અગ્નિતત્ત્વને જાણો
આગ લાગવા માટે ત્રણ વસ્તુઓ ઈંધણ, તાપમાન અને ઓક્સિજનનું હોવું જરૂરી છે. આ ત્રણે વિશે સમજીએ.
ઓક્સિજન (Oxygen) : આગ સળગતી રહે તે માટે ઓક્સિજન સામાન્ય રીતે પૂરતા પ્રમાણમાં હવામાં હાજર જ હોય છે.
તાપ (Heat) : કોઈ પણ ઇંધણ કોઈ નિશ્ચિત તાપમાન પર સળગવાનું શરૂ કરે છે. આ બાબત ઇંધણ પર નિર્ભર કરે છે. સખત તથા દ્રવ્યને જ્યારે ગરમ કરવામાં આવે તો તે બાષ્પ ઉત્પન્ન કરે છે જેને કારણે આગ લાગે છે. કેટલાંક દ્રવ્યોને ગરમ કરવાની પણ જરૂર નથી પડતી, કારણ કે તે નોર્મલ રૂમ ટેમ્પરેચર જેમ કે 15 ઔંશ સેલ્સિયસ પર બાષ્પ ઉત્પન્ન કરે છે જેમ કે, પેટ્રોલ, કેરોસીન.
ઇંધણ (Fuel) : કોઈ પણ પદાર્થ, દ્રવ્ય, સખત અથવા તો ગેસ ત્યારે જ સળગે છે જ્યારે તેને ઓક્સિજન તથા ઉચ્ચ તાપમાન (Heat) મળે.
આગને બુઝાવી શકાય?
જવાબ છે હા, આગ લાગવાનાં મુખ્ય ત્રણ કારણ - ઇંધણ, તાપ અને ઓક્સિજનમાંથી એકને પણ ખતમ કરી નાખવામાં આવે તો આગને રોકી શકાય છે. આગ લાગવા તથા સળગતા રહેવા માટે ઉપરોક્ત ત્રણે કારણોનું એકસાથે હોવું ખૂબ જ જરૂરી છે. ઈધણ, તાપ, ઓક્સિજનમાંથી કોઈ એકને દૂર કરીને આગ પર કાબૂ મેળવી શકાય છે. આગને બુઝાવવાની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે.
સ્ટાર્વિંગ : ઇંધણને આગથી અલગ કરીને.
સ્મૂધરિંગ : હવાને રોકીને એટલે કે ફોમ, રેત વગેરેથી ઢાંકીને ઓક્સિજનના સપ્લાયને આગથી અલગ કરવું.
કૂલિંગ : તાપ ઓછો કરવા માટે પાણીનો ઉપયોગ કરવો.
આગનું વર્ગીકરણ : ઇંધણની પ્રકૃતિના આધારે આગને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
ક્લાસ A ફાયર : સખત પદાર્થો જેમ કે, લાકડું, કાગળ, કપડું વગેરેમાં લાગનારી આગ ક્લાસ-એ ફાયર કહે છે. આ પ્રકારની આગને બુઝાવવા માટે પાણીનો ફુવારો નીચેના ભાગ પર મારવો જોઈએ અને ધીરેધીરે ઉપર લાવવો જોઈએ. વોટર એક્સટિંગ્વિશરનો ઉપયોગ શ્રેષ્ઠ રહે છે.
ક્લાસ C ફાયર : ગેસ કે દ્રવિત ગેસમાં લાગનારી આગને ક્લાસ-સી ફાયર કહે છે. આ આગને બુઝાવવામાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે, કારણ કે તેમાં વિસ્ફોટ થવાનું જોખમ હોય છે. તેથી સુરક્ષિત જગ્યાએ જતા રહેવું અને ફાયરબ્રિગેડમાં કૉલ કરવો જોઈએ.
ક્લાસ B ફાયર : દ્રવ્ય પદાર્થો જેમ કે, ગેસોલીન, ઓઈલ વગેરેમાં લાગનારી આગને ક્લાસ-બી ફાયર કહે છે. આ આગને બુઝાવવા ફોમ કે રેતીથી ઢાંકીને ઓક્સિજનનો સપ્લાય અટકાવવાય છે. પાણીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો. ફોમ, પાઉડર કે કાર્બન ડાયોક્સાઈડવાળા એક્સટિંગ્વશરનો ઉપયોગ કરવો.
