જો તમને ખબર હોય કે તમારી કેટલી કેઝ્યુઅલ લીવ વપરાઈ ગઈ છે અને કેટલી બાકી છે તો આ લેખ તમારા માટે નથી. જો તમે વર્ષને અંતે બાકી બચેલી સિક લીવ માટેનું સર્ટિફિકેટ કયા ડોક્ટર પાસેથી લાવશો એની ચિંતા હોય તો આ લેખ તમારા માટે નથી. જો તમે એવી ગણતરી કરતા હો કે ગયા વર્ષે ન વપરાયેલી પ્રિવિલેજ લીવ ક્યાં સુધી એન્કેશ નહીં કરાવો તો લૅપ્સ થઈ જશે, તો આ પણ લેખ તમારા માટે નથી.

ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ જ્યારે કહ્યું હતું કે દરેક જણે અઠવાડિયાના 70 કલાક કામ કરવું જોઈએ ત્યારે નવરા લોકોએ હોબાળો મચાવ્યો હતો. હમણાં એલ એન્ડ ટીના ચેરમેન એસ.એન. સુબ્રમણ્યમને કહ્યું કે, `મારે દુનિયામાં (કોઈ પણ ક્ષેત્રમાં) ટોચ પર પહોંચવું હશે તો અઠવાડિયે 90 કલાક કામ કરવું પડે.' પછી એમણે મજાકભર્યા સૂરમાં કહ્યું કે, `મને અફસોસ છે કે હું મારી કંપનીમાં કામ કરતા લોકોને રવિવારે કામ કરવા માટે બોલાવી શકતો નથી. (રવિવારે ઘેર બેસીને) તમે ક્યાં સુધી તમારા પતિ કે તમારી પત્નીને ટગર ટગર તાકી શકો!'

એમની વાત સાચી, સો ટકા સાચી. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું હોય તો માણસે રોજના બાર-તેર કલાક કામ કરવું જ પડે. સફળતા કંઈ રાતોરાત નથી મળતી. તમે જે જગ્યાએ કામ કરો છો ત્યાં સરકારી કાયદાનુસાર કે કંપનીના નિયમાનુસાર દિવસના આઠ કલાકનું કામ પૂરું કરીને, દિવસના અંતે ખંખેરીને ઘરે જતા હો તો કોઈ તમને કામચોર નથી કહેતું, પણ જિંદગીમાં જો આગળ વધવું હશે તો કઠોર પરિશ્રમનો ખરેખર કોઈ વિકલ્પ નથી.

તમે માની લીધું હોય છે કે આટલા પગારમાં આટલું જ કામ થાય. તમે માની લીધું હોય છે આ પગારમાં જો હું વધારે કામ કરીશ તો એ મારું શોષણ હશે. આવી કમ્યુનિસ્ટ વિચારસરણીવાળાઓ કંપનીમાંથી ટોચના હોદ્દા પરથી રિટાયર્ડ થશે તોય એમની મેન્ટાલિટી મામૂલી જુનિયર ક્લાર્ક જેવી જ રહેશે.

કોઈ સામેથી કહે નહીં તોય તમારે પોતે ઈનિશિયેટિવ લઈને તમારી નોર્મલ જવાબદારીઓ ઉપરાંતનું કામ કરવું જોઈએ. કામના કલાકોની ક્વોન્ટિટી કરતાં એ કલાકો દરમિયાન કરેલા કામની ક્વૉલિટી કેવી છે એ વધારે અગત્યનું છે એવું કહીને કેટલાક લોકો કામના ઓછા કલાકોને જસ્ટિફાય કરીને આપણી આંખમાં ધૂળ નાખે છે. કામની ક્વૉલિટી ઉત્તમ જ હોવી જોઈએ. કામમાં વેઠ ઉતારો છો ત્યારે તમે તમને પગારે રાખનારનો જ નહીં તમારો પોતાનો પણ દ્રોહ કરતા હો છો. તમને નોકરીમાં રાખ્યા જ છે એટલા માટે કે તમે કામમાં વેઠ ન ઉતારો, ગુણવત્તાભર્યું કામ કરો. મુદ્દો એ છે કે તમે રોજના આઠ કલાકને બદલે ગુણવત્તાભર્યું કામ દસ-બાર-ચૌદ કલાક કરો. આ રીતે કામ કરવાથી તમને બીજા જ મહિને પ્રમોશન નથી મળી જવાનું અને શક્ય છે કે પગારવધારો પણ નોર્મલ જ મળે. શક્ય એ પણ છે કે મારા છ માસિક કે વાર્ષિક અસેસમેન્ટ વખતે તમારા ઉપરી તમને કે.આર.એ. વખતે બહુ સારા પોઈન્ટ્સ ન પણ આપે.

પણ તમને નિષ્ઠાથી, લાંબા કલાકો સુધી કામ કરતા જોઈને તમારા કલીગ્સ મનોમન નોંધ લેશે, ઉપરીઓ અને બીજા ડિપાર્ટમેન્ટવાળાઓ પણ નોંધશે કે તમે ભારે કામગરા છો, માટે કામના માણસ છો. તમારી રાઈવલ કંપનીઓ સુધી પણ વહેલી મોડી આ વાત પહોંચવાની જ છે. તમારી કંપનીના એચ.આર. તમને જશ આપે કે ન આપે, બીજી કંપનીના એચ.આર. ફીલર્સ મોકલીને તમારું પોચિંગ કરવાના જ છે. ક્યારે? ગમે ત્યારે. રાતોરાત નહીં થાય એવું, પણ આવું જ કામ કરતા રહેશો તો વહેલું મોડું બીજેથી આમંત્રણ આવવાનું જ છે.

એલ ઍન્ડ ટીના ચેરમેને જે વાત હળવા સૂરમાં કહી તે માટે સિરિયસલી કરવી છે. તમારી પત્નીની કે તમારા પતિની આંખોમાં આંખો પરોવીને ક્યાં સુધી તમે ગુટરગૂં કરતા રહેશો? ક્યાં સુધી તમે એકબીજાને ચકુલુબકુલુ ચૂમ ચૂમ કર્યા કરશો? ક્યાં સુધી તમે તમારાં નાનાં સંતાનોના ઉછેર પાછળ, વૃદ્ધ મા-બાપની સારસંભાળ પાછળ, મિત્રો સાથેની ધીંગામસ્તી પાછળ, સમાજમાં દર બીજા દિવસે આવતા લગ્નનાં આમંત્રણોનો આદર કરવા પાછળ, અવારનવાર યોજાતાં બેસણાં ઉઠમણાં પાછળ કે જ્ઞાતિના સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ સમય ખર્ચ્યા કરશો? આ જિંદગી ભગવાને શું કામ આપી છે? કામ કરવા માટે. દુનિયાની પ્રગતિમાં ફાળો આપવા માટે. કામ કરવું તમારી ફરજ છે, જવાબદારી છે. જે કામ કરતા હોઈએ તે. ભણાવવાનું, બંબાવાળાનું, ટ્રાફિક સાચવવાનું, બેંકમાં હિસાબ રાખવાનું, ફેક્ટરીમાં માલ બનાવવાનું, જોડા સીવવાનું, રેસ્ટોરાંમાં રાંધવાનું, એરકન્ડિશન્ડ ઓફિસમાં બેસીને લખવાનું, વિમાન ચલાવવાનું, ખેતી કરવાનું કે મકાન બાંધવાનું. દરેક કામ આદરણીય છે. દરેક કામ આ દુનિયાને આગળ લઈ જતું હોય છે અને દરેક કામ તમને જિંદગીમાં આગળ આગળ લઈ જતું હોય છે. તમારી જિંદગીને નવો આયામ આપતું હોય છે.

તમારે જિંદગીમાં કંઈક બનવું છે એટલા માટે જ કંઈ તમારે તમારી જવાબદારી કરતાં વધારે કામ નથી કરવાનું. તમારામાં ધગશ, ઉત્સાહ અને નવી ચેતનાનો સંચાર થતો રહે એના માટે વધારે કામ કરવાનું છે. વધારે કામ કરવાની આદત જિંદગીમાં શરૂઆતનાં વર્ષોથી હશે તો તમે 40-50ની ઉંમરે તમારી જિંદગીનો સુવર્ણકાળ અનુભવી શકશો. 60-70-80ની ઉંમરે તમને અફસોસ નહીં થાય કે તમે જિંદગી વેડફી નાખી.

નારાયણ મૂર્તિ કે સુબ્રમણ્યન સાહેબ જેવાઓની વાતોની મજાક ઉડાવનારાઓ ઘણા મળશે. આવી મજાકો કરનારાઓએ પોતાની જિંદગીમાં કશું ઉકાળ્યું નથી હોતું. વર્કલાઈફ બેલેન્સિંગથી માંડીને રોજના માત્ર ચાર જ કલાક અને તે પણ અઠવાડિયાના માત્ર ત્રણ દિવસ માટે જ એવી પાશ્ચાત્ય થિયરીઓ ઘણી થઈ. એમાંથી તફડંચી કરીને આપણે ત્યાં પણ ઘણા મોટિવેશનલ સ્પીકરો ફૂટી નીકળ્યા. એમના વાદે નહીં ચડતા.

