પ્લેન જ્યારે ઉડાન ભરે ત્યારે ફ્લાઈટ એટેન્ડન્ટ કે પાઇલટ સીટ બેલ્ટ બાંધવાનું અને ફોનને ફ્લાઈટ મોડ પર રાખવાનું કહે છે. તે સમયે મોટાભાગના લોકો ફોનને ફ્લાઈટ મોડ પર મૂકી દે છે, પરંતુ ઘણાંના મનમાં એ સવાલ થાય છે કે આખરે પ્લેન ટેક ઓફ કરે ત્યારે ફ્લાઈટ મોડ ઓન કરવાનું શા માટે કહેવામાં આવે છે? શું છે આ ફ્લાઈટ મોડ અને તે ઓન ન કરીએ તો શું થાય તે જાણીએ.

ફ્લાઈટ મોડ શું હોય છે?

ઘણા ફોનમાં ફ્લાઈટ મોડને એરપ્લેન મોડ અથવા તો સ્ટેન્ડ અલોન મોડ લખેલું હોય છે. આ બધાનું કામ એક જ હોય છે. ફ્લાઈટ મોડ ચાલુ કરતાંની સાથે જ તમારો ફોન નેટવર્ક ક્ષેત્રની બહાર ચાલ્યો જાય છે. આને કારણે કોલિંગ અને ઇન્ટરનેટ સેવા બંધ થઈ જાય છે. આ સાથે જીપીએસ, બ્લૂટૂથ અને વાઈફાઈ જેવી સેવાઓ પણ અટકી જાય છે. ફ્લાઈટ મોડ ઓન કર્યા પછી તમે કોઈને ફોન કરી શકતા નથી કે રિસીવ પણ કરી શકતા નથી. બરાબર એ રીતે કે જાણે ફોન સ્વીચ ઓફ હોય. જોકે, ફ્લાઈટ મોડમાં ફરક એ હોય છે કે તમે આગળ જણાવેલી સેવાઓ સિવાય પહેલેથી ડાઉનલોડ વીડિયો કે મ્યુઝિકની મજા માણી શકો છો. ફોનના નેટવર્કની જરૂર ન હોય તે બધી જ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.

ફ્લાઈટ મોડ ઓન ન હોય તો શું થાય?

ઉડાન વખતે પાઇલટ હંમેશાં રડાર અને કંટ્રોલ રૂમના સંપર્કમાં રહે છે. આ સંપર્ક રેડિયો વેવ દ્વારા જળવાયેલો રહે છે. તેનાથી પ્લેનને નેવિગેશન અને સંચાર પ્રણાલિઓમાં મદદ મળે છે. જો આપણે ફ્લાઈટ મોડ ઓન ન કર્યો હોય તો આપણો ફોન દરેક વખતે ઘણાં ટાવરો સાથે સિગ્નલ જોડવાનો પ્રયત્ન કરે છે. આને કારણે મોબાઈલમાંથી નીકળનારા તરંગો બાકી જગ્યાઓની સંપર્ક સિસ્ટમ સાથે જોડાવા લાગે છે. આને કારણે પાઇલટ અને કંટ્રોલ રૂમ વચ્ચેના સંપર્કમાં સમસ્યા પેદા થાય છે અને ઘણીવાર કંટ્રોલ રૂમમાંથી મોકલવામાં આવેલી જાણકારી પાઇલટને સ્પષ્ટ રીતે સંભળાતી નથી. આને કારણે પ્લેનને ઊડવામાં સમસ્યા થઈ શકે છે. ક્યારેક પ્લેન ક્રેશ થવાની શક્યતા પણ રહે છે.

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે પ્લેનમાં સવાર 100-150 લોકોમાંથી એવા હોય છે કે જેઓ ફોન ફ્લાઈટ મોડમાં મૂકતા નથી અને તેને કારણે તે ફોન રેડિયો ટાવર્સ સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. સ્માર્ટફોનમાં આવનાર રેડિયો તરંગ પાઇલટના હેડસેટના રેડિયો તરંગોને ડિસ્ટર્બ કરી શકે છે અથવા તો તેમના ડાયરેક્શનને બદલી શકે છે. આ જ કારણથી ટેક ઓફ પહેલાં પેસેન્જરને પોતાનો મોબાઈલ ફ્લાઈટ મોડ પર રાખવા માટે કહેવામાં આવે છે. ઘણા દેશોમાં તો ઉડાન દરમિયાન ફ્લાઈટ મોડ ઓન ન રાખવો એ સજાપાત્ર ગુનો ગણાતો હતો.

ફ્લાઈટ મોડનો આ પણ ઉપયોગ છે!

ફ્લાઈટ કે એરપ્લેન મોડનો ઉપયોગ મોટાભાગના લોકો ફોનને સ્વિચ ઓફ કર્યા વગર રિસેટ કરવા માટે પણ કરતા હોય છે. ઘણી વાર એવું થાય છે કે ફોનનું નેટવર્ક ડિસ્ટર્બ થઈ જાય છે. આવી સ્થિતિમાં તમે ફ્લાઈટ મોડ એક્ટિવ અને પછી ડિએક્ટિવ કરો તો તમારા મોબાઈલમાં ટાવર આવવા લાગે છે.

હવે ફ્લાઈટમાં વાઈફાઈનો ઉપયોગ કરી શકાશે

દુનિયાના ઘણા દેશોમાં અને ભારતમાં પણ અમુક એરલાઈન્સે ફ્લાઈટમાં વાઈફાઈની સુવિધા શરૂ કરી છે. ફ્લાઈટના વાઈફાઈનો ઉપયોગ કરીને કોલ કરી શકાશે, મેસેજ કરી શકાશે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાશે અને ઇન્ટરનેટ પર સર્ફિંગ પણ કરી શકાશે.