ચંદ્ર પર વિક્રમ લેન્ડરના સાધન CheSTEને ચંદ્રની ધરતીનું તાપમાન 60 સેન્ટીગ્રેડ જણાયું. સપાટી ખોદતાં 8 સેન્ટીમીટર નીચે તાપમાન ઘટીને -10 સેન્ટીગ્રેડ જણાયું. પ્રજ્ઞાન રોવરના LIBS નામના સાધનને એલ્યુમિનિયમ, કેલ્શિયમ, લોહ, ક્રોમિયમ, ટાઈટેનિયમ, મેંગેનીઝ, સિલિકૉન તથા ઓક્સિજન મળ્યા. જેની અપેક્ષા નહોતી તે સલ્ફર મળ્યું અને જેની આશા હતી તે હાઈડ્રોજન ન મળ્યો. દરમિયાન ઈસરોએ આદિત્ય-L1નામનું યાન સૂર્ય તરફ રવાના કરી દીધું છે. ચાલો, જાણીએ આદિત્ય-L1 સૂર્ય પર શું કરશે?
આદિત્ય-L1 સૂર્ય પર જવાનું નથી!
આદિત્ય-L1 યાન ખરેખર સૂર્ય પર જવાનું નથી. કોઈ યાન સૂર્ય પર જઈ શકે નહીં. આદિત્ય-L1 ચાર મહિના આગળ વધતું રહી પૃથ્વીથી 15 લાખ કિમી. દૂર આવેલા લગરેન્જ પોઈન્ટ-1 પર પહોંચશે. અહીંથી સૂર્ય 14,85,00,000 કિમી. દૂર હોવાથી યાન સલામત રહેશે. લગરેન્જ પોઈન્ટ એવી જગ્યા છે જ્યાં સૂર્યનું અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એકબીજાનો છેદ ઉડાડી દે છે. અહીં આદિત્ય-L1 સ્થિર રહી શકશે. તે માટે યાન ઊભા વર્તુળમાં ચક્કર કાપવા લાગશે. એટલે જ યાનનું નામ આદિત્ય(સૂર્ય)-L1(લગરેન્જ પોઈન્ટ-1) છે. અહીંથી તે સતત સૂર્યનો અભ્યાસ કરશે. અહીં તે એકલું નહીં હોય, અગાઉથી અહીં નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીએ મોકલેલા DISCOVER, WIND, SOHO અને ACE નામનાં યાન ઊભી ફુદરડી ફરતા સૂર્યનો જુદી જુદી રીતે અભ્યાસ કરી રહ્યાં છે.
સૂર્ય વિશે આપણે કેટલું જાણીએ છીએ?
સૂર્ય પૃથ્વીથી 15 કરોડ કિમી. દૂર આવેલો સહુથી નજીકનો તારો છે. તેનો વ્યાસ (કમરેથી પહોળાઈ) પૃથ્વી કરતાં 109 ગણો વધારે છે, સૂર્ય એટલો મોટો છે કે તેમાં 13 લાખ પૃથ્વી સમાઈ જાય. તેનું વજન પૃથ્વી કરતાં 3,33,000 ગણુ વધારે છે.
જેમ પૃથ્વીમાં કેન્દ્રનો ગોળો(કોર), વલોવાતો લાવા(મેન્ટલ) અને બહારની છાલ જેવા ખડકો(ક્રસ્ટ) એમ જુદાં જુદાં થર છે. તેમ સૂર્યને પણ કેન્દ્રનો ગોળો(કોર) છે, ત્યાં તાપમાન 1.5 કરોડ ડીગ્રી સેન્ટીગ્રેડ છે. તેની ફરતે 70 ટકા જેટલો ગોળાનો થર, રેડિયેટિવ ઝોન છે. તેની બહાર 30 ટકા જેટલો થર, કન્વેકિટવ ઝોન છે. તેની બહાર છાલ જેવો પ્રકાશનો થર, ફોટોસ્ફીયર છે. અહીં ગરમી ઘટીને 5,500 સેન્ટીગ્રેડ થઈ જાય છે.
તેની બહાર ક્રોમોસ્ફીયર નામની બીજી છાલ છે. તે અંદરના ભાગે 6,000 ડીગ્રી સેન્ટીગ્રેડ અને બહારની સપાટી પર 20,000 ડીગ્રી સેન્ટીગ્રેડ ગરમી ધરાવે છે.
તેની બહારનું પડ કોરોના છે, જે સૂર્યનો પ્લાઝમા(ઝાળ) છે. આ થરનું અંદરના ભાગનું તાપમાન 10 લાખ સેન્ટીગ્રેડ અને બહારનું તાપમાન 30 લાખ સેન્ટીગ્રેડ છે. વિજ્ઞાનીઓને નવાઈ એ વાતની છે કે સૂર્યના કેન્દ્રમાં પ્રચંડ ગરમી હોય તે ધીમેધીમે બહારના થરમાં ઘટતી જવી જોઈએ અને સૌથી બહારના થરમાં સૌથી ઓછી ગરમી હોવી જોઈએ. તેને બદલે વચ્ચે ગરમી સાવ ઘટી જાય છે અને ફરી કોરોનામાં અનહદ વધી જાય છે? આમ કેમ?
