દિવાળી ધીમા પગલે આપણા તરફ આવી રહી છે. પ્રકાશ પર્વ તરીકે ઓળખાતા આ દીપ પર્વની વિશેષતા એ છે કે, સમગ્ર દેશ આ પર્વને ઊજવવા આતુર હોય છે. દિવાળી સાથે અનેક વાતો અને યાદો જોડાયેલી હોય છે.


જોકે, દિવાળી સાથે ફટાકડાનું જોડાણ અતૂટ રહ્યું છે. ખાસ કરીને બાળકો માટે દિવાળી એટલે ફટાકડા એવી સીધી સમજ છે. ફટાકડા વિનાની દિવાળી એ આપણી પણ કલ્પના બહારની વાત છે. જોકે, આ ફટાકડા આપણા સ્વાસ્થ્ય અને સાથે સાથે પર્યાવરણ માટે કેટલા હાનિકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા નથી. જે જાણે છે તે પણ આખી વાતને અવગણી રહ્યા છે. આખી વાત આપણે ધારીએ છીએ તેટલી સાદી નથી. આ ફટાકડાની વાત વિચાર માગી લે તેવી છે અને તેના પ્રત્યે ધ્યાન આપવું હવે જરૂરી બની ગયું છે.

આપણા ઉત્સવની સાથે કોઇ રોકટોક કરે તે આપણને પસંદ નથી. મોટાભાગે આપણા ઉત્સવ પ્રત્યે છેલ્લા કેટલાક સમયથી રોકટોકનો એક ટ્રેન્ડ ચાલુ થયો છે. આપણને કહેવામાં આવે છે કે ઉત્તરાયણમાં પતંગ ઉડાવવાને કારણે પંખીઓનાં મોત થાય છે. હોળીમાં લાકડાં બાળીને તથા ધુળેટીમાં પાણીનો ભયંકર બગાડ કરીને પર્યાવરણને નુકસાન કરીએ છીએ. ગણેશ ઉત્સવમાં અવાજનું ખૂબ પ્રદૂષણ કરાય છે તથા ગણેશજીની શોભાયાત્રામાં અને વિસર્જન યાત્રામાં રસ્તા જામ થતાં ટ્રાફિકમાં અવ્યવસ્થા સર્જાય છે. નવરાત્રિમાં મોડે સુધી ગરબા ચાલતા હોઇ આજુબાજુ રહેનારાઓને તકલીફ થાય છે તથા યુવક-યુવતીઓ સ્વછંદ બની જાય છે. નવરાત્રિ બાદ આવતી દિવાળીમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણને નુકસાન થાય છે. તો સવાલ એ છે કે આપણા ઉત્સવો ઊજવવા કેવી રીતે? આ સવાલ લાખ રૂપિયાનો છે. આ ઉત્સવો આપણી બીબાઢાળ જિંદગીમાં બદલાવ લાવીને નવા રંગ પૂરે છે. હવે સવાલ ઉજવણી આપણે કેવી રીતે કરીએ છીએ તેનો છે. સામે દિવાળી આવી રહી છે ત્યારે દિવાળીને આપણે માત્ર ફટાકડા સાથે જોડીએ તે કેટલું યોગ્ય છે તે પણ વિચારવું રહ્યું. કારણ એ છે કે, દિવસે દિવસે પૃથ્વી પરનું હવામાન બગડતું જાય છે. સરવે એવું કહે છે કે, પૃથ્વી પરના 99 ટકા લોકો પ્રદૂષિત હવામાં જીવી રહ્યા છે. એ તો સૌ જાણે છે કે ફટાકડા ફોડવાથી હવા પ્રદૂષિત થાય છે. પૂનાના ચેસ્ટ રિસર્ચ ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ બાળકો માટે દિવાળીમાં જે સાપની ગોળી સળગાવીએ છીએ, તેમાંથી જે ધુમાડો નીકળે છે તે 464 સિગારેટના ધુમાડા બરાબર હોય છે. એક ફૂલઝરી સળગાવવાથી 277 સિગારેટ, એક કોઠીનો ધુમાડો 34 સિગારેટ બરાબર, એક તારામંડળનો ધુમાડો 74 સિગારેટ બરાબર અને એક ચકરડી સળગાવીએ તો 68 સિગારેટના ધુમાડા જેટલો ધુમાડો બહાર નીકળતો હોય છે. આ જે દારૂખાનાની ઉપર વાત કરી છે તે બાળકો પાસે આપણે ફોડાવીએ છીએ અને ખુશ થઇએ છીએ. હવે જાણી લો કે બાળકોના સ્વાસ્થ્ય સાથે આપણે દિવાળીમાં કેટલી બેદરકારી રાખી રહ્યા છીએ. આ ફટાકડા તો ખૂબ નાના છે, પરંતુ જે ફટાકડા મોટા લોકો ફોડે છે તે જેવા કે બોંબ, આતશબાજીથી લઇને જાતજાતના મોટા ફટાકડાઓ કેટલું બધું પ્રદૂષણ ફેલાવતા હશે તેની કોઇ ગણતરી નથી. આ ફટાકડાથી પર્યાવરણને તો નુકસાન થાય જ છે સાથે સાથે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન થઇ રહ્યું છે. આ ફટાકડાના ધુમાડાને કારણે ગળું, નાક અને આંખોમાં તકલીફ સર્જાય છે જેનાથી માથાના દુખાવાની સતત ફરિયાદ રહે છે. જેમને અસ્થમાની તકલીફ હોય છે તેવા લોકોને ફટાકડાના ધુમાડાને કારણે શ્વસનની સમસ્યાઓ તરત જ શરૂ થઇ જાય છે. ફટાકડાની જે રંગબેરંગી રોશનીથી આપણે ખુશ થઇએ છીએ તે રોશની બનાવવા રેડિયોએક્ટિવ અને ઝેરીલાં તત્ત્વોનો ઉપયોગ થાય છે. આ રસાયણોથી કેન્સર થવાની પણ શક્યતાઓ છે. દિવાળીમાં હવા પછી સૌથી વધુ પ્રદૂષણ અવાજનું થાય છે. મનુષ્યો માટે 60 ડેસિબલ સુધીનો અવાજ યોગ્ય મનાય છે. તેનાથી વધારે ડેસિબલનો અવાજ આપણી સાંભળવાની શક્તિને નુકસાન પહોંચાડે છે. ફટાકડા ફૂટવાનો અવાજ 140 ડેસિબલથી વધારે હોય છે. પરિણામે આ ભારે અવાજથી આપણી સાંભળવાની શક્તિને નુકસાન થાય છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને નાનાં બાળકોને આ ઊંચા અવાજને કારણે કાયમી તકલીફો થઇ શકે છે. જ્યારે સિનિયર સિટિઝનોને ફટાકડાના અવાજ અને હવાના પ્રદૂષણથી બીપી વધવાની સમસ્યા તથા હૃદય પર અસર થવાની શક્યતાઓ પણ રહે છે.

