• વાળને લાંબા કરતી જાતજાતની હેર પ્રોડક્ટના ઉપયોગ કરતા ઘરગથ્થુ ઉપચાર કરવાથીવધુ ફાયદો થાય છે

લાઇફસ્ટાઇલની અસર ત્વચા ઉપરાંત વાળ ઉપર પણ પડી રહી છે. વાળને લગતી એક નહીં અનેક સમસ્યા છે, એમાં વાળ લાંબા ન થવા અથવા વાળનો ગ્રોથ ન થવો એમાંની એક છે. એ અંગે યુવતી ગંભીર બની છે અને હેરને લાંબા બનાવવા જાતજાતની હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. એનાથી ક્યારેક ફાયદો થાય છે તો ક્યારેક નુકસાન. આજે આપણે વાળનો ગ્રોથ વધારે અને વાળ લાંબા કરે એવા ઘરેલુ ઉપાયો અંગે વાત કરીશું.

ડુંગળીનો રસ

વાળને લાંબા અને ઘટાદાર બનાવવામાં ડુંગળીનો રસ મદદરૂપ થાય છે. ડુંગળીનો રસ વાળને પોષણ આપે છે. જેથી વાળમાં વૃદ્ધિ થાય છે. હવે તો ડુંગળીનો ઉપયોગ અનેક હેર પ્રોડક્ટ બનાવવામાં થાય છે. વાળની લંબાઇને ધ્યાનમાં રાખી એક અથવા બે નંગ ડુંગળી લો. તેને કાપીને મિક્સરમાં પીસીને ગાળી ડુંગળીનો રસ કાઢો. આ રસને રૂની મદદથી સ્કૅલ્પમાં લગાવો. રસ વધે તો તેને વાળમાં પણ લગાવી શકો. 20 મિનિટ સુધી વાળમાં રહેવા દઇ શેમ્પૂથી વાળ ધોઈ લો.

બાયોટિન

વાળને લાંબા કરવામાં બાયોટિન સામેલ છે. ત્વચા અને વાળ માટે બાયોટિન જરૂરી પોષકતત્ત્વ છે. તેને વિટામિન બી પણ કહેવામાં આવે છે. એની ઊણપના કારણે વાળ ખરવા અને પાતળા થવા લાગે છે. બાયોટિનનો ઉપયોગ વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બેત્રણ બાયોટિનની ગોળી અને થોડું ઓલિવ ઓઇલ અથવા નારિયેળ તેલ લો. બાયોટિનની ગોળીને ક્ર્શ કરીને પાઉડર બનાવી લો. પાઉડરને હેર ઓઇલમાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને વાળમાં લગાવીને આખી રાત લગાવી રાખો. સવારે વાળ ધોઈ લો.

મીઠા લીમડાનાં પાન

મીઠો લીમડો સ્વાદની સાથે વાળ વધારવાનું કામ પણ કરે છે. વાળ માટે લીમડાનાં પાન ફાયદાકારક છે. તે વાળમાં ટોનિકની જેમ કામ કરીને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. લીમડો વાળનો ગ્રોથ તો વધારે જ છે સાથે સાથે કસમયે સફેદ થતાં વાળને અટકાવે છે. એક વાટકી લીમડાનાં પાન અને અડધો કપ નારિયેળનું તેલ. લીમડાનાં પાનને નારિયેળના તેલમાં ગરમ કરો. તેલ ઠંડું થઇ જાય એટલે તેને ગાળીને બોટલમાં ભરી લો. આ તેલથી સ્કૅલ્પમાં માલિશ કરો.

ગ્રીન ટી

ગ્રીન ટી પોલિફેર્નોલ્સથી ભરપૂર હોય છે, જે વાળનો વિકાસ કરવામાં મદદ કરે છે. વાળની વૃદ્ધિમાં ગ્રીન ટીનો ઉપયોગ અથવા સેવન ફાયદારૂપ છે. એ માટે એકથી બે ગ્રીન ટી બેગ્સ અને એક મગ પાણી. પાણીને ઉકાળી એમાં ગ્રીન ટી બેગ્સ નાંખી દો. તેને થોડી મિનિટ પાણીમાં પલાળી દો. એ પછી ગ્રીન ટી બેગ્સને કાઢીને પાણીને ઠંડું થવા દો. પાણી ઠંડું થઇ જાય ત્યારે શેમ્પૂથી વાળ ધોયા બાદ ગ્રીન ટીયુક્ત પાણીથી વાળ ધોઈ લો.

  • Follow us on: