દરેક વ્યક્તિ પોતાના જીવનનો રાહ એના સપના મુજબનો બનાવે છે, પરંતુ એ રાહ પર એટલાં બધાં વિપરીત પરિબળોનો સામનો કરવો પડે કે વ્યક્તિનું ગણિત સાવ ઊંધું પડે.
પોતાની ઇચ્છા અને સપના મુજબ જિંદગી ન જીવવાનો અફસોસ વત્તેઓછે અંશે દરેકને પીડે છે. ઘણી વખત આ અફસોસ અને પસ્તાવો એટલો તીવ્ર હોય છે કે માણસ એની પાસે જે છે એને પણ માણી શકતો નથી. અર્જુનને જેમ માછલીની આંખ જ દેખાતી હતી એમ આવા લોકોને ગુમાવેલી તક જ દેખાય છે. દુર્ભાગ્યે આ રિગ્રેટ એમની જિંદગી બરબાદ કરી દે, તેથી આવા રિગ્રેટ વિના જીવતા શીખવું જ પડે. જેમ કે,
તમારા જીવનમાં બનેલી ઘટનાઓ, તમારી મહેનત, પરિણામ, મળેલા લોકો, આવેલાં વિઘ્નો, મળેલી તક, ગુમાવેલી તક વગેરે અંગે શાંતિથી બેસીને વિચારો. દરેક પોઇન્ટ લખો. એનાં કારણો તપાસો. મનને પીડતા અનેક સવાલોના જવાબ મળશે. તમારી ભૂલ હશે તો સુધરવાનો રસ્તો દેખાશે. સંજોગો જવાબદાર હશે તો કર્મ અને નસીબનું ગણિત સમજાશે. ક્યાંક લોકો નડ્યા હશે તો ક્યાં ભરોસો મૂકવો અને ક્યાં અંતર રાખવું એ સમજાશે. ભૂતકાળની ગતિવિધિઓ સમજાશે તો મન હળવું બનશે અને ભવિષ્ય માટેનો રસ્તો ક્લિયર દેખાશે.
ઘણી વખત માણસને ઘણું બધું મળે, પરંતુ એક વસ્તુ ન મળે એનો અફસોસ જિંદગીભર સતાવે. જિંદગીમાં ગયેલો સમય ફરી આવતો નથી. એ વાસ્તવિકતાને સ્વીકારી દુઃખી થવાનું બંધ કરવું જોઇએ અને એવી જ અન્ય નવી બાબત પર ફોક્સ કરો. અથવા તો એનાથી વધુ મહત્ત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો, જેથી પેલો અફસોસ ગાયબ થઇ જાય.
વળી, કેટલીક વ્યક્તિને અફસોસમાં જ ડૂબેલાં રહેવું ગમે. વીતેલા સમયને તેઓ દરેક સમક્ષ ગાયા કરે. આગળ વધવાને બદલે ફોન, ટી.વી., પારકી પંચાત, હેલ્થ ઇસ્યૂ વગેરેમાં ગળાડૂબ રહી સમય બરબાદ કરી બીજી અનેક અફસોસની ક્ષણો જીવનમાં ઉમેરે. સમય તો વહેતો જ રહેવાનો, એને વેસ્ટ કરવાથી જીવનની નવી તકો પણ જતી રહેશે અને જિંદગી બધાને બીજો ચાન્સ આપે જ છે અને ન આપે તો શોધો. સમય વેસ્ટ કરવાને બદલે નવી તક, નવાં ધ્યેય અને નવા રસ્તાઓ પર ફોક્સ કરો. મગજને રિગ્રેટની આગળ-પાછળ જ ભટકતું રાખશો તો આખું જીવન જ રિગ્રેટ બનીને રહેશે.
કેટલાક લોકો પોતાનાં સપનાં માટે ઝનૂની બન્યા વગર ગિવ-અપ કરે છે અને જે સરળતાથી મળી જતી મંજિલ હોય એને અપનાવી લે છે. દાખલા તરીકે તમારું ડૉક્ટર બનવાનું સપનું હોય, પરંતુ પેરામેડિકલમાં ઓછી મહેનત હોવાથી તમે ડૉક્ટર બનવાના સપનાને હાંસિયામાં ધકેલી દો. મે, બી પેરામેડિકલમાં તમે ખૂબ સફળ થાઓ, પરંતુ જ્યારે તમે અન્ય ડૉક્ટરને માન-સન્માન મેળવતા જુઓ ત્યારે તમને ડૉક્ટર ન બનવાનો અફસોસ સતાવશે. સપનાં સાકાર કરવા માટે મહેનત કરવાને બદલે જ્યારે અન્ય સપનાનું સેટિંગ કરો ત્યારે રિગ્રેટ થાય જ. સો જે ઇચ્છો છો તે જ મેળવવાનો પ્રયાસ ન કરો. સલામતી અને સરળતા જીવનમાં શાંતિ અને સ્થિરતા આપી શકે, પરંતુ આનંદ અને રોમાંચની ચરમસીમા નહીં આપી શકે. જીવનમાં દરેક નિર્ણયો તોલી-તોલીને લેવાય તો દિલનો અવાજ દબાઇ જાય અને જ્યારે માણસ દિલને બદલે દિમાગથી નિર્ણય લે ત્યારે જીવનમાં એને ક્યાંક ને ક્યાંક ખૂટતાનો અહેસાસ રહેવાનો જ. દિલના રસ્તા પર પડકારો રહેવાના, પરંતુ માણસ જો બોલ્ડ બનીને નિર્ણયો લે તો એ જે તકલીફો સહન કરશે એનાથી એનો ગ્રો થવાનો જ છે. સાહસને બદલે ભયભીત બનીને નિર્ણય લેશો તો જીવનમાં અફસોસનાં વાદળો સતત વરસતાં રહેશે અને જ્યારે આમ બને ત્યારે હું ખોટો હતો એવી કબૂલાત જાત સામે કરવી પડે.
કેટલાક લોકો પોતાની જિંદગીની હાર માટે ખુદને બદલે અન્યને જવાબદાર ઠેરવે છે, પરંતુ એકવાર નિર્ણય લીધા પછી શંકા જાગે અને એને બદલી શકવાની શક્યતા હોય તો એને બદલવાનું સાહસ તરત કરો. કોઇ હસશે કે જે નુકસાન થયું છે એની ચિંતા કરશો તો અફસોસ-પસ્તાવો અને પલાયનવાદની લાગણી તમને સતત ઊધઇની જેમ પીડતી રહેશે. યોદ્ધા હારે તો પણ કહેવાય તો યોદ્ધા જ છે. તેથી હારવાના ડરથી જંગમાં ન ઝંપલાવી સામાન્ય જ રહો એના કરતાં હારની શક્યતા સાથે પણ યોદ્ધા બનવાનું સ્વીકારશો તો બહારના જગતમાં જીતો કે ન જીતો તમારી જાત સામે તો તમે જીતશો જ અને જાત સામે જીતનારને અફસોસ દુઃખી નથી કરતો.
હા, આ જુસ્સા માટે થોડી બેફિકરાઇ જોઇએ. દરેક વસ્તુને અતિ ગંભીરતાથી લેનાર અને હંમેશાં લેખાંજોખાં કરનાર જીવનનો આનંદ માણી શકતો નથી, તેથી અફસોસની વર્ષાથી ભીંજાતા ન રહેવું હોય તો,
સાહસિક બનો
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો
આગળનું જુઓ
તમારા ડરને સમજો
દિલની વાત સાંભળો
હારને સ્વીકારો અને હરાવો