આટલી હકીકત જાણ્યા પછી પણ આપણે ફટાકડા ફોડવાના છીએ. બાળકોને ફટાકડા ફૂટતા દેખાડવાના છીએ. આ એક હકીકત છે. સવાલ એ છે કે શું આપણે દિવાળી ઊજવવાની પ્રક્રિયામાં થોડો ફેરફાર ન કરી શકીએ? દિવાળીમાં ફટાકડા ખરીદવાના બજેટમાં કાપ મૂકીને એ બજેટ બીજા કોઇ સારા કામમાં વાપરી ન શકીએ? દિવાળી એ આનંદ વહેંચવાનો ઉત્સવ છે. દિવાળી ઉત્સવની મૂળ વાત એ છે કે આપણી આજુબાજુના સૌ આપણા આનંદમાં સહભાગી થાય. આપણા વિસ્તારમાં રહેતાં ગરીબ બાળકોને મીઠાઇ, કપડાં વહેંચીને જો તેમને દિવાળીના પર્વમાં આનંદિત કરીએ તો આપણે દિવાળી વધુ સારી રીતે ઊજવી ગણાશે. હકીકતમાં તો આપણાં બાળકોને આ આનંદ વહેંચવાની પ્રક્રિયામાં સામેલ કરવાં જોઇએ અને સહભાગી બનાવવાં જોઇએ. બાળકોને ખ્યાલ આવવો જોઇએ કે દિવાળી એટલે માત્ર ફટાકડા ફોડવા નહીં, પરંતુ આપણે આનંદ વહેંચવાનો છે. આટલી સમજ જો આપણાં સંતાનોમાં કેળવાશે તો આપણી દિવાળીની ઉજવણી સાર્થક ગણાશે.


  • Follow us on: