ટોલ્સ્ટોયની આત્મકથા : `કબૂલાત'

કુમળો છોડ વાળો એમ વળે એ ન્યાયે મોટાભાગનાં બાળકો સામાન્ય રીતે કુમળી વયે ઘરના અને સમાજના સંસ્કાર પ્રમાણે નાના મોટા પાયે ધાર્મિક શિક્ષા-દીક્ષા પામતાં હોય છે અને પછી કૉલેજમાં આવ્યા બાદ ગંભીર ધર્મને બાજુ પર રાખીને યૌવન સહજ ધમાલમસ્તીમાં ડૂબી જતાં હોય છે.

કમ સે કમ આપણે જેમની આત્મકથાની વાત કરી રહ્યા છીએ એ રશિયન લેખક ટોલ્સ્ટોયના કિસ્સામાં તો આવું બન્યું. નાનપણમાં ધરમમાં પલોટાયા બાદ કિશોરાવસ્થા પૂરી થતાં સુધીમાં એ એમની લગભગ બધી જ ધાર્મિક માન્યતાઓ છોડી ચૂક્યા હતા. આગળની વાત સ્વયં ટોલ્સ્ટોયના શબ્દોમાં...

***

અંદરની શ્રદ્ધા અને બહારના દબાણના જોરે બાળક ધાર્મિક શિક્ષણ સ્વીકારી તો લે છે અને ધાર્મિક માન્યતા ટકાવી પણ રાખે છે, પરંતુ પછી જેમ જેમ જ્ઞાન વધતું જાય અને ધરમમાં કહેવાયેલી વાતોથી વિપરીત અનુભવોનું પ્રમાણ જીવનમાં વધતું જાય તેમ તેમ ધાર્મિક સંસ્કારોનો પ્રભાવ ઘટતો જાય. પરિણામે થાય એવું કે અંદરખાને તો માણસ એવું માનતો રહે કે મારામાં બાળપણમાં રોપાયેલા ધાર્મિક સંસ્કારો ટકી રહ્યા છે, પરંતુ વાસ્તવમાં તેની અંદર ધરમનો અંશ પણ ટક્યો ન હોય એવું બને. મારો એક મિત્ર છે. એ એકદમ બુદ્ધિશાળી અને પ્રામાણિક માણસ છે. એની ધાર્મિક શ્રદ્ધા કઈ રીતે ઊડી ગઈ એની વાર્તા એણે મને કહી. થયું એવું કે છવ્વીસેકની ઉંમરે મારો એ ભાઈબંધ એના ભાઈ તથા કેટલાક અન્ય સાથીઓ સાથે શિકારે નીકળ્યો. જંગલમાં રાત પડી. સૌ ઘાસ પર સૂતાં. મારા ભાઈબંધે સૂતાં પહેલાં નાનપણના સંસ્કારને અનુસરીને ઘૂંટણભેર નમીને પ્રાર્થના કરી. પછી એણે લંબાવ્યું ત્યારે બાજુમાં સૂતેલા એના મોટા ભાઈએ કહ્યું, `તું હજુ આ બધું કરે છે?'

બસ, આટલું જ. પછી એ બે ભાઈઓ વચ્ચે આ મુદ્દે બીજી કશી વાત ન થઈ.

પરંતુ થયું એવું કે એ દિવસથી મારા મિત્રે પ્રાર્થના કરવાનું તેમજ ચર્ચમાં જવાનું બંધ કરી દીધું. એણે મનમાં ગાંઠ વાળી કે હવે ન જોઈએ આ બધું. વાત ફક્ત એટલી જ હતી કે એના ભાઈની ટચૂકડી ટિપ્પણીએ તૂટતી દીવાલને એકદમ હળવો ધક્કો માર્યો. એમાં દીવાલ પડી ગઈ. મારા મિત્રને અચાનક સમજાઇ ગયું એના હૃદયમાં શ્રદ્ધાનું એક સ્થાન હોવાનું એ માની રહ્યો હતો, પરંતુ આંખો ખોલીને જોયું તો એને સમજાયું કે શ્રદ્ધાવાળું એ સ્થાન તો ખાલીખમ હતું. એ જે કંઈ કરતો હતો - પ્રાર્થનાના શબ્દો ઉચ્ચારવા, ક્રોસની નિશાની કરવી, ઘૂંટણભેર નમવું વગેરે બધું નિરર્થક હતું.

અહીં હું કેવળ એ લોકોની વાત કરી રહ્યો છું જે મારા જેવું બૅકગ્રાઉન્ડ ધરાવે છે. હું એમની વાત નથી કરી રહ્યો જે લોકો સાંસારિક લાભ માટે ધર્મનો વ્યાવસાયિક ધોરણે ઉપયોગ કરે છે. આવા લોકો તો સૌથી જડ એવા અશ્રદ્ધાળુઓ હોય છે, કારણ કે જો તેઓ શ્રદ્ધાને દુન્યવી લાભનું સાધન માનતા હોય તો એમની શ્રદ્ધાને શ્રદ્ધા ગણી જ ન શકાય. હું અમારા વર્ગના જે લોકોની વાત કરું છું એમની સાથે એવું બનતું હોય છે કે જીવતરના વાસ્તવિક અનુભવોના પ્રહારો વેઠીવેઠીને એમની અંદરની, કૃત્રિમ રીતે બંધાયેલી, શ્રદ્ધાની ઇમારત તૂટી પડે છે. ઘણા લોકો પોતાની અંદરની આ ઘટનાને જોઈ શકે છે અને તૂટેલી શ્રદ્ધાનો કાટમાળ જાતે જ દૂર કરી નાખે છે. તો કેટલાકને વળી એ વાતની જાણ પણ નથી થતી કે એમની અંદરની શ્રદ્ધાની ઇમારત ક્યારની તૂટીને જમીનદોસ્ત થઈ ચૂકી છે.

અન્ય લોકોની જેમ મારી અંદર પણ બાળપણમાં રોપાયેલા ધાર્મિક સંસ્કારો તો ગાયબ થયા, પરંતુ મારા કિસ્સામાં એક ફરક એ હતો કે હું બહુ નાની ઉંમરથી ઘણું બધું વાંચવા-વિચારવા લાગેલો. પરિણામે મેં પ્રમાણમાં નાની ઉંમરે અને સભાનપણે ધર્મનો ત્યાગ કર્યો. સોળની ઉંમરે પ્રાર્થના કરવાનું આપોઆપ અટકી ગયું અને ઉપવાસ કરવાનું તથા ચર્ચમાં જવાનું મેં જાતે સમજી વિચારીને બંધ કર્યું.

***

આપણે આપણી વાત કરીએ, આજની વાત કરીએ.

બાળપણની વિદાય સાથે શ્રદ્ધા પણ વિદાય લે એવું તમારી સાથે બન્યું છે ખરું?

આજે ચારે તરફ નજર કરતાં શું જોવા મળે છે? આજના યુગના ભારતના લગભગ બધેબધા ધર્મોમાં સ્ફૂર્તિ તો ઘણી જોવા મળે છે, પરંતુ એ મુખ્યત્વે સામાજિક-રાજકીય જુસ્સો છે અને એમાં વિધિઓ અને ઉત્સવો પર વધુ ભાર મુકાઈ રહ્યો છે. પોતાના ધર્મને આગ્રહપૂર્વક અને ગૌરવભેર વળગી રહેવાની વૃત્તિ તો મોટાભાગની પ્રજામાં જોવા મળે છે, પરંતુ ઇશ્વર પ્રત્યેની ઊંડી આસ્થા અને ઇશ્વર સાથેના અંગત-જીવંત સંપર્કના મામલે ટોલ્સ્ટોયના યુગના રશિયા અને આજના યુગની દુનિયામાં ઝાઝો ફરક નથી પડ્યો. આજે પણ એવું જોવા મળી રહ્યું છે કે બાળકો નાની ઉંમરે કાલીઘેલી ભાષામાં ધાર્મિક પૂજાપાઠ, વિધિઓ કરે ખરાં, પરંતુ કોલેજમાં પહોંચ્યા પછી એમના અગ્રતાક્રમમાં ફ્રેન્ડ્ઝ, ફિલ્મ્સ, ફૅશન, સોશિયલ મીડિયાનું સ્થાન મહત્ત્વનું અને ઇશ્વરનું સ્થાન ગૌણ બનતું જાય. બહુ બહુ તો કૉલેજના અને સમાજના રાજકારણમાં પોતાનો અવાજ નોંધાવવા પૂરતા એ પોતાની ધાર્મિકતાનો ખોંખારો ખાય ખરા, પરંતુ એ સિવાય ધરમના મરમમાં ઊંડા ઊતરવામાં એમને ઝાઝો રસ નથી હોતો. જુવાનિયાઓને ધરમ-ધ્યાન અને પૂજાપાઠ બાબતે સામાન્ય રીતે એવું લાગતું હોય છે કે એ બધું તો પ્રૌઢો-વૃદ્ધો માટે છે, અમારે તો કરિયર બનાવવાની છે, જીવનસાથીની શોધ કરવાની છે, અમારે બીજાં ઘણાં કામો છે.

આ સ્થિતિ સારી ગણાય કે ખરાબ એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે ટોલ્સ્ટોયના જીવનમાં ધર્મના મામલે જે ચડાવ-ઉતાર આવ્યા એવા તમારા જીવનમાં પણ આવ્યા કે નહીં એ વિશે થોડું વિચારી જોવું અને મૂળ વાતઃ ટોલ્સ્ટોયે આગળ જતાં જે ભયંકર માનસિક યાતનાઓ વેઠી એવી યાતના આપણે પણ ન વેઠવી પડે એ માટે શું થઈ શકે તે આપણે આ આત્મકથામાંથી શીખી શકીએ તેમ છીએ. માટે એને ધ્યાનથી અને ધીરજથી સમજવાની કોશિશ કરવી.