• ઉનાળામાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ, ડિહાઈડ્રેશન, હીટ સ્ટ્રોક વગેરે જેવી બીમારીઓ કે સ્થિતિ વધારે જોવા મળે છે. આવું તમારી સાથે ન થાય તે માટે પહેલેથી જ સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાન ઉત્તરોત્તર વધી રહ્યું છે. આજના સમયમાં આબોહવા પરિવર્તનનો અનુભવ થવો એ ચિંતાજનક બાબત છે. સિઝનની સમયમર્યાદામાં ફેરફાર આપણને અનુભવાઈ રહ્યો છે. દૈનિક તાપમાનના વલણની તરાહ પણ બદલાઈ રહી છે. સ્થાનિક તાપમાન અને ભેજનું સાયુજ્ય આરોગ્ય પર વિપરીત અસર કરે છે. ઓરેન્જ અને રેડ એલર્ટ પણ જરૂર પડે જાહેર કરાતાં હોય છે. વધતા તાપમાન બાબતે અત્યારે સ્વરક્ષણ અને આરામદાયક જગ્યામાં રહેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે લૂ લાગવાના કિસ્સા આ સમયમાં વધારે જોવા મળે છે.

વધતા તાપમાનની આરોગ્ય પર અસર

હીટ વેવઃ ગરમીના આ મોજાને કારણે મૃત્યુદરમાં વધારો થાય છે.

હીટવેવ તો માંદગીના દરમાં પણ વધારો કરે છે.

જીવન માટે જોખમી એવી ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ જેમ કે, હીટ સ્ટ્રોક અને હીટ એક્ઝોશન પણ પેદા થાય છે.

નબળાઈ અનુભવાય છે અને ક્યારેક સ્નાયુઓમાં તાણ પણ લાગે છે.

ઝાડા-ઊલટી અને શરીર પર અળાઈઓ થાય છે.

ગરમીમાં આરોગ્ય આ રીતે સાચવો

ગરમીમાં હીટ સ્ટ્રોક, હીટ એક્ઝોશન, ઝાડા-ઊલટી વગેરે વધારે જોવા મળે છે. આવી સ્થિતિ તમારા સ્વાસ્થ્ય માટે પેદા ન થાય તેના માટે તમે કેટલીક કાળજી રાખી શકો છો જેમ કે,

ખોરાક

ઉનાળામાં હળવો અને સુપાચ્ય ખોરાક લેવાનો આગ્રહ રાખવો.

મોસમી શાકભાજી, ફ્રૂટ, સ્પ્રાઉટ્સ વગેરે લેવાં.

દૂધ અને માવો કે તેમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું ટાળવું.

તળેલું અને મસાલેદાર ખાવાનું ટાળવું.

અસુરક્ષિત કે બજારમાં ખુલ્લો મળતો બરફ કે આઈસક્રીમ ખાવાનું ટાળવું જોઈએ.

બહાર ગરમીમાંથી આવીને તરત જ ઠંડું પાણી, પીણાં કે ખોરાક ખાવાનું ટાળવું.

ઠંડું ઘર અને કાર્યસ્થળ

ઘર-ઓફિસ કે કાર્યસ્થળને ગરમીમાં હવાઉજાસવાળું રાખવાં.

ફિલામેન્ટ બલ્બની જગ્યાએ એલઈડી બલ્બનો ઉપયોગ કરવો.

રસોઈ માટે ખુલ્લાં વાસણ નહીં, પણ પ્રેશર કૂકરનો ઉપયોગ કરવો.

ભેજ ઘટાડવા ભીનાં કપડાંને બહાર સૂકવવાં જોઈએ.

ઘરની અંદરની ગરમીને બહાર કાઢવા માટે એક્ઝોસ્ટનો ઉપયોગ કરવો જોઈએ.

ઘરની છત અને બાલ્કનીમાં છોડ ઉગાડો.

ઘરની દક્ષિણ અને પશ્ચિમ બાજુએ વૃક્ષો વાવવાં જોઈએ.

હવામાનની આગાહી

સમાચારપત્ર અને ટેલિવિઝન પર આવતા ન્યૂઝ પરથી જે-તે દિવસનું કે આવનારા દિવસનું તાપમાન જાણીને તે મુજબ અનુસરવું. જેમ કે, ઓરેન્જ કે રેડ એલર્ટ હોય તો ઘરની બહાર કામ વગર નીકળવાનું ટાળવું જોઈએ. જો જવું પડે તેમ હોય તો વહેલી સવાર કે સાંજનો સમય પસંદ કરવો જોઈએ. બપોરે કોઈ કારણસર બહાર જવાનું થાય તો ખુલ્લા વાહનમાં જવાનું ટાળવું. બસ, કાર કે રિક્ષાનો ઉપયોગ કરવો.

બાળકોને ઘરમાં રમવા સમજાવવાં તેના માટે ઇન્ડોર ગેઇમ, કોમિક્સ વગેરે ઉપયોગી થઈ પડશે. બાળક સ્કૂલે જઇને બપોરના સમયે આવે તો તરત પાણી ન આપો તેમજ એને તરત નવડાવો પણ નહીં, એ વાતની કાળજી રાખો.

સમયસર સારવાર

જો લૂ લાગી હોય તો સમયસર ડૉક્ટરને બતાવવું જોઈએ.

ગરમીના કારણે કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા સર્જાય તો પ્રાથમિક સારવાર લેવી. હીટ સ્ટ્રોકને કારણે કોઈ બેભાન થઈ ગયું હોય તો તરત જ તેને ડૉક્ટર પાસે લઈ જવું.

હાઈડ્રેશન

ગરમીનું જોખમ વધારે હોય ત્યારે પુષ્કળ પાણી પીવું.

સામાન્ય રીતે ઇલેક્ટ્રોલાઈટ પીણાંની જરૂર હોતી નથી, તેનો ઉપયોગ સ્નાયુ ખેંચાણ માટે મદદરૂપ બની શકે છે.

કેફીનયુક્ત, કાર્બોનેટેડ, ડાયટ ડ્રિંક્સ અને આલ્કોહોલથી દૂર જ રહો, કારણ કે તે તમારા શરીરમાંથી પાણીને બહુ ઝડપથી બહાર કાઢે છે.

સગવડ મુજબ છાશ, આંબલી, કાચી કેરી, કોકમ, લીંબુ શરબત, નારિયેળ પાણી વગેરેનું નિયમિત સેવન કરવું.

શરીરનું હાઈડ્રેશન તપાસો, અતિશય તરસ લાગે તથા પેશાબમાં ઘટાડો કે પેશાબનો ઘાટ્ટો રંગ હાઈડ્રેશનની જરૂરિયાત દર્શાવે છે.


  • Follow us on: