ભારત હવે સેમીકન્ડક્ટરના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. આપણે સૌએ આ શબ્દ સાંભળ્યો છે, પરંતુ સેમીકન્ડક્ટર ખરેખર શું કામ કરે છે? તે કેમ આટલું કિંમતી છે? વગેરે વિશે બહુ ઓછા લોકો જાણે છે. જાણીએ સેમીકન્ડક્ટર વિશે એ બધું જે તમારે જાણવું જ જોઈએ
સેમીકન્ડક્ટર શું હોય છે?
સેમીકન્ડક્ટર સામાન્ય રીતે એક સિલિકોનની ચિપ હોય છે. સરળ ભાષામાં કહીએ તો સેમીકન્ડક્ટર સિલિકોન અથવા જર્મેનિયમથી બનેલું એક નાનું ઇલેક્ટ્રોનિક ડિવાઈસ હોય છે. જેનો ઉપયોગ કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, મોબાઈલ ફોન, કાર, ઈલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક ગેજેટ્સ, ડિજિટલ કેમેરા, સંચાર ઉપકરણ, મોબાઈલ, એટીએમ કાર્ડ, ટ્રેન વગેરે બધી જ જગ્યાએ થાય છે. સેમીકન્ડક્ટર કોઈ પ્રોડક્ટની કન્ટ્રોલિંગ અને મેમરી ફંક્શનને ઓપરેટ કરે છે. તે ઇલેક્ટ્રોનિક સર્કિટના બેઝિક બિલ્ડિંગ બ્લોક તરીકે કાર્ય કરે છે. એક નખથી પણ નાની ચિપ પર અબજો માઈક્રોસ્કોપિક સ્વિચ હોઈ શકે છે.
કેમ ખૂબ જ કિંમતી છે?
સેમીકન્ડક્ટર આજના સમયમાં ખૂબ જ કિંમતી છે. આધુનિક ટેક્નિકને તેની જરૂરિયાત હોય છે અને દરેક ઉદ્યોગમાં તેની ભારે માંગ છે. લગભગ દરેક ક્ષેત્રમાં સેમીકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. સેમીકન્ડક્ટર ઝડપથી ડેટા પ્રોસેસ કરવા અને સ્ટોર કરવા માટે એઆઈ અને મશીન લર્નિંગ માટે ખૂબ જ જરૂરી છે, જેનાથી સુપરફાસ્ટ પ્રોસેસિંગ અને મેમરી મળે છે. સેમીકન્ડક્ટર ઉદ્યોગ આર્થિક વિકાસને ઝડપ આપે છે, કારણ કે દુનિયાભરમાં તેની ખૂબ જ માંગ છે.
આટલું મોટું છે ભારતનું બજાર
દુનિયાભરમાં સેમીકન્ડક્ટરની ભારે માંગ છે. ભારતમાં સેમીકન્ડક્ટરનું બજાર વર્ષ 2021માં 27.2 બિલિયન અમેરિકન ડોલર હતું અને વર્ષ 2023માં લગભગ 19 ટકાના દરે વધીને ૬4 બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચી ગયું હતું. વર્ષ 202૬ સુધીમાં ભારતમાં એનું બજાર 80 અબજ ડોલર હશે. એવું અનુમાન છે કે 2030ના વર્ષ સુધીમાં તે 110 અબજ ડોલર સુધી પહોંચી જશે. આટલી મોટી જરૂરિયાત હોવા છતાં ભારતમાં સેમીકન્ડક્ટરનું નિર્માણ થતું નહોતું. આ જ કારણ છે કે ભારત હવે સેમીકન્ડક્ટર ક્ષેત્રે પગભર થવા માંગે છે. ભારતની ઘણી કંપનીઓ સેમીકન્ડક્ટર ઉદ્યોગ માટે આગળ આવી છે અને સમય જતાં ભારત સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર પણ બની શકે છે.
સેમીકન્ડક્ટરના નિર્માણમાં કોણ આગળ છે?
સેમીકન્ડક્ટર બનાવવામાં તાઈવાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા દેશો આગળ છે. તાઈવાન દુનિયાના સૌથી મોટા સેમીકન્ડક્ટર નિર્માતાઓમાંથી એક છે, જે દુનિયાની ૬0 ટકાથી પણ વધારે ઉત્તમ ગુણવત્તાવાળી ચિપ્સનું ઉત્પાદન કરે છે. અમેરિકા પણ સેમીકન્ડક્ટર ઉદ્યોગનો મહત્ત્વપૂર્ણ ખેલાડી છે. ચીન પણ સેમીકન્ડક્ટર નિર્માણ બાબતે ઝડપથી આગળ વધી રહ્યું છે. જાપાન સેમીકન્ડક્ટર ઉદ્યોગમાં એક મહત્ત્વપૂર્ણ દેશ છે જ્યાંની ઘણી કંપનીઓ સેમીકન્ડક્ટર બનાવે છે. ભારત પણ શા માટે પાછળ રહે! આપણે ત્યાં પણ હવે સેમીકન્ડક્ટર બનશે, જેથી આપણે સેમીકન્ડક્ટર બાબતે આત્મનિર્ભર બની શકીએ.
આ બધામાં થાય છે તેનો ઉપયોગ
આજકાલ મોબાઈલ ફોન અને ગાડીઓમાં ઘણે અંશે હાઈટેક ફીચર્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફીચર્સને ચલાવવા માટે સેમીકન્ડક્ટરની જરૂર પડે છે. જેમ કે, કારમાં સેમીકન્ડક્ટરનો ઉપયોગ હેડ્સ અપ ડિસ્પ્લે, સેન્સર્સ, સેલફોન અને કમ્યુનિકેશન ઇન્ટિગ્રેશનની સાથે ઉચ્ચ દક્ષતાવાળા એન્જિનના એલિમેન્ટ્સમાં થાય છે. આ સિવાય ડ્રાઈવર આસિસ્ટન્સ, પાર્કિંગ રિયર કેમેરા, બ્લાઈન્ડ સ્પોટ ડિટેક્શન, એરબેગ અને ઈમરજન્સી બ્રેકિંગમાં પણ સેમીકન્ડક્ટરની જરૂર હોય છે. ઓટોમોબાઈલ માર્કેટમાં અત્યારે જેટલી કાર ઉપલબ્ધ છે તે બધી જ કારમાં સેમીકન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના વગર અત્યારની કારની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મોબાઈલ ફોનમાં પણ સેમીકન્ડક્ટરનું આ જ પ્રકારનું કામ હોય છે.
