• વાલ્મીકિ રામાયણમાં 24,000 શ્લોક છે. રામાયણ મૂળ સાત કાંડમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જેમ કે, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ, ઉત્તરકાંડ. તેમાં 500 સર્ગ છે

હિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે, પરંતુ રામાયણ માત્ર હિન્દુ ધર્મ કે આપણા ભારત દેશ પૂરતો મર્યાદિત રહ્યો નથી. રામાયણ વિવિધ દેશોમાં પ્રચલિત છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજજીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઇને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.

રામાયણની રચના

રામાયણની રચનાની વાત ખૂબ જ રસપ્રદ છે. ઋષિ વાલ્મીકિ એક દિવસ તમસા નદીમાં સ્નાન કરતાં હતા, ત્યારે એક શિકારીને ક્રૌંચ (સારસ) પક્ષીના જોડાને હણતો જોયો. એક પક્ષી વીંધાઇને પડતાં બીજું પક્ષી આક્રંદ કરવા લાગ્યું. આ જોઇને ઋષિ વાલ્મીકિનું મન કરુણાથી છલકાઇ ગયું. તેમના મુખમાંથી કરુણાને લીધે એક શ્લોક સરી પડ્યો. જેના કારણે મહાગ્રંથ રામાયણની રચના થઈ. ઋષિના મુખેથી બોલાયેલો શ્લોક...

મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ

યત્ ક્રોંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્

અથાત્, હે નિષાદ, તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, કીર્તિ, સ્થિતિ, સ્થાન, સ્થાપના, રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તેં આ કામક્રીડામાં મગ્ન ક્રૌંચ કૂંજ પક્ષીઓમાંથી એકની વિના કોઇ અપરાધે હત્યા કરી દીધી છે.

વાલ્મીકિને આ પ્રસંગે એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતાં એક શિકારીને શાપ આપી બેઠા, કારણ કે એ તો પોતાનું કર્મ કરતો હતો. સાથે તેમનાથી અનાયાશે જ એક નવા શ્લોકની રચના થઇ અને એ અનુષ્ટુપ છંદ હતો. વાલ્મીકિને આ વાતથી પ્રસન્નતા થઈ. આ પ્રસંગ પછી જ્યારે નારદ મુનિ વાલ્મીકિને મળવા આવ્યા ત્યારે વાલ્મીકિએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજી સમક્ષ રજૂ કરી. સાથે જણાવ્યું કે અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઇ એવી રચના કરવા માંગે છે જે સમગ્ર માનવજાતિ માટે માર્ગદર્શક રૂપ બને. એ સમયે નારદજીએ ઋષિ વાલ્મીકિને રામના જીવન વિશે લખવા માટે પ્રેરણા આપી. આમ રામાયણની રચના થઇ. રામાયણની રચના કરી રહ્યાં હતા ત્યારે રામ દ્વારા સીતાનો ત્યાગ કરવામાં આવ્યો અને વાલ્મીકિ ઋષિ પાસે વનમાં આવ્યાં, ત્યાં જ લવ અને કુશનો જન્મ થયો. લવ અને કુશને રામાયણ કંઠસ્થ કરાવી તેનું ગાન કરવાનું ત્યાં આશ્રમમાં જ શીખવવામાં આવ્યું.

રામાયણ એ ભારતીય સંસ્કૃતિનો ઐતિહાસિક ગ્રંથ છે. તારા અને નક્ષત્રોનાં સ્થાન મુજબ ગણતરી કરતા રામાયણનો કાળ આશરે ઈ.સ. પૂર્વે 504૧ ગણાય છે. રામાયણ એટલે રામ+અયણ= રામની પ્રગતિ કે રામની યાત્રા.

તુલસીદાસકૃત રામાયણ

મૂળ રામાયણ તો વાલ્મીકિ રામાયણ જ ગણાય છે. જ્યારે અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું છે. એમાં મૂળ રામાયણમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં તાત્ત્વિક રહસ્યને સમજાવવામાં આવ્યું છે. એ પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ શ્રી રામચરિત માનસની રચના કરી જે અવધ ભાષામાં લખાયેલી છે. વાલ્મીકિ રામાયણ પછી જો કોઇ બીજી રામકથા સૌથી પ્રસિદ્ધ થઇ હોય તો એ તુલસીદાસ રચિત રામ ચરિતમાનસ છે. એવું કહેવાય છે કે તુલસીદાસજીએ ૧5૭4ની સદીમાં લખવાનું શરૂ કર્યું હતું. બે વર્ષ અને સાત મહિના 2૬ દિવસ પછી ૧5૭૬માં લખાવાનું પૂર્ણ થયું હતું.

રામાયણનું રૂપાંતરણ

સમયમાં જેમ જેમ પરિવર્તન આવવા લાગ્યું અને સંસ્કૃત ભાષા આપણી બોલચાલની ભાષા ન રહી એ પછી લેખકો અને કવિઓ દ્વારા રામાયણનો વિવિધ ભાષામાં અનુવાદ થવા લાગ્યો. તેના મહત્ત્વપૂર્ણ રૂપાંતરણની વાત કરીએ તો ૧2મી સદીમાં તમિલ ભાષામાં `રામાવતારમ', ૧4મી સદીમાં તેલુગુ ભાષામાં `શ્રી રંગનાથ રામાયણ' એ પછી કન્નડ, મલયાલમ, બંગાળી વગેરે ભાષામાં રૂપાંતર થવા લાગ્યું. સંસારમાં ભાગ્યે જ કોઇ એવી ભાષા હશે જેમાં મૂળ રામાયણનું રૂપાંતર કરવામાં ન આવ્યું હોય.

રામાયણ ધાર્મિક ગ્રંથ હોવાની સાથે એક સામાજિક દસ્તાવેજ છે. જે જાત, ભાત, રંગ અને ભેદ વગેરેની સીમાઓને પાર કરીને સામાન્ય વ્યક્તિના જીવન ઉપર ઊંડી અસર પાડે છે. ભારત જેટલો જ આદર્શ જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, રશિયા, ચીન વગેરે જેવા દેશોમાં રામાયણને આપવામાં આવ્યો છે. ગોસ્વામી તુલસીદાસજી ઇચ્છતા હતા કે રામાયણમાં પ્રેમ, કર્તવ્ય, આદર્શ, સત્ય મેવ જયતેનો જે સાર છે, એ સામાન્ય લોકો સુધી પહોંચી શકે. છેવટે તેમનો પ્રયત્ન સફળ રહ્યો. રામાયણ રામલીલા દ્વારા, કથા અને રામાયણ સીરિયલ થકી દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ થઇ છે.

  • Follow us on: