- શનિમંત્ર, યંત્ર, સ્તોત્ર, વ્રત, દાન અને રત્ન ધારણ કરવાથી શનિની પીડા શાંત થશે
नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्।
छायामार्तण्ड सम्भूतं तं नमामि शनैश्चरम्।
શનિદેવની માતાનું નામ છાયા અને પિતાનું નામ સૂર્યદેવ છે. યમરાજ તેમના નાના ભાઈ અને યમુનાજી તેમનાં બહેન છે. શનિદેવને શનૈશ્ચરાય, સૌરાય, કૃષ્ણાય વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. શનિદેવનો રંગ ઈન્દ્ર નીલમણિ સમાન છે. તેમના શીશ પર સોનાનો મુકુટ, ગળામાં માળા તથા શરીર પર નીલા રંગનાં વસ્ત્ર છે. તેમની સવારી ગીધ પક્ષી છે, તેઓ પોતાના હાથમાં ધનુષબાણ, ત્રિશૂળ અને વરમુદ્રા ધારણ કરે છે. માતાના શાપને કારણે તેઓ લંગડાતા ચાલે છે તથા પત્નીના શાપને કારણે તેઓ શીશ નીચું રાખીને ચાલે છે. તેમને ભગવાન શિવે દંડનાયકની પદવી આપી છે, તેથી તેઓ કર્મ અનુસાર ફળ આપે છે. મકર તથા કુંભ રાશિ પર શનિદેવનું આધિપત્ય છે જ્યારે પુષ્ય, અનુરાધા તથા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પર આધિપત્ય છે. શનિદેવ પશ્ચિમ દિશાના સ્વામી છે. તેમનો શુભ વાર શનિવાર છે. છે. તેમનું રત્ન નીલમ છે. જન્મકુંડળીમાં 6,8,10 અને 12મા સ્થાનનું કારકત્વ છે. તેઓ પોતાના સ્થાનથી ત્રીજા, સાતમા તથા દસમા સ્થાન પર દૃષ્ટિ કરે છે. શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી પરિભ્રમણ કરે છે. તેમની મહાદશા 19 વર્ષની હોય છે. તેઓ એક રાશિમાં ત્રીસ-ત્રીસ વર્ષ રહે છે. શનિ એકમાત્ર એવો ગ્રહ છે જે સુંદર વલયો ધરાવે છે. હસ્તરેખાશાસ્ત્રમાં મધ્યમા આંગળીની નીચે તથા ગુરુ અને સૂર્ય પર્વતની વચ્ચે સ્થિત રહે છે. અંકશાસ્ત્ર અનુસાર તેમનો અંક 8 છે તથા દરેક મહિનાની 7, 17 અને 26 તારીખના સ્વામી છે. અપવાદને બાદ કરતા જાતકને તેના જીવનમાં ત્રણ વાર સાડાસાતી પ્રભાવિત કરે છે.
હનુમાનજીની આરાધનાથી શનિની પીડા શાંત થાય છે
શનિ ક્યારે અશુભ ફળ આપે છે?
જન્મકુંડળીમાં શનિ ગ્રહ નીચ રાશિમાં હોય, વક્રી કે અશુભ સ્થાનનો સ્વામી બનીને ગ્રહોના પ્રભાવમાં હોય અથવા તો શનિ પોતાની મહાદશા, અંતર્દશા, સાડાસાતી અથવા ઢૈયા (અઢી વર્ષ) હોય ત્યારે અશુભ ફળ આપે છે.
શનિ કેવાં અશુભ ફળ આપે છે?
વ્યવસાય, નોકરી તથા શુભ કાર્યોમાં બાધાઓ, અસ્વસ્થતા, માનસિક અશાંતિ, પારિવારિક અશાંતિ, ધનની બચત ન થવી, યાત્રામાં કષ્ટ, મિત્રો સાથે મતભેદ, સંતાનસંબંધી ચિંતા, સટ્ટામાં નુકસાન, શત્રુઓ દ્વારા હેરાનગતિ, કોર્ટકેસ, માન-પ્રતિષ્ઠા ઘટવી, નાણાં અટવાઈ રહેવાં, વ્યર્થ ખર્ચ કે નુકસાન, ઋણ (દેવું) વધી જવું વગેરે.
શનિદોષ નિવારણના ચોક્કસ ઉપાયો
શનિમંત્ર
ૐ શન્નોદેવીરભિષ્ટય: આપો ભવન્તુ પીતયે શન્નોરભિસ્ત્રવન્તુન:।
પૌરાણિક મંત્ર : ૐ નીલાંજન સમાભાષમ્, રવિપુત્ર, યમાગ્રજમ, છાયા માર્તંડ સંભૂત તં-નમામિ શનૈશ્વરમ્॥
તાંત્રિક મંત્ર : ૐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્ચરાય નમ:।
શનિ સ્તોત્ર
કોણસ્થ: પિંગલોબભ્રુ: કૃષ્ણો રૌદ્રોન્તકો યમ:।
સૌરિ: શનૈશ્વરો મન્દ: પિપ્પલાદેન સંસ્તુત:॥
એતાનિ દશનામાનિ પ્રાતરુત્થાય ય: પઠેત।
શનૈશ્વર કૃતા પીડા ન કદાચિદ્ ભવિષ્યતિ॥
પ્રાત:કાળે ઊઠીને શનિનાં ઉપર્યુક્ત દસ નામોનું સ્મરણ કરવાથી પણ શનિની પીડામાં શાંતિ મળે છે.
શનિનું દાન
શનિની અનિષ્ટતાના નિવારણ માટે તેલ, કાળા તલ, કાળા અડદ, લોખંડ, કાળાં વસ્ત્ર, કાળો કાંબળો, છત્રી, ચામડાનાં જૂતાં તથા કાળી વસ્તુઓ ગરીબ વ્યક્તિને દાનમાં આપવી જોઈએ.
શનિનું વ્રત
શનિની અનિષ્ટતાના નિવારણ માટે શનિવારનું વ્રત કરવું જોઈએ. એક સમય ભોજન કરવું જોઈએ અને શનિદેવના મંત્રોનો જપ કરવો જોઈએ.
શનિની મુદ્રિકા (વીંટી)
કાળા ઘોડાના પગની નાળની અભિમંત્રિત વીંટી મધ્યમા (વચ્ચેની) આંગળીમાં ધારણ કરવી જોઈએ.
શનિનું રત્ન
શનિદોષના નિવારણ માટે તુલા, વૃષભ, મકર, કુંભ રાશિની વ્યક્તિઓએ શનિનું રત્ન નીલમ મધ્યમા આંગળીમાં ધારણ કરવું જોઈએ.
શનિ યંત્ર
શનિ યંત્રને શુભ મુહૂર્તમાં ધારણ કરવાથી અથવા તેની ઘરમાં સ્થાપના કરવાથી શનિની પીડા શાંત થઈ જાય છે.
પ્રાર્થના-આરાધના
શનિદોષના નિવારણ માટે ભગવાન શિવ, સૂર્ય, હનુમાનજીની આરાધના કરવી જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિની પીડા શાંત થાય છે. ભગવાન શિવના પંચાક્ષર મંત્ર `ૐ નમ:શિવાય'નો જપ કરવો તથા મહામૃત્યુંજય મંત્રનો પણ જપ કરવો જોઈએ. સૂર્ય દેવતાને પ્રસન્ન કરવા `ૐ ધૃણિ: સૂર્યાય નમ:' મંત્રનો જપ કરવો તથા `આદિત્ય હૃદય સ્તોત્ર'નો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના `ૐ હનુમતે નમ:' મંત્રનો જપ કરીને કરવી અને `હનુમાન ચાલીસા' તથા `સુંદરકાંડ'નો પાઠ કરવો જોઈએ.
નિયમપાલન
શનિના અશુભ સમયમાં નીચે જણાવેલા નિયમોનું પાલન કરવાથી શનિના અશુભ પ્રભાવો ઓછા થાય છે.
- શાંત રહેવું.
- આહાર-વિહારમાં નિયમિતતા
- સહિષ્ણુતા રાખવી.
- જોખમી કાર્યોથી દૂર રહેવું.
- વર્તમાન વિશે જ વિચારવું.
સામાન્ય ઉપાયો
- છાયાદાન કરો.
- ભોજનમાં મરીનો ઉપયોગ કરો.
- શ્રમિક વર્ગ, અસહાય તથા વિકલાંગ વ્યક્તિઓને ભોજન કરાવો.
- શનિવારના દિવસે સૂર્યાસ્ત થઈ ગયા પછી લોટમાંથી બનાવેલો દીવો પીપળાના વૃક્ષ નીચે પ્રગટાવો.
- શનિવારના દિવસે લોખંડનું ત્રિશૂળ મહાકાલ શિવ અથવા મહાકાળી મંદિરમાં અર્પણ કરો.
- શનિવારે હનુમાનચાલીસા તથા સુંદરકાંડનો પાઠ કરો.
- ધૂમ્રપાનથી દૂર રહો.
- શનિની હોરામાં કોઈ પણ ખાદ્યપદાર્થ ગ્રહણ ન કરશો.
- કાળાં કપડાંમાં આઠસો ગ્રામ કોલસા તથા એક નાળિયેર મૂકીને પોતાના ઉપરથી ઉતારીને જળમાં પ્રવાહિત કરો. આ પ્રયોગ સતત આઠ શનિવાર સુધી કરવો.
- શનિ અષ્ટકનો નિયમિત પાઠ કરવો.