જવાબમાં વિજ્ઞાનીઓએ અનેક થિયરી વિચારી છે. તે કેટલી સાચી(કે ખોટી) છે તેની ખાતરી આદિત્ય- L1 કરી આપે તેવી આશા છે.
આદિત્ય-L1ને સૂર્યમાં શું જોવા મળશે?
સૂર્યમાંથી પ્રકાશ અને ગરમી ઉપરાંત અલ્ટ્રાવાયોલેટ, ઈન્ફ્રારેડ, એક્સ-રે, ગામા-રે અને રેડિયો તરંગો પણ નીકળે છે. આ બધું મહદ અંશે પૃથ્વીના વાતાવરણમાં ગળાઈને રોકાઈ જાય છે તેથી આપણને તેની જાણ થતી નથી. ઉપરાંત સૂર્યમાંથી વીજભાર ધરાવતા પ્રોટોન અને ઈલેક્ટ્રોનથી છલોછલ છલકાતા સૌર પવનો પણ દસેય દિશામાં પ્રસરતા રહે છે. આ સૌર પવનો પૃથ્વીના ઉત્તર-દક્ષિણ ધ્રુવના ચુંબકીય ક્ષેત્રમાં આવે તો ચમકતા, આકર્ષક રંગોની આભા સર્જાય છે. સૂર્યના કોરોનામાંથી ચુંબકીય ક્ષેત્રના વિસ્ફોટથી સર્જાતા પ્રકાશ-ઊર્જાના ફુવારા ગમે તે દિશામાં છૂટતા રહે છે. દૂર આકાશમાં જઈ પાછા સૂર્ય બાજુ ખેંચાઈ જાય છે. ક્યારેક ક્યારેક સૂર્યમાંથી સૂર્ય-સેરના શેરડા છૂટે છે. તેમાં છલોછલ પ્રકાશ, ન્યૂટ્રીનો અને ઊર્જાનો ધોધ હોય છે. એ પૃથ્વી સહિતના દૂર દૂરના ગ્રહો સુધી પહોંચે છે. દોઢ દાયકા પહેલાં આવેલી હોલિવૂડની ફિલ્મ 2012માં સૂર્યના ન્યૂટ્રીનો રાક્ષસી જથ્થામાં પૃથ્વી પર આવી પહોંચતાં પ્રલય સર્જાય એવી વાર્તા હતી. આદિત્ય-L1 આ બધા ઘટનાક્રમ, પદાર્થો, કિરણો, પવનો, ઊર્જાઓ વગેરેની દૂરદર્શી તપાસ કરશે.
આપણને સૂર્યનાં બે થર જોવા મળે છે
આપણે ક્રોમોસ્ફીયર અને કોરોનાને જોઈ શકીએ છીએ. અંશતઃ પૂર્ણ સૂર્યગ્રહણ વગતે સૂર્ય ફરતે કેસરી કે સોનેરી બંગડી દેખાય છે તે ક્રોમોસ્ફીયર છે.
સંપૂર્ણ (ખગ્રાસ) સૂર્યગ્રહણ વખતે સૂર્ય ફરતે માત્ર કેસરિયા પીળા રંગની આભા દેખાય છે તે કોરોના છે. આદિત્ય-L1 ક્રોમોસ્ફીયર અને કોરોના ઉપરાંત ફોટોસ્ફીયરનો પણ અભ્યાસ કરશે.
આદિત્ય-L1 પાસે તપાસ કરવાનાં કયાં કયાં સાધનો?
આદિત્ય-L1 પાસે સૂર્યના ખબર લેવાનાં કુલ સાત સાધનો છે.
1 : વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ (VELC) કોરોનાનાં થર, સ્વભાવ અને જથ્થાનો અભ્યાસ કરશે.
2 : સોલાર અલ્ટ્રાવાયોલેટ ઈમેજિંગ ટૅલિસ્કૉપ (SUIT)અલ્ટ્રાવાયોલેટ કિરણોની મદદથી સૂર્યના ફોટોસ્ફીયર અને ક્રોમોસ્ફીયરની તસવીરો લેશે.
3 : સોલાર લૉ-એનર્જી એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (SOLEXS) સૂર્યમાંથી નીકળતા નબળા એક્સ-રેનો અભ્યાસ કરશે.
4 : હાઈ એનર્જી L1ઓર્બિટિંગ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર (HELIOS) સૂર્યમાંથી સોલાર ફ્લેર સાથે નીકળનાર તીવ્ર એક્સ-રેનો અભ્યાસ કરતું રહેશે.
5 : આદિત્ય સોલાર-વિન્ડ પાર્ટિકલ એક્સપેરિમેન્ટ (ASPEX) સૌર પવનોના દરેક કણનો અભ્યાસ કરશે.
6 : પ્લાઝમા એનેલાઈઝર પેકેજ ફોર આદિત્ય (PAPA) સૂર્યમાંથી નીકળનાર સૌર પવનોના પ્રવાહીસમાન પ્લાઝમા પર નજર રાખીને તપાસ કરશે.
7 : મેગ્નેટોમીટર (MAG) સૂર્યનાંચુંબકીય ક્ષેત્રોનું માપ લઈ નોંધ કરશે અને તેનું પૃથક્કરણ કરી તારણો કાઢશે.