કામ કરવું એટલે રોજ સવારે હાજરી પુરાવવી અને નવા મહિનાની શરૂઆતમાં પગાર મેળવવો એવું નથી. કામ માત્ર પેટ ભરવા કે કુટુંબની ભવિષ્યની સલામતી માટે કરવાનું નથી હોતું. કામ તમારું કેરેક્ટર ઘડે છે, તમારા ચારિત્ર્યને ઘડે છે. કામ માટેની નિષ્ઠા તમારી જીવન માટેની નિષ્ઠાની સાબિતી છે. કામ તમને એકાગ્રતાના પાઠ ભણાવે છે. કામ તમને તુચ્છ બાબતોથી, ફાલતુ બાબતોથી દૂર રાખે છે. કામ તમને તમારી આંખોમાં આદરપાત્ર બતાવે છે.

કામના કલાકો વધારીને ટોળટપ્પાના કલાકો ઘટાડીએ છીએ ત્યારે આજે નહીં તો કાલે તમને ખબર પડે છે કે નાઈન ટુ ફાઈવનું નિશ્ચિત કલાકોનું રૂટિન કેટલું ખતરનાક હતું.

કામને માત્ર કમાણીના સાધન તરીકે જોવાનું ન હોય. દરેક ક્ષેત્રની ટોચની હસ્તીઓના જીવનનો તમે અભ્યાસ કરો. તેઓ આજની તારીખે પણ નિયમિતરૂપે બારથી પંદર કલાક કામ કરે છે. યોગાભ્યાસ દ્વારા ઊંઘના કલાકો ઘટાડીને અઢાર-અઢાર કલાક કામ કરનારા અગણિત લોકો છે. આ દુનિયામાં એમણે પોતાના ક્ષેત્રમાં કામ કરવાની શરૂઆત કરી ત્યારથી તેઓ દિવસ-રાત એક કરીને પરસેવો પાડતા રહ્યા છે.

સરકારી નોકરીમાં હો, કોર્પોરેટર જોબ કરતા હો કે કોઈ પ્રાઈવેટ ઓફિસમાં કામ કરતા હો, વધારે કામ કરવાથી તમને કોઈ નુકસાન નથી જવાનું. પ્રોફેશનલ પ્રેક્ટિકલ કરતા હો કે પછી પોતાનો ધંધો હોય તો પણ મોજમજા અને પરિવાર માટેના કલાકો ઘટાડીને કામના કલાકો વધારતા રહીએ તે સારું જ છે. વર્ષો પહેલાં ક્રિકેટર કપિલ દેવનાં પત્ની રોમી ભાટિયાના એક ટીવી શોમાં તે વખતના વિખ્યાત ઉદ્યોગપતિ બી.કે. મોદીએ પોતાની પત્નીની હાજરીમાં કહ્યું હતું: `મારા માટે મારું કામ પહેલું છે, મારો પરિવાર પછી આવે. કારણ કે હું જે કંઈ છું તે મારા કામને લીધે છું. મને ચાહનારા લોકો જો હું કામ નહીં કરતો હોઉં તો મને ચાહતા બંધ થઈ જશે.'

તમે મોટા ઉદ્યોગપતિ હો કે નવાસવા ટ્રેઈની હો, કામ તમારી જિંદગીનું મકસદ હોય છે. તમારી જિંદગીનો હેતુ હોય છે. લૂઝરો ભલે 70 કે 90 કલાક કામ કરવાની વાતની મજાક ઉડાડતા રહે. તમારે પણ એ લૂઝરોની જમાતમાં જોડવું હોય તો તમારી મરજી, બાકી બાર-પંદર-અઢાર કલાક કામ કરવાની ટેવ હશે તો જિંદગીમાં ક્યારેક તમે વડાપ્રધાનના પદ સુધી પહોંચશો કે નહીં તેની ખબર નથી, પણ એટલી ગેંરટી છે કે જિંદગી વેડફાઈ જવાનો અફસોસ તમને ક્યારેય નહીં થાય.

- સાયલન્સ પ્લીઝ!

મહાન કામો કરવાં હશે તો અત્યારે જે કામ કરો છો એ કામમાં જીવ રેડી દો.