ક્લાસ D ફાયર : ધાતુ તથા વિદ્યુત ઉપકરણોમાં લાગનારી આગને ક્લાસ-ઈ ફાયર પણ કહે છે. ઇલેક્ટ્રિક ઉપકરણોમાં આગ લાગી હોય તો કાર્બન ડાયોક્સાઈડવાળા એક્સટિંગ્વિશર ઉપયોગી છે. ફોમ કે પાણીવાળા એક્સટિંગ્વિશરનો ઉપયોગ ક્યારેય ન કરવો.
અગ્નિશામકના પ્રકાર : આગ બુઝાવવા માટે ઉપયોગમાં લેવાનારા ફાયર એક્સટિંગ્વિશર એટલે કે અગ્નિશામકનો ઉપયોગ કઈ વસ્તુમાં આગ લાગી છે તેના પર આધારિત હોય છે.
વોટર એક્સટિંગ્વિશર
આગ બુઝાવવા સૌથી વધારે ઉપયોગ વોટર એક્સટિંગ્વિશરનો થાય છે. પેપર, કપડાં અને લાકડાંમાં લાગેલી એટલે કે ક્લાસ A ફાયરમાં તેનો ઉપયોગ થાય છે. આગના પ્રભાવ પ્રમાણે ઉપયોગ કરવા માટે તેમાં અલગ અલગ પોઈન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. બધા જ પ્રકારના વોટર એક્સટિંગ્વિશર પર લાલ રંગનું લેબલ હોય છે.
ફોમ એક્સટિંગ્વિશર : પેટ્રોલ, ડીઝલ અથવા તો અન્ય જ્વલનશીલ પદાર્થોમાં એટલે કે ક્લાસ B ફાયરને ફોમ એક્સટિંગ્વિશરની મદદથી બુઝાવી શકાય છે. લાકડું કે કપડાંમાં લાગેલી ગંભીર આગને પણ ફોમ એક્સટિંગ્વિશરના માધ્યમથી બુઝાવી શકાય છે. ફોમ એક્સટિંગ્વિશરના સિલિન્ડર પર ક્રીમ કલરનું લેબલ હોય છે.
પાઉડર એક્સટિંગ્વિશર
આ એક એવું એક્સટિંગ્વિશર છે જેનો ઉપયોગ તમે ઘણી રીતે કરી શકો છો. આમ તો તેનો મુખ્ય ઉપયોગ ઇમારતની અંદર કરાય છે જ્યાં તમે કોઈ એક્સટિંગ્વિશરનો ઉપયોગ ન કરી શકતા હો. આનાથી તમે લાકડું, પેપર, કપડાં, વીજળીનાં ઉપકરણ, તેલ કે અન્ય જ્વલનશીલ પદાર્થોમાં લાગેલી આગને પણ કાબૂમાં કરી શકો છો. પાઉડર એક્સટિંગ્વિશર પર નીલા રંગનું લેબલ હોય છે.
કાર્બન ડાયોક્સાઈડ એક્સટિંગ્વિશર
આ એક્સટિંગ્વિશરનો ઉપયોગ સામાન્ય રીતે જ્યાં વીજળીનાં ઉપકરણો વધારે હોય જેમ કે, કોઈ કંપનીના સર્વર રૂમમાં આગ લાગી હોય તો ત્યાં આગ બુઝાવવા માટે આ એક્સટિંગ્વિશર ઉપયોગી છે. પેટ્રોલ તથા અન્ય જ્વલનશીલ પદાર્થમાં લાગેલી આગને બુઝાવવા માટે આનો પ્રયોગ કરવામાં આવે તો આગ પર જલદી કાબૂ મેળવી શકાય છે. કાર્બન ડાયોક્સાઈડ એક્સટિંગ્વિશર અન્ય એક્સટિંગ્વિશરની સરખામણીમાં વધારે મોંઘું હોય છે. આ એક્સટિંગ્વિશર પર કાળા રંગનું લેબલ હોય છે.
વેટ કેમિકલ એક્સટિંગ્વિશર : ખાવાના તેલથી લાગનારી આગને બુઝાવવા માટે આ સૌથી ઉત્તમ એક્સટિંગ્વિશર છે. અમુક વાર તેનો ઉપયોગ કપડાં, લાકડું, પેપર વગેરેમાં લાગેલી આગ બુઝાવવા માટે પણ કરી શકાય છે. આ પ્રકારના એક્સટિંગ્વિશર પર પીળા રંગનું લેબલ હોય છે.
મલ્ટિપર્પઝ એક્સટિંગ્વિશર : હવે તો A, B અને C ક્લાસ માટે એક જ એક્સટિંગ્વિશર બજારમાં ઉપલબ્ધ છે. આ સિવાય પણ બોલ પ્રકારના તથા અન્ય નાનામોટા ફાયર એક્સટિંગ્વિશર પણ મળે છે.