શું તમે સુખી છો?

સાવ સાદો સવાલ છે. હાલમાં જ નોકરી છૂટી ગઈ હોય કે ધંધામાં મોટી ખોટ ગઈ હોય કે પતિ-પત્ની વચ્ચે રોજિંદો કંકાસ ચાલી રહ્યો હોય કે બે ટંકનું ભોજન મેળવવાના પણ સાંસા હોય કે કોર્ટ-હોસ્પિટલનાં ચક્કર ચાલી રહ્યાં હોય. આવી બધી નક્કર અને ગંભીર સમસ્યાઓથી જો તમે બચેલા હશો તો તમે એવું કહી શકો હા, હું સુખી છું, લાઈફમાં કોઈ ખાસ પ્રોબ્લેમ નથી.

પણ ફરી વિચારો, શું તમે સુખી છો? જીવનમાં કોઈ મોટું દેખીતું દુઃખ ન હોવા છતાં મોટા ભાગના લોકો જીવનથી સંતુષ્ટ હોતા નથી. જીવનમાં બધાં જ સુખ-સગવડ હોવા છતાં બેચેની, નિરર્થકતા, એકલતા, જાતજાતના ડર, પોતાની પ્રિય વાત સાથે સૌ સહમત ન થતાં હોવાનો અસંતોષ વગેરે જેવી અનેક સમસ્યા માણસને સતાવી શકે. આપણે કટાક્ષમાં જેને `ભરેલા પેટની સમસ્યા' કહીએ છીએ એની સંખ્યા પણ ઓછી નથી હોતી અને એની સતામણી પણ ઓછી નથી હોતી.

બાકી આગલા લેખમાં આપણે વાત કરી તેમ, ટોલ્સ્ટોયને જીવનમાં કોઈ દુઃખ નહોતું. સંપત્તિ, ખ્યાતિ, સિદ્ધિના શિખર પર એ બેઠા હતા અને છતાં એ કઈ રીતે, કેટલી ભયંકર હદે દુઃખી થયા એની વાત એમણે એમની ટચૂકડી આત્મકથા કન્ફેશન (કબૂલાતનામું)માં આલેખી છે. આ પુસ્તક માત્ર ટોલ્સ્ટોયના જીવનનો આલેખ નથી. આપણે સૌ આપણા પોતાના જીવનની જે વિકરાળતા સામે જોવાની હિંમત નથી કરતાં તે આપણને આ ચોપડીમાં જોવા મળે છે. એ ડિસ્ટર્બ કરે એવી તો છે, પરંતુ છેવટે એમાં સમગ્ર માનવજાતના દુઃખનું રૂપ કેવું છે અને એની પાછળનાં કારણો કયાં છે એ દર્શાવવા ઉપરાંત દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ પણ ચીંધવામાં આવ્યો છે. સરવાળે પુસ્તક પોઝિટિવ છે. માટે એમાં ડર્યા વિના પ્રવેશીએ. હવે પછીના શબ્દો ટોલ્સ્ટોયના છે. લખાણ ટૂંકાવ્યું છે અને સુપાચ્ય બનાવ્યું છે.

***

નાનપણમાં મને ખ્રિસ્તી ધર્મની દીક્ષા અપાયેલી અને ધરમનું શિક્ષણ પણ મેં મેળવેલું, પરંતુ હું અઢારનો થયો અને યુનિવર્સિટીનું ભણતર મેં અધવચ્ચેથી છોડી દીધું ત્યાં સુધીમાં હું બધી ધાર્મિક માન્યતાઓ ત્યજી ચૂક્યો હતો. અત્યારે હું યાદ કરું છું તો મને લાગે છે કે મારી અંદર અત્યંત ગંભીર શ્રદ્ધા કહી શકાય એવું કશું નહોતું. મારી જે કંઈ શ્રદ્ધા હતી એ તો ધર્મનું શિક્ષણ આપનાર શિક્ષકોમાં અને વડીલોમાં જ હતી. ધાર્મિક શ્રદ્ધાનાં ઊંડાં મૂળિયાં મારામાં રોપાયાં નહોતાં.

મને યાદ આવે છે એ દિવસ, જ્યારે હું અગિયાર-બારનો હોઈશ અને એક રવિવારે અમારો એક મિત્ર વ્લાદિમીર અમને મળવા આવેલો. અમારાથી એ ઉપલા ધોરણમાં હતો. એણે હાઈસ્કૂલના ભણતરમાંથી જાણેલી એક મહાન શોધના સમાચાર અમને આપ્યાઃ `ગોડ જેવું કંઈ છે જ નહીં અને આ મામલે આપણને જે કંઈ શીખવવામાં આવે છે એ બધી ઉપજાવી કાઢેલી વાતો છે.' મને બરાબર યાદ છે કે મારા મોટા ભાઈઓને આ સમાચારમાં ભારે રસ પડેલો અને એમણે મને પણ આ ચર્ચામાં સામેલ કરેલો. અમને બધાને આ (નાસ્તિક) થિયરી રસપ્રદ લાગી. અમને થયું કે હા, વાત તો સાચી લાગે છે. અમે સૌએ વ્લાદિમીરે આપેલા સમાચારને ઉત્સાહભેર વધાવી લીધેલા.

એમ તો મને એ પણ યાદ છે કે મારો એક મોટો ભાઈ દિમિત્રી જ્યારે યુનિવર્સિટીમાં ભણતો હતો ત્યારે એ અચાનક જુસ્સાભેર ધરમ તરફ વળી ગયેલો. એ ચર્ચની બધી જ સર્વિસીસમાં ભાગ લેવા લાગ્યો, ઉપવાસ કરવા લાગ્યો અને એકદમ શુદ્ધ-પવિત્ર જીવન જીવવા લાગ્યો. એનો સ્વભાવ જ એવો હતો. એને ધૂનકી ચડી એટલે ચડી. એના સમવયસ્ક સાથી-સહાધ્યાયી તો ઠીક, એના સાહેબો પણ એની અતિ ધાર્મિકતાની મજાક ઉડાવતા. મને એ મજાક વાજબી લાગતી અને હું એવા તારણ પર પહોંચ્યો કે ધર્મની વાતો જાણવી અને ચર્ચમાં જવું ત્યાં સુધી બરાબર છે, બાકી ધરમને એકદમ ગંભીરતાથી લેવા જેવો નથી. મેં બહુ નાની ઉંમરે વોલ્તેરને વાંચેલો અને (ધર્મ બાબતે) એના મશ્કરીભર્યા ટોનથી મને આઘાત નહોતો લાગ્યો, ઊલટાનું એની વાતો વાંચવાનું મને ગમેલું.

પછી તો સમાન સામાજિક દરજ્જો અને સંસ્કૃતિ ધરાવતા અમારા ઉચ્ચ વર્ગમાં પહેલેથી જોવા મળતું આવ્યું છે તેમ, ધીમે ધીમે મારી બધી ધાર્મિક માન્યતાઓ ખરી પડી. જીવનમાંથી ધરમ ખરી પડવાની આ ઘટના મને લાગે છે કે સામાન્ય રીતે આ પ્રમાણે બનતી હોય છે: માણસ શું કરે? એ ટોળાને અનુસરે. સૌ જીવે એમ આપણે જીવવું એવી માણસની નીતિ હોય છે અને સૌ કઈ રીતે જીવે છે? સૌ જે જીવનપ્રણાલી અપનાવે છે એને ધરમ સાથે કશી લેવાદેવા નથી હોતી. ઊલટાનું ધરમમાં જે વાતો કહેવાઈ છે એનાથી ઊંધી જ દિશાનું જીવન લોકો જીવતા હોય છે. ધરમનો માણસના વ્યવહારુ જીવન પર કે માનવીય સંબંધો પર કોઈ પ્રભાવ નથી જોવા મળતો. લોકો એવું સ્વીકારી લે છે કે ધરમ અલગ જ બાબત છે અને જીવન જુદી જ ચીજ છે. ધર્મને એવા એક બાહ્ય, ઊંચા સ્તરે મૂકી દેવામાં આવે છે જ્યાં જીવન છે જ નહીં. ધર્મને જીવનથી જાણે સ્વતંત્ર રાખવામાં આવે છે.

માણસના જીવન અને વર્તન પરથી એ નક્કી નથી કરી શકાતું કે આ માણસ શ્રદ્ધાળુ છે કે નહીં. અલબત્ત, જે લોકો ધાર્મિક બાબતોમાં રૂઢિચુસ્ત છે અને જે ધરમને નકારે છે એ બંને વર્ગ વચ્ચે એવો ફરક જોવા મળે છે ખરો કે, જે બહુ બુદ્ધિશાળી નથી, ક્રૂર છે, અનૈતિક છે અને પોતાની જાતને બહુ મહત્ત્વ આપે છે એવા લોકો સામાન્ય રીતે ઓર્થોડોક્સીનો સ્વીકાર અને પ્રચાર કરનારા લોકો હોય છે. બીજી તરફ, બુદ્ધિ, પ્રામાણિકતા, સરળતા, ભલાઈ અને નૈતિકતા વગેરે બાબતો એવા લોકોમાં વધુ જોવા મળે છે જે પોતાને નોન-બિલીવર ગણાવે છે.

***

ટોલ્સ્ટોય અહીં જે સમય અને સમાજની વાત કરે છે એ ઓગણીસમી સદીના રશિયન સમાજની વાત છે. ટોલ્સ્ટોયનો આ એક અંગત અભિપ્રાય છે. એ અભિપ્રાય આજના યુગને, આજની દુનિયાને લાગુ પડે કે નહીં? કેટલો લાગુ પડે? વિચારજો.