અમેરિકાની મહાનતાના મૂળમાં યોગ્ય, શ્રેષ્ઠ અને તાલીમબદ્ધ શિક્ષણ પદ્ધતિની ભૂમિકા મહત્ત્વની છે. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો પથ તે દેશની શિક્ષણ નીતિના પાયામાં છુપાયેલો હોય છે. જેવું શિક્ષણ એવી પ્રગતિ. વિશ્વના વિવિધ દેશોમાં જે તે દેશની નંબર વન એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ હોય જ, પણ વિશ્વભરના દેશોમાંથી પ્રથમ ક્રમાંકની સંસ્થાનો તાજ આપવો એ સરળ બાબત નથી.

વિશ્વપ્રસિદ્ધ ક્યુએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્ઝ્ દર વર્ષે વિશ્વની શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોની યાદી બનાવે છે. પહેલા નંબરે અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું નામ છે.

અમેરિકાના જિઓલોજિસ્ટ વિલિયમ બાર્ટન રોજર્સે 1961ની સાલમાં અમેરિકા ઉદ્યોગોના મામલે અગ્રેસર રહે અને એ જરૂરિયાતને સારી રીતે પૂરી કરી શકાય એ વિચારબિંદુને કેન્દ્રસ્થાને રાખીને મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના કરી હતી. અમેરિકા કરતાં એ વખતે યુરોપિયન દેશોની એજ્યુકેશનલ સિસ્ટમ નવી ભાતની હતી અને એટલે જ આ સંસ્થાનું મોડેલ યુરોપિયન પોલિટેક્નિક યુનિવર્સિટીના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું. સંસ્થાનો મુદ્રાલેખ લેટિન ભાષામાં મેન્સ એટ માનુસ હતો, જે અંગ્રેજીમાં માઈન્ડ એન્ડ હેન્ડ તરીકે જાણીતો થયેલો છે. સંસ્થાના લોગોમાં જ સાયન્સ અને આર્ટ્સને મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ લોગો 1964માં તૈયાર કરવામાં આવ્યો હતો. 2003ના વરસમાં મૂળ લોગોને સંસ્થાના સીલ તરીકે રાખવામાં આવ્યો અને નવો ફોનેટિક લોગો તૈયાર કરવામાં આવ્યો હતો, જે સાંપ્રત સમયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે.

જે જગ્યા પર વિશ્વની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા શોભાયમાન છે એ તે વખતે રોઝર્સે મ્યુઝિયમ એન્ડ કન્ઝર્વેટરી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ માટે સરકારને પ્રપોઝલ કરેલી અને સરકારે મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ બોસ્ટન સોસાયટી ઓફ નેચરલ હિસ્ટ્રી તરીકે પ્રપોઝલને માન્યતા આપી હતી. જે રોઝર્સ દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. અમેરિકા અત્યારે ભલે જગત જમાદાર હોય, પણ તે વખતે તે માત્ર એક દેશ હતો. રોઝર્સે ત્યારે વિચારેલું કે બીબાઢાળ શૈક્ષણિક સંસ્થાઓ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના જમાના સાથે તાલ નહીં મિલાવી શકે અને એ માટે એવી સંસ્થાઓનું સ્વરૂપ તૈયાર કરવું પડશે જે દરેક પડકારોને પહોંચી વળવા સક્ષમ હોય અને એ વિચારબીજમાંથી જ આ સંસ્થાનો ઉદય થયો હતો એમ કહી શકાય. ત્રણ સિદ્ધાંતો પર આખી સંસ્થાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ધ એજ્યુકેશનલ વેલ્યૂ ઓફ યૂઝફુલ નોલેજ, ધ નેસેસિટી ઓફ લર્નિંગ બાય ડુઈંગ, ઈન્ટિગ્રેટિંગ એ પ્રોફેશનલ એન્ડ લિબરલ ઓર્ટ્સ એજ્યુકેશન એટ ધ એન્ડર ગ્રેજ્યુએટ લેવલ.

અનેક પડકારો, સંઘર્ષો અને સાહસ સાથે રોઝર્સે સંસ્થા માટે નાણાકીય ભંડોળ એકત્ર કર્યું. 163 વરસની આ શૈક્ષણિક યાત્રામાં એમઆઈટીથી જગવિખ્યાત આ સંસ્થાના નામે 105 નોબલ વિજેતાઓ બોલે છે. અનેક દેશોનો સરવાળો ભેગો કરો તો પણ નોબેલ વિજેતાઓની સંખ્યા 105 ન થાય અને આ સંસ્થા સાથે જોડાયેલાં 105 નામ નોબલના ઈતિહાસમાં લખાયેલાં છે. 2024માં ઈકોનોમિક્સ માટે જે ત્રણ ઈકોનોમિસ્ટને નોબલનું બહુમાન મળ્યું છે એમાંથી બે સિમન જ્હોન્સન અને ડેરોન એસેમોગ્લુના નામ આ સંસ્થા સાથે જોડાયેલા છે. આ સંસ્થામાં ભણવું એ ગૌરવ છે તો ભણાવવું એ સ્વાભિમાનનું પ્રતીક છે. આ સંસ્થામાં ભણનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ એશિયન છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને ઊતીર્ણ થયેલાઓને સ્કોલરશિપ સહિત વિવિધ સહાય કરવામાં આવે છે.