આત્મમુગ્ધતા યાને નાર્સિસિસ્ટ વ્યક્તિત્વ. આવી વ્યક્તિ પોતાના જ પ્રેમમાં હોય છે. એને ખુદ સિવાય બીજા કોઇની પડી નથી હોતી. તે સતત બીજાનું એટેન્શન અને પ્રશંસા ઝંખે છે અને જો ન મળે તો ગુસ્સે થાય છે. આખી દુનિયાનું કેન્દ્રબિંદુ પોતે જ હોવો જોઇએ એવો એમનો દુરાગ્રહ હોય છે.

ગુસ્સો એના નાકના ટેરવે હોવાનો. તેઓને પોતાના સિવાય બીજું કોઇ સારું લાગતું નથી અને તેઓ સતત આત્મશ્લાઘામાં રાચતા હોવાથી એમનામાં ઇગો-સન્માનની ભૂખ અને અન્યને ઉતારી પાડવાની વૃત્તિ હોવાથી લોકો એમનાથી દૂર ભાગવાની કોશિશ કરે છે અને જ્યારે લોકો એની ઉપેક્ષા કરે ત્યારે વિદ્રોહી અને હિંસક બની શકે. જેનાં કારણોમાં મહત્ત્વકાંક્ષા, ઉછેર કે વારસાગત સ્વભાવ હોય છે, પરંતુ એનાં પરિણામ આખા પરિવારે ભોગવવાં પડે છે. પરિવારની એક વ્યક્તિ અન્યને નીગલેટ કરી પોતાનો જ કક્કો હરહંમેશ ખરો કરે તો અન્ય વ્યક્તિ હર્ટ થવાની જ. દલીલો, ઝઘડો અને હરીફાઇનું પ્રમાણ વધવાનું. પરિવાર સમાધાનવાળા સ્વભાવનો હોય તો પણ લાંબા સમય સુધી કોઇ એક વ્યક્તિનું વર્ચસ્વ ચલાવશે નહીં. સો આવી વ્યક્તિ સતત પરિવારમાં મહાભારત કરાવતી રહેશે.

આવી સેલ્ફ ઓબ્સેસ્ડ વ્યક્તિ બીજા માટે જરાય સહાનુભૂતિ નહીં ધરાવે. અન્યને એમના કામ માટે ક્રેડિટ નહીં આપે બલકે એમની પાસે છીનવી લે. તેઓ ઇમોનશલ એબ્યૂઝ અને મેનિપ્યુલેટ કરવામાં પાવરધા હોય છે. સવાલ એ છે કે આવી વ્યક્તિને હેન્ડલ કઇ રીતે કરવી? સૌપ્રથમ તો નાર્સિસ્ટ વ્યક્તિ જ્યારે પોતે જ કંઇ છે એવું વર્તન કરે ત્યારે ખુદને એમનાથી થોડા દૂર કરો. હરહંમેશાં એમના માટે અવેલેબલ રહેવાને બદલે ખુદ પર ધ્યાન આપો. અગર પાર્ટનર નાર્સિસ્ટ છે તો દલીલોને બદલે સાક્ષીભાવ રાખો અને પેરેન્ટ્સ નાર્સિસ્ટ હોય તો ધીરે ધીરે આત્મનિર્ભર બનવાની કોશિશ કરો. તમારી આત્મનિર્ભરતા એમને પ્રેશર આપતા અટકાવશે.

જ્યારે પાર્ટનર નાર્સિસ્ટ હોય ત્યારે એનાથી છેડો ફાડવો સરળ નથી હોતો. પરિવાર અને બાળકોનો વિચાર તથા અન્ય એવા સામાજિક, આર્થિક કારણસર એમની સાથે રહેવું પડે ત્યારે વ્યક્તિ પારાવાર માનસિક પીડા અનુભવે, જેની અસર કામ તથા અન્ય સંબંધો પર પણ પડે, તેથી ખુદને સ્વસ્થ રાખવા માટે ડાયરી લખી શકાય. એમાં એ વાત સ્પષ્ટ લખાય કે પોતે જે દુર્વ્યવહાર સહન કરે છે એમાં મારો કોઇ વાંક નથી અને સાથે પોતાના જે સારા ગુણો છે તે લખવા, જેથી નાર્સિસ્ટ વ્યક્તિનો વ્યવહાર તમને માનસિક રીતે તોડે નહીં અને લઘુતાગ્રંથિનો અનુભવ નહીં કરાવે. જ્યારે તમને લો ફીલ થાય ત્યારે તમારી સ્ટ્રેન્થને યાદ કરો.

નાર્સિસ્ટ વ્યક્તિ સાથે જ્યારે ઝઘડો થાય ત્યારે ઝઘડાની જવાબદારી લઇ લો. જવાબદારી લેવી એ વાતચીતને નિયંત્રિત કરવાની એક રીત બની શકે. નાર્સિસ્ટ જ્યારે તમને નીચા પાડીને સંતુષ્ટિ મેળવવાનો પ્રયત્ન કરે ત્યારે લડવાની જગ્યાએ તમે સોરી કહી દો કે સ્થિતિની જવાબદારી લઇ લો તો એને આશ્ચર્ય થશે અને ઝઘડો ત્યાં જ અટકી જશે. અગર નાર્સિસ્ટ પાર્ટનર કહે કે તું મારું બિલકુલ ધ્યાન નથી રાખતી તો એ વાત સ્વીકારીને કહી દેવાનું કે હા, આજકાલ હું ખૂબ થાકી જાઉં છું, મહેમાનની અવરજવર વધારે છે એટલે તમારા પર ધ્યાન નથી અપાતું, પણ આઇ વિલ ટ્રાય માય બેસ્ટ. અગર નાર્સિસ્ટ પેરેન્ટ્સ સંતાનોને સમય નથી આપતાની ફરિયાદ વારંવાર કરી ઝઘડા કરે તો આડીઅવળી દલીલ કરવાને બદલે તમારી ભૂલ સ્વીકારી લો. અગર તમે સમય આપતા હોવ તો પણ કહી દો કે પૂરતો સમય નથી અપાતો. તમે ભૂલ સ્વીકારશો એટલે એમનો ઇગો સંતોષાશે અને એમને એ જ જોઇતું હોય છે.

નાર્સિસ્ટ વ્યક્તિને આયનો બતાવવા માટે ક્યારેય સીધો ઘા ન કરાય, પરંતુ સ્માર્ટ અને ડિપ્લોમેટિક રસ્તો અપનાવવો. જ્યારે સામી વ્યક્તિ રક્ષાત્મક બને ત્યારે નાર્સિસ્ટ વધારે જોરથી હુમલો કરી શકે. એટલે સહાનુભૂતિ તથા એમને આત્મસંતુષ્ઠિ મળે એ રીતે વર્તવાથી એમનો ગુસ્સો નિયંત્રણમાં આવશે. જો નાર્સિસ્ટ પાર્ટનર એમ કહે કે તું મારું કામ કરવાનું ભૂલી જાય છે, હું તારા પર ક્યારેય ભરોસો નહીં કરું, તો સામે એટલું જ કહેવાનું કે કેમ, મારે તમારું કામ જ પહેલાં કરવું પડે. હું સમજી શકું છું કે હું તમારું કામ મેનેજ નથી કરી શકતી તો તમને કેવું ફીલ થતું હશે. બીજું, નાર્સિસ્ટનો ગુસ્સો એની સો ઓવર રિએક્ટ કરાય ત્યારે વધારે ફૂટે છે, તેથી એમની સાથે વાતચીત ટૂંકી જ કરવી. બને ત્યાં સુધી તમે હર્ટ થયા છો કે તમને ગુસ્સો આવે છે. એવી અભિવ્યક્તિ ન કરવી અથવા તો મારે માર્કેટ જવું છે એમ કહીને ત્યાંથી છટકી જવું. નાર્સિસ્ટને કંટ્રોલ કરવાનો એક ઉપાય છે. સ્પષ્ટ સીમાઓ બનાવવી. એમને પ્રેમથી, પરંતુ કડક શબ્દમાં કહી દેવું પડે કે અગર તમે મારી સાથે રિસ્પેક્ટથી વાત નહીં કરો તો હું તમારી સાથે વાત નહીં કરું. અગર ખોટી રીતે મને ગિલ્ટ ફીલ કરાવવાની કોશિશ કરશો તો હું હવે કોઇ જવાબદારી નહીં લઉં. આ ઉપરાંત નાર્સિસ્ટ વ્યક્તિના એકાદ સારા ગુણની હંમેશાં પ્રશંસા કરો. એમની સલાહ માંગો અને હું ને બદલે હંમેશાં આપણે વાક્યનો પ્રયોગ કરો, જેથી એને પોતાનું મહત્ત્વ લાગશે અને ઇમોશનલી કનેક્ટ અનુભવશે.

અગર એની સાથે સંબંધ રાખવો હોય તો ટ્રિક બરાબર છે, પરંતુ જો છેડો ફાડવો હોય તો તમારા ઇરાદાની જાણ લાસ્ટ મોમેન્ટ સુધી ન થવા દો અને વાતચીત બંધ કરી કે સોશિયલ મીડિયા પર ઇગ્નોર કરી ધીરે ધીરે આગળ વધો.