HMPV એટલે હ્યુમન મેટા ન્યૂમોનિયા વાઈરસ કે જે શ્વસનતંત્રને અસર કરતો વાઈરસ છે. આ વાઈરસ કોરોના વાઈરસ, ઈન્ફ્લુએન્ઝા વાઈરસ તથા રેસ્પિરેટરી સેન્સિટીયલ વાઈરસ પ્રકારના આરએનએ ગ્રૂપનો વાઈરસ છે. આ વાઈરસ વર્ષ 2001થી અસ્તિત્વમા છે, પરંતુ અત્યાર સુધી આ વાઈરસનો રોગચાળો મહદંશે જોવા મળ્યો નથી. તાજેતરમાં ચીનમાં ગયા મહિને આ વાઈરસની એપિડેમિકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતમાં પણ HMPVથી ગ્રસ્ત દર્દીઓ જોવા મળી રહ્યા છે.


કારણ

આ વાઈરસ પણ શ્વસનતંત્રને અસર કરતો હોવાથી અન્ય ફ્લૂ વાઈરસની જેમ જ હોય છે. જેમ કે, છીંક ખાવાથી, ઉધરસ ખાવાથી અથવા તો HMPV વાઈરસગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાથી આ વાઈરસ ટ્રાન્સમિટ થતો હોય છે. સામાન્ય રીતે ઠંડીની ઋતુ, ભેજવાળું વાતાવરણ તથા ઓછા તાપમાનમાં આ વાઈરસ વધારે પ્રસરતો હોય છે, કારણ કે આ પ્રકારના વાતાવરણમાં તે સર્વાઈવ વધારે કરી શકે છે.

લક્ષણો

HMPV વાઈરસગ્રસ્ત વ્યક્તિને મહદંશે નીચે પ્રમાણેનાં લક્ષણો જોવા મળે છે. જેમાંથી મોટાભાગે વાઈરલ ઇન્ફેક્શનનાં લક્ષણો જ હોય છે.

શરદી

સળેખમ

નાકમાથી પાણી આવવું

સૂકી ખાંસી આવવી

તાવ આવવો

થાક લાગવો

જોકે, આ રોગ શ્વસનતંત્ર (ખાસ કરીને ફેફસાં) સુધી પ્રસરે તો તેવા દર્દીમાં શ્વાસ ચઢવો, છાતીમાં દુખવું, ગભરામણ થવી, ભૂખ ન લાગવી જેવાં ભયજનક લક્ષણો પણ જોવા મળી શકે છે.

નિદાન

સામાન્ય રીતે આ વાઈરસગ્રસ્ત વ્યક્તિને ફિઝિશિયન ડોક્ટર દર્દીનાં લક્ષણો પરથી પ્રાથમિક નિદાન કરી શકે છે, પરંતુ જો આ રોગનું ચોક્કસપણે નિદાન કરવું હોય તો થ્રોટ શ્વેબ લઈને આરટીપીસીઆર નામના ટેસ્ટ દ્વારા કરી શકાય છે, પરંતુ દરેક દર્દીને આ રિપોર્ટ કરાવવો જરૂરી નથી. જ્યારે ફિઝિશિયન ડોક્ટરને આ રોગ સંબંધિત ભયજનક લક્ષણો લાગે તો તેવા કેસમાં આ રિપોર્ટ કરાવવો હિતાવહ હોય છે.

આ ઉપરાંત લોહીના રિપોર્ટ જેમ કે, સીબીસી તથા સીઆરપી અને છાતીનો એક્સ-રે કે છાતીનો સિટી સ્કેન કરીને પણ આ રોગનું કેટલું પ્રમાણ છે તેનો ખ્યાલ મેળવી શકાય છે.

સારવાર

આ રોગ સેલ્ફ લિમિટિંગ હોય છે, જેથી આ રોગમાં કોઈ વિશેષ સારવાર કરવાની મોટાભાગે જરૂર પડતી નથી, પરંતુ લક્ષણોમાં રાહત માટે ફિઝિશિયનની સલાહ પ્રમાણે તાવની, શરદી-ખાંસીની, વિટામિન - બી કોમ્પ્લેક્સ તથા વિટામિન - સીની દવાઓ લેવી જોઈએ.

HMPVગ્રસ્ત દર્દીએ સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી આ રોગ વધારે ફેલાય નહીં.

જો દર્દીને આ રોગ ફેફસામાં પણ અસર કરે તો દર્દીએ હોસ્પિટલમાં દાખલ થવું હિતાવહ છે. ફિઝિશિયનની સલાહ પ્રમાણે અન્ય રિપોર્ટ્સ કરાવીને આગળ વધવું યોગ્ય છે. આમ તો હજુ સુધી HMPV વાઈરસ વિરોધી એન્ટિવાઈરલ દવાઓ અસરગ્રસ્ત સાબિત થઈ નથી, પરંતુ દર્દીને જ્યારે ન્યુમોનિયા થાય અથવા તો આ રોગ બીજા અવયવો પર અસર કરે તો એના માટેની ચોક્કસ સારવાર ઇન્ટેન્સિવ કેર યુનિટમાં રાખીને આપવામાં આવતી હોય છે.

કોને HMPV થવાની શક્યતા વધારે હોય છે?

HMPV વાઈરસનું ઇન્ફેક્શન ખાસ કરીને નાનાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વયોવૃદ્ધ લોકો તથા ઇમ્યુન કોમ્પ્રોમાઈઝ્ડ (જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા) દર્દીઓમાં થવાની શક્યતા વધારે રહેલી છે. તેથી ખાસ કરીને આ લોકોએ જ્યારે આ વાઈરસનો એપિડેમિક હોય ત્યારે તેનાથી બચવાની સારસંભાળ લેવી જોઈએ.

કઈ રીતે બચવું?

આ વાઈરસ પણ કોરોના કે ઇન્ફ્લૂએન્ઝા કક્ષાનો જ વાઈરસ છે, તેથી આ વાઈરસથી બચવા માટે પણ એ જ સલાહ લાગુ પડે છે. જેમ કે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેવું, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું તથા સેનિટાઈઝેશ. શક્ય હોય ત્યાં સુધી આંખ, નાક કે ચહેરા પર હાથથી સ્પર્શ કરવો નહીં. HMPVના દર્દીના સંપર્કમાં આવવાનું ટાળવું.

વેક્સિન

હજુ સુધી HMPV વાઈરસ માટેની ચોક્કસ વેક્સિન શોધાઈ નથી, પરંતુ આ વાઈરસ આરએનએ ગ્રૂપનો વાઈરસ હોવાથી ઇન્ફ્લુએન્ઝાની વેક્સિનથી થોડાઘણા અંશે આ વાઈરસની સામે પણ રોગપ્રતિકારક શક્તિ મળી શકે ખરી.

આ વાઈરસ કોરોના કે સ્વાઈનફ્લૂ વાઈરસ જેટલો ઘાતક નથી, તેથી તે ફેફસાંને વધુ અસર કરતો નથી, તેથી HMPVના એપિડેમિકથી લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તેની સાથે કોરોના દરમિયાન આપણે જે કાળજી રાખી હતી કે જે હવે વિસરાઈ રહી છે તે બધી કાળજી લેવાની જરૂર તો ચોક્કસ છે.


  • Follow us on: