવ્યું છે તે વર્ણવે છે કે કેવી રીતે તે વર્ષના જાન્યુઆરીમાં નદીના પાતળા બરફમાં પડ્યો હતો.
હેનરી ટેન્ડે પ્રથમ વિશ્વયુદ્ધમાં સૌથી વધુ સુશોભિત ખાનગી સૈનિક બન્યા હતા. વોરવિકશાયરના વતની ટેન્ડેને `સ્પષ્ટ બહાદુરી' માટે વિક્ટોરિયા ક્રોસ મળ્યો હતો. જોકે, તેની બહાદુરીને ગ્રહણ લાગ્યું જ્યારે તેના પર એડોલ્ફ હિટલરનું 1918માં જીવન બચાવી લેવાના આરોપો લાગ્યા હતા. હિટલરે ચેમ્બરલેનને કહ્યું કે સૈનિકે તેની તરફ બંદૂક તાકી હતી, પરંતુ તેને બચાવ્યો હતો. `તે માણસ મારી હત્યા કરવા માટે એટલો નજીક આવ્યો કે મને લાગ્યું કે મારે ફરી ક્યારેય જર્મની જોવું પડશે નહીં.' ટેન્ડેએ પાછળથી જણાવ્યું તેમ તે યુદ્ધની અંતિમ ક્ષણો દરમિયાન, જ્યારે જર્મન સૈનિકો પીછેહઠ કરી રહ્યા હતા ત્યારે એક ઘાયલ જર્મન સૈનિક તેની ફાયર રેન્જમાં પ્રવેશ્યો હતો. `મેં લક્ષ્ય સાધ્યું પણ ઘાયલ સૈનિકને ગોળી મારી શક્યો નહીં, તેથી મેં તેને જવા દીધો. જર્મન સૈનિકે આભાર માની માથું હલાવ્યું અને ગાયબ થઈ ગયો.'
બે બે વખત જીવતદાન પામેલો હિટલર માનવજાતનો સૌથી મોટો રાક્ષસ ગણાયો છે. જો તે માણસ હિટલરને ગોળી મારી શક્યો હોત તો ઓછામાં ઓછા છ મિલિયન યહૂદી પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનો જીવ બચી ગયો હોત! પાદરી અને હેનરી ટેન્ડેના એક વિચારે ઇતિહાસ બદલી નાખ્યો હતો. એક ગોળીએ 30 જાન્યુઆરી, 1948ના દિવસે પણ ઇતિહાસ બદલી
નાખ્યો હતો.